ઉત્સવ

જ્યાં શ્ર્વાનને આધારે માલિકને જજ કરાય છે!

અહીં બેવરલી હિલ્સમાં સુંદરતમ શ્ર્વાન હોવો એ મોભાનું એક પ્રતીક ગણાય છે.

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

હોલીવૂડની ક્રીમ સોસાયટીના લોકો લોસ એન્જેલસના બેવરલી હિલ્સ વિસ્તારમાં વસે છે. એ લોકો એન્જેલીનોસ તરીકે ઓળખાય છે. આ લોકોની દુનિયા નિરાળી છે અને વારંવાર વિચિત્રતાની હદ વટાવી જાય છે. અહીંના લોકો અનેક સમૃદ્ધ ગુરુઓ, બાબાઓમાં અને કૂતરાઓના કલ્યાણમાં માને છે. શારીરિક કસરત એટલી હદે કરે કે પછી મલ્ટિવિટામિનની ગોળીઓ આરોગવી પડે છે. આ લોકો દિલથી એમ માને છે કે પોતાનો એક સુંદર શ્ર્વાન હોય તો એ ખૂબ પ્રેમાળ વ્યક્તિ છે એવી બીજા લોકો પર છાપ પડે. વળી કૂતરો કેવો દેખાય છે તેના આધારે સમાજમાં એમની ગણના થાય છે.

લોસ એન્જેલસમાં આજકાલ અનેક ડોગ પાર્ક્સ અસ્તિત્વમાં આવ્યા છે. કૂતરાના આધારે તમે માલિકને જજ કરી શકો છો એવું ગણિત અહીં કામ કરે છે. છે. કૂતરો ફેશનેબલ હોવો જોઈએ, ઓવરવેઇટ (સ્થૂળ) ન જોઈએ, એના દાંતનું ચોકઠું સપ્રમાણ હોવું જરૂરી છે. નથી તો ડેન્ટિસ્ટ કે વેટરિનરી ડૉક્ટર પાસે જઈને તેને બ્રેસિસ લગાવો. કૂતરો હતાશાથી પીડાય છે, તેને કોઈ માનસિક સમસ્યા છે, તેને ચિંતા સતાવે છે? તો ઇલાજ કરાવો અને ડૉક્ટરો તેના માટે ‘પ્રોઝેક’ નો ડોઝ પ્રિસ્ક્રાઇબ કરે છે.

શ્ર્વાન સંપૂર્ણ હોવો ઘટે. એ માટે શ્ર્વાનનું મેડિકલ ચેક-અપ જરૂરી છે. બેવરલી હિલ્સમાં ડૉ. શિપ નામના એક્સક્લુઝિવ વેટરિનરી ડૉક્ટર છે અને ‘ડૉ. ડૂલિટલ’ના નામે જાણીતા છે. માનવીઓના નિષ્ણાત ડોક્ટરોની ન હોય એટલી અઢળક એમની આવક છે. એમના વિશાળ દવાખાનાનાં સજાવટ અને સેટિંગ્સ નયનરમ્ય છે. એમનું દવાખાનું -ક્લિનિક હરિયાળીથી ઘેરાયેલી એક વિશાળ મહેલાત છે. ફ્રેન્ક સિનાત્રા, બેરી માનિલૌ અને એન્જલબર્ટ હમ્પરડિન્ક જેવા નામી લોકો પોતાના શ્ર્વાનને શ્રેષ્ઠ બનાવવા અહીં આવતા હતા અથવા આવે છે. હૉસ્પિટલમાં દાખલ થતી વેળા જ હૉસ્પિટલના કલાયન્ટ્સની એક યાદી આપવામાં આવે છે જેમાં હોલીવૂડનાં ખેરખાંઓનાં નામ છે. કૂતરાને ચરબી વધી ગઈ હોય તો ડૉ. શિપ મોંઘીદાટ દવા લખી આપે છે. ડૉ. શિપે પોતે શ્ર્વાન અને અન્ય પ્રાણીઓ માટે એક ટૂથબ્રશ વિકસાવ્યું છે. એ બ્રશ વડે એ પોતે જ શ્ર્વાનના દાંત ઉત્સાહપૂર્વક ઘસવા માંડે છે અને ક્લાયન્ટને સૂચના આપે છે કે શ્વાનના દાંત દિવસમાં બે વાર આ રીતે ઘસવા.! અમુક કૂતરાની દંતપંક્તિ સુંદર બનાવવા માટે બ્રેસિસની જરૂર હોય તો ડૉ. શિપ ૭૦૦ ડૉલરમાં તે બેસાડી આપે છે.

બેવરલી હિલ્સમાં શ્ર્વાનને સુંદરતમ બનાવવાની જાણે હોડ મચી છે. ડૉ. શિપ કહે છે કે માનવીને સુંદર બનાવવાના જેટલા રસ્તા અને રીતો છે એટલા જ માનવીના શ્રેષ્ઠ મિત્ર માટે પણ છે. શ્ર્વાનની પ્લાસ્ટિક સર્જરી થાય છે. તેનાં જડબાં પરના ગાલ વધુ લચી પડ્યા હોય તો અથવા તો કરચલીઓ પડી ગઈ હોય તો તે દૂર કરાવવા માટે ફેસ-લિફ્ટની સર્જરી થાય છે. બેવરલી હિલ્સમાં ફેસ-લિફ્ટ અત્યારે સૌથી લોકપ્રિય સર્જરી છે. કેટલાક શ્વાનના માલિકો શ્ર્વાનના દાંત પર સોનાની કેપ બેસાડાવે છે. કર્ક ડગ્લાસ (માઇકલ ડગ્લાસના અભિનેતા પિતા)ના કૂતરા સાથે ફ્રેન્ક સિનાત્રાની કૂતરીનું સંવનન ડૉ. શિપની હૉસ્પિટલમાં થયું હતું. સિનાત્રાની કૂતરીનું નામ મિસ વિગલ્સ હતું. ડગ્લાસના શ્ર્વાન જોડે મિસ વિગલ્સ રોમાંસ કરવા તૈયાર થતી નહોતી. આથી સિનાત્રાના અવાજની ટેપ સંભળાવીને મિસ વિગલ્સને પંપાળવામાં આવી હતી અને ડગ્લાસના સાથીદાર જોડે એનો સંબંધ બંધાયો હતો. ડૉ. શિપને ત્યાં લઈ જવાતા શ્ર્વાનના શારીરિક ચેક-અપ માટે ડૉક્ટર ૯૦ ડૉલરની ફી લે છે. ડોક્ટર પોતે તૈયાર કરેલો ડાયેટ ફૂડ શ્ર્વાન માટે આપે છે તેના બીજા ૧૨૦ ડૉલર લે છે.

શ્ર્વાન માટે ડાયેટ ફૂડનો કોર્સ ઘણા દિવસો સુધી ચાલે. શ્ર્વાન પાસે અમુક કસરતો પણ કરાવવામાં આવે. ખાસ કરીને ચાલવાની અને દોડવાની. બેવરલી હિલ્સમાં કાલી નામનો એક મેક્સિકન કૂતરાઓને દોડવા લઈ જવાની પ્રવૃત્તિ કરે છે. એક કૂતરા માટે એ ૬૦ ડોલરનો ચાર્જ કરે છે. કાલી મેક્સિકોમાં એક પ્રોફેશનલ ફૂટબોલ ખેલાડી હતો એથી એ કૂતરાઓ જોડે આસાનીથી દોડી શકે છે. એ એક સાથે ૨૫ કૂતરાને લઈને વિવિધ કવાયતો કરાવવા નીકળી પડે છે. એ કૂતરાઓને તરતાં શીખવવાની કળાનો પણ નિષ્ણાત છે.

બેવરલી હિલ્સમાં શેલ્બી માર્લો નામની સ્ત્રી હોલીવૂડના સિતારાઓના શ્વાનોને તાલીમ આપવા માટે ખ્યાતનામ છે. એણે ‘ધ ન્યુ આર્ટ ઑફ ડોગ ટ્રેનિંગ’ નામનું પુસ્તક લખ્યું છે. અલ પેસિનો, બાર્બરા સ્ટ્રેઇસેન્ડ, કેવિન કોસનર અને આલ્બર્ટ સ્વારઝેનેગર જેવા પ્રથમ ક્રમાંકિત કલાકારોના શ્ર્વાનોને એણે તાલીમ આપી છે. પ્રથમ એક કલાકના એ ૩૦૦ ડૉલર વસૂલ કરે છે અને ત્યાર પછીના પ્રત્યેક કલાકદીઠ ૧૮૦ ડૉલર ચાર્જ કરે છે. કહે છે કે જિદ્દી કૂતરાઓને પણ એ નવી રીતભાતો શીખવવા માટે જાણીતી છે.

જો કે, આ ડોગ ટ્રેનરો માનસિક રીતે વધુ કામ લેતા હોય છે. કોઈ શ્ર્વાનપ્રિય પોતાનો શ્ર્વાન લઈને શેલ્બી પાસે જાય તો શેલ્બી પ્રથમ તો ગુસ્સે થઈને કહેશે કે, ‘તમારા કૂતરાના ખરાબ વર્તન માટે તમે જ જવાબદાર છો. તમે તમારા કૂતરાને સારા સંસ્કાર આપ્યા નથી અને સારી રીતભાત અને આદતો શિખડાવી નથી. તમે એને એકાંતમાં રાખીને એનો માનસિક વિકાસ થવા દીધો નથી.

વાસ્તવમાં તમે શ્ર્વાન પાળવાને લાયક નથી.’ વગેરે વગેરે. નવા-નવા આવેલા માલિકો તો શેલ્બીની આવી વાતોથી જ પ્રભાવિત થઈ જાય. પછી શ્ર્વાનના માલિકને શ્ર્વાનના અપોષણક્ષમ આહાર માટે ઠપકો આપવામાં આવે.

શેલ્બી કહે, સુપર માર્કેટમાં મળતો શ્ર્વાન માટેનો તમામ ખોરાક ઝેરયુક્ત વાસી ખોરાક હોય છે. તમારા શ્ર્વાનને તમે ઓછી ચરબીવાળી ચોકલેટો ખવડાવીને તેનામાં આહારની અસમતુલા પેદા કરી છે. આવો તરેહતરેહનો ઠપકો સંભળાવવામાં આવે.

ત્રીજા વિશ્ર્વમાં ગરીબી રેખાની આસપાસ જીવતા લોકો માટે આવી વાતો તો અકલ્પનીય છે. ત્યાં સુધી કે શ્ર્વાનમાં નવી શક્તિનો સંચાર થાય તે માટે તેને રીકી માસ્ટરો પાસે લઈ જઈને રીકી આપવામાં આવે છે. રીકી માસ્ટરો તે શક્તિને ‘લવ પાવર’ કહે છે. અને આ લવ પાવર સપ્લાય કરવાની ફી ૩૦૦ ડોલર છે. રીકી માસ્ટરો કહે છે કે કૂતરો અમદાવાદમાં હોય તો પણ એને અમેરિકાથી ‘લવ પાવર’ મોકલી શકાય. વચ્ચેના અંતરનું કોઈ મહત્ત્વ જ નથી.

મુંબઈ જેવા શહેરોમાં નોકરી કરતાં મા- બાપો નાનકડાં બાળકોને ડે-કેર સેન્ટરમાં છોડી જતાં હોય છે એ રીતે લોસ એન્જેલસમાં ‘હોલીવૂડ હાઉન્ડ્સ’ નામનું શ્ર્વાનો માટેનું ડે-કેર સેન્ટર છે. શ્ર્વાન માટેનાં આવાં ઘોડિયાઘરમાં શ્ર્વાનને નિષ્ણાત હાથો દ્વારા મસાજ કરી આપવામાં આવે છે. એના શરીર પરના વાળને ધોઈને સ્વચ્છ અને ચમકતા બનાવવામાં આવે છે. શિયાત્સુ મસાજ અને પાવડીકયોર નામની સારવારની મદદથી શ્ર્વાનને રિલેક્સ મૂડમાં લાવવામાં આવે છે. એક મશીન દ્વારા મોટા ગોળાઓ સો ફૂટ સુધી ફેંકાતા રહે છે અને કૂતરાઓ એ ગોળા પાછા લાવીને મૂળ જગ્યાએ મૂકી દે છે આ એની કસરતનો એક ભાગ છે. શ્ર્વાનને ઠંડી કે વરસાદ ન લાગે તે માટે હર્મિશ કંપનીના રેઇનકોટ પહેરાવવામાં આવે છે. બ્યૂટી પાર્લરમાં શ્ર્વાનના સ્રી કે પુરુષ માલિકના વાળ સાથે મેચ થાય તેવા રંગથી શ્ર્વાનના વાળને ડાય કરવામાં આવે છે. સોનેરી વાળ ધરાવતી સ્ત્રીના શ્ર્વાનને વાયોલેટ કલરથી ડાય કરવામાં આવે છે. ‘હોલીવૂડ હાઉન્ડ્સ’માં એકસાથે સો જેટલા શ્ર્વાનોના વાળને રંગવામાં આવતા હોય છે અને હેરડાયર્સના ઘોંઘાટથી આ ‘હોલીવૂડ હાઉન્ડ્સ’ ધમધમતું રહે છે.

હેર ડાય માટે બસો ડૉલરની ચૂકવણી કરવી પડે છે. શ્ર્વાનરાજાને તૈયાર કરવા માટે જુદી જુદી ચાર પદ્ધતિથી તેનું શરીર અને તેના વાળ ધોવામાં આવે. શ્ર્વાનને એલર્જી ન થાય તે માટે હાઇપોએલર્જેનિક બાથમાં નવડાવે. પછી તેની ત્વચા સૂકી ન પડી જાય તે માટે મોશ્ર્ચરાઇઝિંગ બાથમાં સ્નાન કરાવે. દરેક પ્રકારના સ્નાન માટેની ફી ૧૦૦ ડોલર છે. તેના પગના નખ કલાત્મક રીતે કાપવામાં આવે. શરીર પરના વાળ સુંદર રીતે ઓળખવામાં આવે અને શ્ર્વાનના શરીરમાંથી કોઈ દુર્ગંધ ન આવે તે માટે તેની કુદરતી હાજતે જવાની જગ્યા પર (બોટમ પર) ગુલાબનું પરફ્યુમ ઘસવામાં આવે.

શ્ર્વાનોના લગ્ન્ની મોટી ફેશન ચાલી છે અને જે શ્ર્વાનનાં લગ્ન થવાનાં હોય તેને શ્રીમંતનો પુત્ર ગણીને તૈયાર કરવામાં આવે છે. ‘હોલીવૂડ હાઉન્ડ્સ’ દ્વારા લગ્નોની વિધિઓ અને રિસેપ્શન ગોઠવી આપવામાં આવે છે. તે માટેની ફી ૧૪૦૦ ડૉલર છે. આ રકમમાં ચિત્તાની ચામડીથી મઢેલી સીટોવાળી રોલ્સ રોયસ, ફોટોગ્રાફી અને હનીમૂનની સગવડનો ખર્ચ આવી જાય છે. બીજા એકસો ડૉલર ખર્ચીને ડોગ માટેની વેડિંગ કેક મગાવી શકાય છે. કૂતરા – કૂતરી માટે ખાસ વેડિંગ ડ્રેસ પણ ‘હોલીવૂડ હાઉન્ડ્સમાં’થી ભાડે મળે છે અને મોટી રકમના ડ્રેસનો અગાઉથી ઓર્ડર આપીને સિવડાવી પણ શકાય છે. શ્ર્વાનના લગ્નનાં કપડાં પર સહેજેય ૧૨૦૦ ડૉલરનો ખર્ચ થઈ જાય. ઘણા બધા આટલો બધો ખર્ચ કરીને શ્ર્વાનને રંગેચંગે ઘરે લઈ જાય. પછી થોડા સમયમાં મેક-અપ જતો રહે. વાળ મેલા થઈ જાય અને શ્ર્વાન પોતાની જૂની આદત છોડી શકતો નથી. મોટરકારનું વ્હીલ જોયું નથી અને એક પગ ઊંચો કર્યો નથી..!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…