આજે માતૃત્વ દિવસ : માતૃત્વથી રસબોળ ગુજરાતી સાહિત્યની માતાના પ્રેમના સાદને ઝીલતી કૃતિઓ…
“મા તે મા બીજા વગડાના વા” જેવી કહેવત જ માનું મુલ્ય સમજાવી જાય છે. બાળકના ગર્ભ સંભાળથી જન્મ-મૃત્યુ સુધીનું માતૃત્વનો પ્રવાહ એટલે આપણી મા, જનનીની જોડ દુનિયામાં કયાંય મળી ન શકે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે કે વિશ્વ માતૃત્વ દિવસ ઉજવાય છે. માતૃ દિવસની સૌ પ્રથમ ઉજવણી પ્રાચીન ગ્રીસમાં થઇ હતી. આજની જીવનશૈલીમાં આ દિવસ સોશિયલ મીડિયામાં સ્ટ્રેટસ કે મા સાથેની તસ્વીર મૂકીને ઉજવણી કરે છે. જે ઘણી દુ:ખદ વાત છે. દરેકના જીવનની પ્રગતિમાં માની ભુમિકા અહંમ હોય છે. મા નો ત્યાગ, પ્રેમ અને સહનશિલતાની પ્રતિમૂર્તિ એવી સંસારની સૌ માતાઓના ચરણોમાં વંદન છે.
1900 ના દાયકાની શરૂઆતમાં અન્ના જાર્વિસ નામની મહિલાના સંયુકત પ્રયાસો પછી માતાઓ તેમના બાળકો માટે જે પ્રયત્નો અને બલિદાન આપે છે, તેના સન્માન માટે આ દિવસની સ્થાપના કરાય હતી. 1905માં તેની માતાના અવસાન બાદ આ દિવસ શરુ થયો હતો. 1914 સુધીમાં રાષ્ટ્રપતિ વૃડ્રો વિલ્સને તેને રાષ્ટ્રિય રજા જાહેર કરી. આ દિવસનો હેતુ માત્ર માતાઓ જ નહીં, પણ દાદી, કાકી, ભાભી, મામી, માસી સહિતની પરિવારની મહિલાઓનો વ્યકિતના વિકાસમાં યોગદાનની ઉજવણી છે.
માતાનો સબંધ એ દરેક દેશ અને સંસ્કૃતિનો ભાગ રહ્યો છે, તેનાથી કોઈ સભ્યતા અળગી રહી શકી નથી. કારણ કે એક માતાના હાથમાં જ કોઈપણ સભ્યતા અને સંસ્કૃતિના અસ્તિત્વની જવાબદારી રહેલી છે. જેમ કોઈપણ પ્રદેશ માતાના પ્રેમથી છેટો નથી પડ્યો તેવી જ રીતે કોઈપણ ભાષાનું સાહિત્ય પણ તેનાથી દૂર નથી રહ્યું. ગુજરાતી સાહિત્ય પણ માતાના પ્રેમથી રસબોળ છે. કવિશ્વર દલપતરામથી લઈને આજદિન સુધીના લેખકો કવિઓએ માતૃત્વને કલમથી ઘૂંટયું છે. આજે માતૃત્વ દિવસ પર ગુજરાતી સાહિત્યની અમુક કૃતિઓની વાત કરીએ કે જેમાં માતૃત્વનો સાદ જીલાયો છે.
“મીઠા મધુ ને મીઠા મેહુલા રે” – કવિ બોટાદકર
મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
“લોહીની સગાઈ” – ઈશ્વર પેટલિકર
ઈશ્વર પેટલીકરની વાર્તા ‘લોહીની સગાઈ’માં એક માતાના તેની ગાંડી દીકરી સાથેના સંબંધનું માર્મિક ચિત્રણ છે. અમરતકાકીની એક દીકરી મંગુ જન્મથી જ ગાંડી છે. ગામલોકો તેને ગાંડાના દવાખાને ભરતી કરવાની સલાહ આપે છે પરંતુ એક મા તરીકે એનું મન માનતું નથી. પણ ગામમાં એક સ્ત્રી ગાંડપણમાંથી સાજી થઈને આવે છે તેમાંથી પ્રેરણા લઈને અમરતકાકી મંગુને દવાખાને મુકવા તૈયાર થાય છે. ઘરે આવ્યા પછી અમરતકાકીનું દિલ મંગુની યાદમાં સતત ઝુર્યા કરે છેઅને રાત પડ્યા સુધીમાં તો એ પસ્તાવો તેની પર એવો હાવી થઇ જાય કે માતા પોતે જ ગાંડી થઇ જાય છે. પેટલીકરે આ વાત વાર્તાના મર્મસ્પર્શી વાક્યથી મૂકી હતી;
વહેલા પરોઢે, ઘંટીનો અને વલોણાંનો મધુરો અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો ત્યારે ગામ આખાને વીંધી નાખે તેવી ચીસાચીસ અમરતકાકીએ કરી મૂકી : ‘ધાજો, રે… ધાજો, મારી મંગુને મારી નાખી રે…’
દીકરો ખાટલામાંથી ઊછળી પડ્યો. પાડોશી દોડી આવ્યા. ઘંટીઓ અને વલોણાં થંભી ગયાં. જેણે સાંભળ્યું તે ધાઈ આવ્યાં અને આવ્યાં તેવાં હબકી ગયાં : અમરતકાકી મગુની નાતમાં વટલાઈ ગયાં હતાં!
“તીર્થોત્તમ” – કવિ બાલમુકુન્દ દવે
ભમ્યો તીર્થે તીર્થે, ધરી ઉર મનીષા દરશની,
પુરી, કાશી, કાંચી, અવધ, મથુરા ને અવર સૌ
ભમ્યો યાત્રાધામો અડસઠ જલે સ્નાન કરિયા;
વળી સાથે લાવ્યો વિમલ ઘટ ગંગોદક ભરી.
છતાં રે ના લાધ્યું પ્રભુ ! પુનિત એક્કે તીરથ જ્યાં
શકે મારી છીપી ચરમ મનીષા તું દરશની !
અને એવા ઝાઝા દિન વહી ગયા શોધન મહીં,
વહ્યા એથી ઝાઝા સતત ઘટમાળે જીવનની !
“સ્ત્રી હૃદય” – ધૂમકેતુ
મીયાણા જ્ઞાતિમાં રહેલા બદલાનાં રિવાજને કેન્દ્રમાં લઈને ધૂમકેતુએ આ વાર્તા લખી છે. જેમાં એક મિયાણાની બાઈએ તેના પતિના મૃત્યુ બાદ અન્ય સાથે ઘર માંડેલું, આથી તેના પહેલા ઘરના દીકરાએ તેની માના નવા પતિને ભરબજારે બંદુકે દીધો. આથી તેની પાછળ પોલીસ પડી છે અને આથી તેનો દીકરાને શોધવા અને તેનું જીવન સુધારવા આમતેમ ફરી રહી છે. વાર્તાના અંતમાં ધુમકેતુએ કરેલ વર્ણન પોતાના દીકરા માટે આખી દુનિયાથી લડી લેવાની તાકાત ધરાવતી માનું દર્શન કરાવી આપે છે;
મિયાણીએ નાક ઉપર આંગળી મૂકી.
થોડી વારમાં બન્ને જણાં બહાર નીકળવાની તૈયારીમાં પડ્યાં.
‘માડી ! તું આંહીં પડી રહે, મને જાવા દે!’ મિયાણો હજી કહેતો હતો.
‘ના, ના, હવે તો જ્યાં તું ત્યાં હું, ને તમારું રખોપું હું કરું. પછી ગલઢી થાશ. એટલે પાછી આના બાપની કબર સંભાળીશ.’
કાંઈ બોલ્યા વિના એક વખત હું હજી ઊંઘું છું એની ખાતરી કરીને બન્ને મૂંગાં મૂંગાં એકદમ જ વંડી તરફ ગયાં. બહાર નીકળી મિયાણો ધર્મશાળાની વંડી ધીમેથી ઠેકી ઉપર ગયો. તેણે બે હાથે ટેકો આપી મિયાણીને પણ ઉપર લઈ લીધી. મારા મનમાં વિચાર તો આવ્યો : આમાં સપડાવા જેવું તો નહિ થાતું હોય? પણ આપણે બૂમ શું કરવા પાડવી? જાતાં હોય તો ભલે ને જાય!
“આંધળી માનો કાગળ” – કવિ ઇંદુલાલ ગાંધી
દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,આવ્યો ભીખ માગવા વારો.