ગુજરાતીઓ છેલ્લા ત્રણ વર્ષમાં આટલું છેતરાયા, આમાં પણ અમદાવાદ મોખરે
ગુજરાતીઓને વેપારીબુદ્ધિ અને હિસાબકિતાબ વારસામાં મળ્યો હોય તેમ માનવામાં આવે છે. ગુજરાતી-મારવાડી છેતરાઈ નહીં તેવું વારંવાર સંભળાઈ છે, પરંતુ ઠગો અને ખાસ કરીને સાયબર ઠગોએ આ બધી માન્યતાઓ ખોટી પાડી દીધી છે. વર્ષ 2021માં ગુજરાતીઓ સાથે 884 કરોડ 36 લાખ 79 હજાર 033 રકમની છેતરપિંડી થઈ હતી. વર્ષ 2022માં 1583 કરોડ 64 લાખ 58 હજાર 695 અને વર્ષ 2023માં 1571 કરોડ 86 લાખ 85 હજાર 601 રકમની છેતરપિંડી અને ઠગાઈ ગુજરાતીઓ સાથે થઈ છે. રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરાના લોકો સાથે સૌથી વધુ ઠગાઈ અને છેતરપિંડી થઈ છે. વળી, અમદાવાદ તો છેતરાવામાં પણ આગળ છે. જોકે આ આંકડો પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદોને આધારે બહાર આવ્યો છે. ન નોંધાયેલી ફરિયાદો વધારે પણ હોઈ શકે.
ગુજરાત સમૃદ્ધ રાજ્ય માનવામાં આવે છે. આ સ્થિતિ સામે ગુજરાતમાં નાણાકીય છેતરપિંડી અને ઠગાઈના ગુનાઓ પણ વધતા જાય છે. જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં રૂ. 3800 કરોડની ઠગાઈ ગુજરાતીઓ સાથે થઈ છે. 31 માર્ચ 2023ની સ્થિતિએ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 40 શહેરમાં થયેલી ઠગાઈ અને છેતરપિંડીની વિગતો વિધાનસભામાં જાહેર કરવામાં આવી હતી.
ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નનો જવાબ આપતાં રાજ્ય સરકારે વર્ષ પ્રમાણે 40 શહેરમાં ઠગાઈની ફરિયાદોની માહિતી જાહેર કરી છે, જેમાં વર્ષ 2021માં 1832, વર્ષ 2022માં 2244 અને વર્ષ 2023માં 2269 ગુના નોંધાયા છે, જેમાં છેલ્લાં ત્રણ વર્ષમાં અમદાવાદમાં 1559, સુરતમાં 1223, વડોદરામાં 326 અને રાજકોટમાં 204 ગુના નોંધાયા હતા. લોકો સાથે નાણાકીય ઠગાઈના ગુનાઓના આધારે પોલીસ દ્વારા 9845 આરોપીને પકડવામાં આવ્યા હતા, જ્યારે ઠગાઈ કરીને 2322 આરોપીને હજી પણ પોલીસ પકડી શકી નથી.