IPL 2024સ્પોર્ટસ

કોલકાતા પ્લે-ઓફમાં, ઊંચા રનરેટ બદલ ટૉપ-ટૂની પૂરી ખાતરી

બુમરાહ પાસે પર્પલ કૅપ પાછી આવી ગઈ

કોલકાતા: ઈડન ગાર્ડન્સમાં શનિવારે મેઘરાજાએ 60મી લીગ મેચની શરૂઆતમાં પોણા બે કલાક સુધી બાજી બગાડી એ પછી પણ યજમાન કોલકાતા નાઈટ રાઇડર્સ (16 ઓવરમાં 157/7)ની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ (16 ઓવરમાં 139/8)ને હરાવવામાં સફળ થઈ હતી. 12 મૅચમાં એનો આ નવમો વિજય હતો. કોલકાતાની ટીમ 18 રનથી જીતીને 18 પોઇન્ટ તથા +1.428ના સર્વશ્રેષ્ઠ નેટ રનરેટ સાથે સત્તાવાર રીતે પ્લે-ઓફમાં પહોંચી ગઈ છે અને ટૉપ-ટૂના સ્થાનમાં રહેશે એની પાકી સંભાવના છે.

પ્લે-ઑફનું ફોર્મેટ એવું છે જેમાં પહેલાં બે સ્થાને રહેનાર ટીમ વચ્ચે જે મૅચ (ક્વોલિફાયર-વન) રમાય એમાં જીતનારી ટીમને સીધા ફાઇનલમાં જવા મળે. હાલમાં રાજસ્થાન બીજા, હૈદરાબાદ ત્રીજા અને ચેન્નઈ ચોથા નંબરે છે. મુંબઈ અને પંજાબ સત્તાવાર રીતે સ્પર્ધાની બહાર થઈ ગયા છે. મુંબઈના યોર્કર સ્પેશિયાલિસ્ટ જસપ્રીત બુમરાહની પણ પંજાબના હર્ષલ પટેલ જેટલી 20 વિકેટ થઈ હોવાથી તેની પાસે પર્પલ કૅપ પાછી આવી ગઈ છે.

કોલકાતાને ખાસ કરીને સ્પિન-ટ્વિન્સ વરુણ ચક્રવર્તી (4-0-17-2) અને સુનીલ નારાયણ (3-0-21-1)ની જોડીએ તેમ જ પેસ બોલર્સ હર્ષિત રાણા (3-0-34-2) અને આન્દ્રે રસેલે (3-0-34-2) એકસરખા આક્ર્મણથી વિજય અપાવ્યો હતો. મુંબઈના બૅટર્સ ખાસ કરીને વરુણ અને નારાયણની બોલિંગથી પરેશાન હતા. મેઘરાજાના લાંબા વિઘ્ન બાદ ઓવર ઘટાડીને 16-16 કરવામાં આવી હતી જેમાં ટીમના કોઈ એક બોલરને ચાર ઓવર આપવાની હતી અને કોલકાતાના કેપ્ટન શ્રેયસ ઐયરે એ માટે વરુણને પસંદ કર્યો હતો. વરુણે કેપ્ટનનો વિશ્વાસ સાર્થક ઠરાવ્યો હતો. તેણે ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા (19) અને વર્તમાન સુકાની હાર્દિક પંડ્યા (2)ની વિકેટ લીધી હતી. બધા બોલર્સમાં વરુણનો ઇકોનોમી રેટ (4.25) બેસ્ટ હતો અને તેણે ચાર મૅચમાં બીજો મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મેળવ્યો હતો. મુંબઈના બેટર્સમાં માત્ર ઈશાન કિશન (બાવીસ બૉલમાં 40 રન) અને તિલક વર્મા (17 બૉલમાં 32 રન)ના ઠીક-ઠીક યોગદાન હતા.

ઈશાનની વિકેટ નારાયણે લીધી હતી, જયારે સૂર્યકુમાર (11 રન)ની સૌથી મહત્વપૂર્ણ વિકેટ રસેલને મળી હતી.
એ પહેલાં, પ્રથમ બૅટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ કોલકાતાએ જે 157 રન બનાવ્યા એમાં વેન્કટેશ ઐયર (21 બૉલમાં 42 રન) તથા દોઢ મહિને ફરી રમાડવામાં આવેલા નીતિશ રાણા (23 બૉલમાં 33 રન)નો સાધારણ ફાળો હતો. વેન્કટેશની વિકેટ પીયૂષ ચાવલાએ લીધી હતી અને રાણાને તિલકે રનઆઉટ કર્યો હતો. રસેલે બે સિક્સર, બે ફોરની મદદથી 14 બૉલમાં 24 રન અને રિન્કુ સિંહે બે છગ્ગા સાથે 12 બૉલમાં 20 રન બનાવ્યા હતા.

બુમરાહ અને ચાવલાએ બે-બે વિકેટ લીધી હતી તથા અંશુલ કમ્બોજ-થુશારાને એક-એક વિકેટ મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button