મચ્છુ-૨ ડેમમાં દરવાજાના રિપેરિંગ માટે પાંચ દરવાજા ખોલવામાં આવશે ; આ ગામોને કરાયા એલર્ટ
મોરબી : મોરબી જિલ્લાની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમના પાંચ દરવાજાની હાલત જર્જરીત હોવાથી સિંચાઇ વિભાગ દ્વારા તેની રિપેરિંગની કામગીરી કરવામાં આવનાર છે. જેને પગલે ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવશે, આથી નદીમાં પૂરની સ્થિતિ સર્જાય શકે છે. જેથી નદીના પટમાં રહેતા શ્રમિકોને ઝૂંપડાઓ ખાલી કરી સલામત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. સાથે જ નદી કાંઠાના 34 ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.
મોરબીના મચ્છુ-૨ ડેમના દરવાજાનું આગામી દિવસોમાં રિપેરિંગ કામ શરૂ કરવાનું હોવાથી આ મચ્છુ ડેમમાંથી મચ્છુ નદીમાં પાણી છોડાશે. રવિવારથી ડેમને ખાલી કરવાઆ માટે 1000થી 1200 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. તેથી નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ એમ હોય મચ્છુના પટમાં રહેતા ઝૂંપડપટ્ટીના લોકો અને ખાણી પીણીના સામાન્ય ધંધાર્થીઓ અને ૩૪ ગામને એલર્ટ કરાયા છે. જેમાં મોરબી તાલુકાના 23 અને માળીયા તાલુકાના 11 ગામોનો સમાવેશ થાય છે.
આ કામગીરી આગામી એકથી દોઢ મહિના સુધી ચાલશે અને આ સમય દરમિયાન પાણીની તંગી ન સર્જાય એટલે નર્મદા કેનાલમાંથી પાણી છોડવામાં આવશે. નર્મદા કેનાલમાંથી દૈનિક 100 mltની વ્યવસ્થા થાય તેવી તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે.