ઉત્સવ

ડીપ ફેક મુશ્કેલીથી પરખાતું નજર સામેનું જુઠ્ઠાણું

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

ફિલ્મી દુનિયામાં એક એવો સમય હતો કે, જ્યારે કોઈ જોખમી સ્ટંટ કરવાના હોય ત્યારે જે તે કલાકારના આબેહૂબ દેખાતા લોકોને કેમેરા પર સ્થાન મળતું. એમાં એવી રીતે દૂરથી સિન લેવામાં આવે કે, એવું લાગે કે મૂળ કલાકાર જ એ કામ કરી રહ્યો છે. હકીકતમાં એવું થતું નહીં. ડુપ્લિકેટ કે બોડી ડબલના નામે ઓળખાતા આ કલાકારોએ ઘણા સ્ટેજ શોમાં પણ મનોરંજન કરાવ્યું છે, જેનાથી એમને એક નવી ઓળખ પણ મળી અને દામ પણ.

બીજી તરફ, ટેકનોલોજીના દરિયામાં નકારાત્મકતાની ખારાશ ક્યારેક ભલભલા વ્યક્તિની છબી બગાડી નાખે છે. શરૂઆતમાં જ્યારે ફોટોશોપ નવું નવું આવ્યું ત્યારે એમાં ઘણી જાણીતી એક્ટ્રેસના ફેસ મોર્ફિંગ થયેલા. પછી હકીકત સપાટી પર આવી ત્યારે ઘણું મોડું થઈ ચૂકયું હતું. સાઉથની સુપરસ્ટાર રશ્મિકાનો એક લિફ્ટમાં કુદકો મારીને પ્રવેશતો વીડિયો વાઇરલ થયો ત્યારે સૌને ડીપફેક ટેક્નિકનો ખ્યાલ આવ્યો. શરૂઆતની કેટલીક સેક્ધડ સુધી ઓરિજિનલ વ્યક્તિ હોય પછી ઘડીના છઠ્ઠાભાગમાં પિક્ચર ચેન્જ એટલે નજર સામે જે દેખાય એ હળહળતું જુઠ્ઠાણું હોય. એને બારીકીથી જુઓ ત્યારે હકીકત સમજાય.

ડીપફેકની ટેકનિકથી ઘણું બધુ થઈ શકે છે-ખાસ કરીને વીડિયોમાં, કારણ કે એમાં ઝડપથી ફરતી ફ્રેમથી જોનારને જલ્દી ખબર પડતી નથી. ડીપફેક પછી તો વીડિયો સુધી સીમિત ન રહેતા એનો ઉપયોગ ઓડિયો- ફોટો અને કોઈ ચોક્કસ ફ્રેમ બનાવવા પણ થવા લાગ્યો છે.

ફેસબુકની માલિક કંપની મેટાએ જે સજેશન આપ્યું છે એ ડીપફેકને પકડવા માટે રામબાણ સાબિત થશે કે નહીં એ નક્કી નથી, પણ જે રીતે ડીપફેક સામે આવે છે એના પરથી એટલું અવશ્ય કહી શકાય કે, આ વસ્તુ વિવાદનો વિસ્ફોટ કરનારી છે. ફૂટબોલ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો અરબી ભાષા બોલતો વીડિયો સ્પોર્ટ્સ વર્લ્ડમાં વાઈરલ થયો ત્યારે આશ્ર્ચર્યનો પારો મીટર તોડીને બહાર આવી ગયો, પણ પછી ખ્યાલ આવ્યો કે એ વીડિયો ક્લિપ નકલી હતી. એ પછી તાઈવાન ભૂકંપનાં દ્રશ્યોવાળી એક વીડિયોએ જોનારનાં ધબકારા ચૂકવી દીધાં. જો કે એ પણ નકલી માર્કેટની ઊપજ હતી.

આવું થવા પાછળ અઈં જવાબદાર છે. હા.. આ ટેકનોલોજીના સોફ્ટવેર તથા સાઈટ એટલી એડવાન્સ થઈ ગઈ છે કે, એમાંથી પેદા થતાં ડીપફેક ફોટો -વીડિયો એકદમ અસ્સલ લાગે છે. પણ વાસ્તવમાં હોતા નથી.

અસ્સલ અને નકલનો તો ઢગલો જૂનાગઢના ગીરનાર કરતાં પણ મોટો છે. માત્ર આપણા દેશમાં જ નહીં, દુનિયાના મહાસત્તા ગણાતા દેશમાં પણ મેરૂ પર્વત જેવડી મુશ્કેલી ઊભી થઈ છે. મેટા કંપની અઈંથી તૈયાર થયેલા કોન્ટેટ પર રડાર મૂકી રહી છે. એના ભાગરૂપે નવી કોઈ પ્રોફાઈલ આવે અને એમાં જો કોઈ થ્રી- ડી ફોટો હશે તો પણ નવું ખાતું ખોલવા માટે ગ્રીન સિગ્નલ નહીં મળે.
એલોન મસ્કનું એવું માનવું છે કે, અઈં માણસ કરતાં પણ વધારે સ્માર્ટ બની જશે પણ એને પેદા કરનાર કે બનાવનાર તો માણસ જ છે ને?. વાત મૂળ એવી છે કે, થ્રી-ડી અને ગ્લોસી લાગતી દુનિયા જ્યારે આંખ સામે આવે છે ત્યારે એ રંગીન વસ્તુમાં સત્ય શું છે એ આપણી આંખ પકડી શકતી નથી. એટલું બારીકીથી કરેલું ટેકનિકલ કામ કોઈની ઈમેજમાં ઝેરી ઈયળ મૂકી દે છે. યુઝરના ડેટાને લઈને સતત વિવાદિત ચર્ચામાં રહેતી કંપની મેટાએ જ પોતાની સાઈટ ફેસબુક પર અઈં થી ફોટો કેવો લાગશે એવી લિંક શેર કરી હતી. ઘણા લોકોએ એમાં પોતાનો યંગ અને ડેશિંગ ફોટો બનાવીને પ્રોફાઈલમાં પણ મૂકી દીધો. જો કે, આ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળું મારવા નીકળેલી કંપનીને ભાન થયું કે, આવું તો બીજી લિંકમાંથી પણ શક્ય છે. એટલે રાતોરાત એ વસ્તુને એવી રીતે છુપાવી દીધી કે કોઈની વોલ પર એ ફરી દેખાય નહીં. હા, જે લોકો આ રીતે ફોટો બનાવવામાં ફાવી ગયા એ લોકોને એવો આનંદ થયો જાણે એ કોઈ ચૂંટણી જીત્યા હોય.

હવે કંપની કહે છે કે, અમે કહીશું કે કયુ કોન્ટેટ અઈંથી ઉત્પન્ન થયેલું છે. હવે જ્યારે આવી સામગ્રી કંપનીના રડારમાં આવે ત્યારે મેડ વીથ અઈં’ એવો ટેગ તે લગાવી દેશે, પણ વોટ્સએપમાં જ્યારે મેટાની લીંક આવી અને એમાં ઈમેજ જનરેટ થઈ એ તો સરળતાથી ફોરવર્ડ કરી શકાય એમ હતી (ગત રવિવારના અંકમાં વિસ્તૃત). માત્ર એ લોગોથી કોઈ વસ્તુ પકડાય તો સારી વાત છે પણ કોઈ નક્કર ટેકનિક તો હોવી જ જોઈએ જેથી ઈન્ટરનેટ પર પ્રતિષ્ઠિત લોકોની ઈજજતના ફાલુદા થતા અટકે. આ રેસમાં માત્ર મેટા જ નહીં, ગૂગલ પણ આ અંગે કંઈક નવું કરવા જઈ રહી છે, જેથી કરીને કોઈ ખોટો ડેટા જનરેટ ન થાય. નકલી સામગ્રીની અઢળક લિંક વર્ચ્યુઅલ વર્લ્ડ- આભાસી દુનિયામાં જોખમ વધારે છે. કઠણાઈ એ છે કે, જેમ આપણે સૌ રીલ્સ જોતા ધરાતા નથી. (ઓડકાર નથી આવતો) એમ તમામ ફોટો અને કરોડો એકાઉન્ટનું નિરીક્ષણ કોણ કરશે?

ચોવીસ કલાક ને સાતેય દિ- કંપનીને બીજા પણ કામ તો હોય. હવે અઈં જનરેટર કેટલાક એવા છે જે વોટરમાર્ક કે લોગો નથી મૂકતા મેટાનો પ્રયાસ સારો છે અને સાચો પણ છે, પરંતુ અસરકારક નથી. ડીપફેક જે હદે વધે છે એમાં કોઈ ઈન્ટરનેટ લગામ ખેંચી શકે એમ નથી. હવે આવી નેગેટિવ ટેકનોલોજીને રોકવા સામે કોઈ નવી પોઝિટિવ ટેકનોલોજી આવે તો સારું બાકી આમાં કોઈ ધડ કે માથું જડે એમ નથી.

આઉટ ઓફ ધ બોક્સ
“જિંદગીની પરીક્ષાના કોઈ માર્ક નથી હોતા.

લોકોની તમારા પ્રત્યેનો પ્રેમ જ તમારું રિઝલ્ટ હોય છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button