ઉત્સવ

ભારતના વૈશ્વિક વિચાર-વિમર્શનું મંચ: રાયસીના ડાયલોગ

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

રાયસીના ડાયલોગ એ વિશ્ર્વભરના મોટા નેતાઓ, વ્યક્તિઓના વાર્ષિક અને કેલેન્ડરનો મહત્ત્વનો ભાગ બની ગયો છે. દરેક વ્યક્તિ તેમાં જોડાવા, તેના ઉદેશ્ય સમજવા, વિશ્ર્વમાં થઇ રહેલ પરિવર્તન તેમજ વૈશ્ર્વિક વ્યવસ્થાની યથાસ્થિતિ બદલવા ઈચ્છે છે. રાયસીના ડાયલોગ ભૌગોલિક રાજકીય અને ભૌગોલિક-આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટેની ભારતની અગ્રણી પરિષદ તરીકે કામ કરી રહી છે. આ છેલ્લા દસકામાં સમગ્ર વિશ્ર્વ અલગ-અલગ વિચારધારાઓ, અલગ-અલગ એજન્ડા અને હેશટેગના ઇકો ચેમ્બરમાં ફસાઈ છે ત્યારે રાયસીના ડાયલોગ આ બધાથી વિપરીત અને નવા દૃષ્ટિકોણ સાથે આંતરરાષ્ટ્રીય મહત્ત્વના મુદ્દાઓ પર વૈશ્ર્વિક, સમાવિષ્ટ અને વ્યાપક ચર્ચાનું નેતૃત્વ કરી રહ્યું છે. તે ભારતનું વૈશ્ર્વિક જાહેર મંચ જે દિલ્હીમાં આવેલું છે. અહીં દુનિયાભરના લોકો આવીને ચર્ચા કરવાનું પસંદ કરે છે. રાયસીના ડાયલોગનો ઉદ્દેશ ચર્ચાની પરંપરાને જાળવણી-સરંક્ષણ અને પ્રોત્સાહન આપવાનો છે. જ્યાં પરસ્પર મતભેદો હોવા છતાં લોકો એકબીજા સાથે વાત કરે અને તેમના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દ્રષ્ટિએ કોઈપણ જાહેર મંચ અથવા સંસ્થાનો ઉપયોગ માનવતાના ભલા માટે થવો જોઈએ. રાયસીના ડાયલોગ એક એવો મંચ છે જેનું કામ વિશ્ર્વની સેવા કરવાનું છે.

રાયસીના વૈચારિક સંવાદ ચર્ચાઓને આગળ વધારવા, પરસ્પર સહકાર અને સહિયારી જવાબદારીને વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ એક એવો મંચ છે જ્યાં વિચારો, દ્રષ્ટિકોણ, માન્યતાઓ અને રાજકીય અભિપ્રાયોની વિવિધતાને સન્માન અપાય છે. રાયસીના ડાયલોગ ભારતની વર્ષો જૂની દર્શનની પરંપરા અનુસાર દરેકમાં વિશ્ર્વાસ રાખે છે કે દરેક વ્યક્તિમાં સારું કરવાની શક્તિ/ભાવના હોય છે તેથી જ દરેકનો પક્ષ સાંભળવો જોઈએ. આ મંચ માને છે કે, બહુમતીવાદ, વિવિધતા અને દરેકને સાથે લઈ જવાની વિચારસરણી ભારત અને વિશ્ર્વને મજબૂત બનાવે છે. આ વિચાર માર્ગ પર ચાલવાથી વ્યક્તિ અને સમાજનો પણ વિકાસ થાય છે. આ ભારતનું પોતાનું દર્શન છે. તેથી વિવિધતામાં જ એકતાની શક્તિ રહેલી છે. રાયસીના ડાયલોગ નેતાઓ, રાજનીતિજ્ઞ, વિદ્વાનો, નીતિ ઘડવૈયાઓ, પત્રકારો અને શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ, યુવાનો, વરિષ્ઠ વિચારકો, વેપારી અને નાગરિક સમાજને ખુલ્લી ચર્ચા કરવા માટે એક મંચ પૂરું પાડે છે. મતભેદ હોવા છતાં ચર્ચા, વિચાર-વિમર્શ કરીને સારા ભવિષ્ય માટેનો સામાન્ય માર્ગ શોધવાના પ્રયાસ કરે છે.

રાયસીના ડાયલોગની સ્થાપનાનો ઉદ્દેશ્ય? વિશ્ર્વના વિકસિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ વૈશ્ર્વિકીકરણ દરમિયાન આપેલાં વચનો જેવાં કે દરેક દેશની પરંપરા/રિવાજો અને સંસ્કૃતિઓનું સન્માન કરવામાં આવશે તે પૂરા ન કરી શક્યા. વિવિધ વિચારો, પ્રશંસા તેમજ લોકોનાં વિવિધ હિતોનો સ્વીકારવામાં આવશે, પરંતુ તે સપનાં પણ તૂટી ગયાં. આ બધા પાછળનાં કારણોમાં કેટલાક લોકો, દેશો, સંગઠન અને સંસ્થાઓ વૈશ્ર્વિકરણની પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં સક્ષમ હતા પરંતુ તે અન્યનાં હિતોના ભોગે તેમ કર્યું. વૈશ્ર્વિક વાસ્તવિકતાઓને એવી રીતે વિકૃત કર્યું કે તેઓ માત્ર ને માત્ર કેટલાક લોકોનાં સંકુચિત હિતો અને જરૂરિયાતોને જ પૂરી કરી શક્યા. આ સ્વપ્ન એક નવી દુનિયાનું હતું જે વૈવિધ્યસભર અને સર્વસમાવેશક હશે, પરંતુ તેના બદલે બળજબરીથી સર્વસંમતિને બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા. પરિણામ એ આવ્યું કે બીજી બાજુથી બૌદ્ધિક અને રાજકીય બંને રીતે વળતી પ્રતિક્રિયા આવી. પરિણામો વિશ્ર્વ હવે પહેલા કરતાં વધુ જૂથોમાં વહેંચાયું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે વિચાર્યું કે હવે વૈશ્ર્વિક સ્તરે પોતાનો પ્રભાવ વધારવાનો આ યોગ્ય સમય છે. તેથી બૌદ્ધિક ચર્ચાના ક્ષેત્રમાં પણ રોકાણ કરવું જોઈએ. આથી જ રાયસીના ડાયલોગની પેનલો રાજકારણ, ઉદ્યોગ, મીડિયા અને સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે.

ટેકનોલોજીકલ સમસ્યા એ બીજું પાસું છે. તમામ આધુનિક ટેક્નોલોજી એવા દેશોમાં કેન્દ્રિત થઈ ગઈ છે જે દુનિયાને પોતાની ઈચ્છા પ્રમાણે ચલાવવા માગે છે. આ ટેકનોલોજી ક્ષમતાઓ હવે એ દેશોનાં હિતોને પરિપૂર્ણ કરવામાં ભાગીદાર બની છે. સમયની સાથે સાથે આ ટેકનોલોજીકલ વર્ચસ્વનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં વૈશ્ર્વિક સ્તરે ચર્ચાઓ પર પણ તેની અસર પડી રહી છે તે આશ્ર્ચર્યજનક નથી. વૈશ્ર્વિક વ્યવસ્થાની શ્રેણીઓ ઈતિહાસનાં પાનાઓમાં પાછળ રહી ગયેલી તે અત્યારે ફરી સામે આવી છે.

વૈશ્ર્વિક સામૂહિક હિતને બદલે દેશ હિત : લોકોના જીવનધોરણ સુધારવા અને સંસાધનોના સતત પુરવઠાની ચિંતાએ પણ સમાજને આંતરિક તરફ જોવાની ફરજ પાડી છે. આંતરરાષ્ટ્રીય સહયોગ કરતાં સ્થાનિક હિતોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વ્યક્તિગત હિતોને સામૂહિક હિતો કરતાં વધારે મહત્ત્વ અપાઈ રહ્યું, પરંતુ જે દેશો અને બહુપક્ષીય સંસ્થાઓ પોતાને વૈશ્ર્વિક વ્યવસ્થાના રક્ષક માને છે તે હજુ પણ જૂના માર્ગને અનુસરી રહ્યા છે. આ કારણે સંસ્થાઓ પર વિશ્ર્વાસ કરી શકતું નથી. હકીકત એ છે કે, વિશ્ર્વના સ્વ-ઘોષિત ઠેકેદારો હવે જમીની વાસ્તવિકતાઓથી દૂર છે. તેઓ હિતધારકોને એક મંચ પર લાવવાની વિશ્ર્વસનીયતા ગુમાવી ચુક્યા છે. તેથી એક નવી સંસ્થાની સ્થાપના અને બધાને સાથે લઈને ચાલે તે જરૂરી હતું. આથી જ રાયસીના ડાયલોગની પેનલોનું સંચાલન રાજકારણ, ઉદ્યોગ, મીડિયા અને નાગરિક સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે. ઘણા દેશોના વડાઓ અને વિદેશ પ્રધાનો, ઊભરતા એન્જિનિયરો અને બિઝનેસમેન, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે બેસે છે. રાયસીના ડાયલોગ એ એક સંમેલન છે જ્યાં પૂર્વ અને પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણના દેશો, પ્રાદેશિક રીતે પ્રતિસ્પર્ધી દેશો એક મંચ પર હોય છે. અહીં વિવાદ પર ધીરજ, મોટા દાવાઓ પર વધુ સારી સમજ, અંગત અભિપ્રાય પર સંતુલિત અભિગમને પ્રાધાન્ય આપવામાં આવે છે. રાયસીના ડાયલોગ એ ખરેખર વૈશ્ર્વિક વિચાર સાથેનું ભારતીય મંચ છે.

વૈશ્ર્વિક સમસ્યાના નિવારણમાં ભારતીય દ્રષ્ટિ: વિશ્ર્વભરના પ્રતિષ્ઠિત લોકો રાયસીના ડાયલોગ-૨૦૨૪ના મંચ પર ભેગા થયા ત્યારે વસુધૈવ કુટુમ્બકમ (આખું વિશ્ર્વ એક પરિવાર છે)ની ભારતની વિચારસરણીનું મહત્ત્વવધુ વધી ગયું. વિશ્ર્વ અનેક જૂથોમાં વહેંચાયેલું છે ત્યારે એકતા અને માનવતાને પ્રોત્સાહન આપવા માટે વસુધૈવ કુટુંબકમના વિચારની વધુ જરૂર છે. આવી સ્થિતિમાં ભારતનું દર્શન વિશ્ર્વના ઘણા દેશોમાં આદર્શ છે કારણ કે તે તેમની સમસ્યાઓ અને ઉકેલનો વ્યવહારુ માર્ગ છે. ભારત સતત વિકાસના જે પડકારોનો સામનો કરી તેને હલ કરી રહ્યું છે તે ઘણા દેશો માટે એક ઉદાહરણ રૂપ છે.

ૠ-૨૦ દેશોની અધ્યક્ષતા કરીને ભારતે વિશ્ર્વ સમક્ષ રાષ્ટ્રવાદ અને આંતરરાષ્ટ્રીયવાદનું વિશ્ર્વસનીય ઉદાહરણ રજૂ કર્યું છે. ભારત તેના લોકોની જરૂરિયાતોને પ્રભાવી રીતે પૂર્ણ કરી સમગ્ર માનવતાની સેવા કરે છે. ઉદાહરણ રૂપે સમગ્ર વિશ્ર્વને દવાઓની જરૂર હતી અને ભારતે સૌથી પહેલી પ્રતિક્રિયા આપી. ભારત પ્રતિભાના સ્રોત, નવીન શોધ કરનાર, મોટા પાયે ઉત્પાદન અને સપ્લાય કરનાર દેશ તરીકે ઊભરી આવ્યું છે. સ્થાનિક સ્તરના વિકાસની અસર આંતરરાષ્ટ્રીય યોગદાનમાં પણ જોવા મળે છે. વૈશ્ર્વિક આર્થિક ક્રમમાં ભારતે વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું જે લક્ષ્યાંક નક્કી કર્યું છે તે વિશ્ર્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતના લોકોનું ભાગ્ય તો બદલશે જ, પરંતુ વિશ્ર્વના આર્થિક વિકાસ અને ‘ગ્રોથ એન્જિન’ તરીકેનું યોગદાન આપશે.

ભારતમાં છેલ્લા દાયકામાં જે ફેરફારો જોવા મળે છે તે માત્રાત્મક નહિ પણ વૈચારિક, આત્મવિશ્ર્વાસ અને આત્મનિર્ભરતા તરફની સાથે વૈશ્ર્વિક તરફના પણ જોવા મળે છે. ભારત પોતાની સંસ્કૃતિ અને વારસામાંથી પ્રેરણા લઈ ભારતની ઓળખ વિશે લોકોમાં જાગૃતિ વધી રહી છે. ભારત સપનાઓને આકાર આપવા અને લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ ગંભીર છે.

આપણે ક્યાં જવું છે? શું જોઈએ છે? આ જાણવા માટે પહેલા આપણે શું હતા અને ક્યાં હતા તે સમજવું જરૂરી છે. આધુનિક વિકાસની ચાવી પરંપરા અને ટેકનોલોજી વચ્ચે અસરકારક સમન્વય સર્જવાનો છે. આજે આપણે વિકાસના કયા સ્તરે પહોંચવા માગીએ છીએ? અને ત્યાં પહોંચવા માટે કયો રસ્તો પસંદ કરીશું તે નક્કી કરવાની ક્ષમતા આજે ભારત પાસે છે.

આ તમામ બાબતોને જોડીને એક એવું ભારત જે આત્મનિર્ભર અને મજબૂત બંને હોય. આ અને આવા પ્રકારના મંચના માધ્યમથી ભારત વિશ્ર્વ સમક્ષ મજબૂત રીતે પ્રસ્થાપિત થઇ રહ્યું છે.

આમ રાયસીના ડાયલોગ એ વિશ્ર્વની વિભિન્ન સમસ્યા અને નિવારણ માટે એક ખુલ્લું મંચ છે જ્યાં રાજનીતિ, સામાજિક, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક બાબતોની ખુલ્લા મને ચર્ચા કરવામાં આવે છે. જે મંચને વિશ્ર્વના લોકો આજે સ્વીકારી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button