ઉત્સવ

માતા સંતાન માટે સુખના પાસવર્ડ સમાન છે

આપણે ભલે મધર્સ- ડે ન મનાવીએ, પણ માતાને સુખ આપવાની કોશિશ જરૂર કરવી જોઈએ

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

આજે ૧૨ મેના રોજ મધર્સ-ડે એટલે કે માતૃદિવસ છે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ-ડેનો અવસર ઊજવાય છે.

૧૧૬ વર્ષ અગાઉ આ દિવસની શરૂઆત એના જાર્વિસે કરી હતી. મધર્સ-ડે ઉજવવાની શરૂઆત એના જાર્વિસે કરી હતી. એમણે આ દિવસ પોતાની માતા એન રિવ્સ જાર્વિસને સમર્પિત કર્યો અને પોતાની માતાની પુણ્યતિથિએ પ્રથમ વાર મધર્સ-ડે મનાવ્યો. ત્યારથી દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે માતૃ દિવસ મનાવવામાં આવે છે.

વાસ્તવમાં મધર્સ-ડેની શરૂઆત એના જાર્વિસની માતા એન રિવ્સ જાર્વિસ કરવા ઇચ્છતી હતી.. એનો હેતુ દુનિયાભરની માતાઓ માટે એવા દિવસની શરૂઆત કરવાનો હતો, જે દિવસે જેની સરખામણી કોઇ સાથે ન થઈ શકે એવી સેવા માટે માતાઓનું સમ્માન થાય, પરંતુ એન પોતાનો એ વિચાર અમલમાં મૂકે એ પહેલાં જ એનું મૃત્યુ થઈ ગયું એ પછી એનું સપનું પૂરું કરવાની જવાબદારી દીકરી એના જાર્વિસે ઉપાડી લીધી. આ દિવસે લોકો પોતાની માતાના ત્યાગને યાદ કરે એ માટે એન રિવ્સના નિધન પછી ત્રણ વર્ષ બાદ – ૧૯૦૮માં એના દ્વારા પહેલી વાર મધર્સ-ડે મનાવવામાં આવ્યો.

દુનિયામાં જ્યારે પહેલી વાર મધર્સ-ડે મનાવવામાં આવ્યો ત્યારે એના જાર્વિસ એક પોસ્ટર ગર્લ હતી. એમણે એ દિવસે પોતાની માતાને પ્રિય હતાં એવાં સફેદ કાર્નેશન ફૂલ મહિલાઓને ભેટ આપ્યાં હતાં.

આ ફૂલો ભેટ આપવાને બહાને એક વિશાળ ધંધો શરૂ થઈ ગયો. થોડા વર્ષોમાં તો મધર્સ-ડે પર સફેદ કાર્નેશન ફૂલો કાળાબજારમાં વેચાવા લાગ્યા. આ ડેની ઉજવણી માટે લોકો ઊંચી કિંમતે આ ફૂલો ખરીદવા લાગ્યા. આટલું ઓછું હોય એમ મધર્સ-ડે નિમિત્તે સફેદ કાર્નેશન ફૂલોના વેચાણ પછી ટોફી, ચોકલેટ અને ઘણી બધી ગિફ્ટ્સ પણ આપવાનું શરૂ થઈ ગયું.

એ જોઈને એનાના મનમાં આક્રોશ સાથે વ્યથા જન્મી. બીજી બાજુ મધર્સ-ડેના નામે એક મોટો ધંધો શરૂ થઈ ગયો એટલે ઘણા બૌદ્ધિકોએ એના પર પસ્તાળ પાડી.એ સમયમાં પણ અળવીતરા બૌદ્ધિકો હતા.

એનાએ કહ્યું કે લોકોએ પોતાની લાલચ માટે મધર્સ -ડેને વ્યવસાયિક રીતે કમાવાનું સાધન બનાવી દીધો એને કારણે આ દિવસનું મહત્ત્વ ઘટી ગયું છે. ૧૯૨૦ સુધીમાં તો આ વ્યવસાય અકલ્પ્ય હદે વધી ગયો એને કારણે એનાએ આ દિવસને ખતમ કરવાની ઝુંબેશ શરૂ કરી. એમણે લોકોને આ ફૂલ ન ખરીદવાની પણ અપીલ કરી. એનાએ પોતાના જીવનના અંતિમ સમય સુધી આ દિવસ ખતમ કરવાની ઝુંબેશ ચલાવી હતી. એના માટે પોતાના હસ્તાક્ષરમાં ઝુંબેશ પણ ઉપાડી, પણ સફળતા ન મળી. ૧૯૪૮માં એનાએ આ દુનિયામાંથી વિદાય લઈ લીધે ત્યારે એનાના મનમાં આક્રોશ સાથે દુ:ખની લાગણી હતી કે કાળાબજારે આ દિવસનો મહિમા ખતમ કરી નાખ્યો! એ દુ:ખ સાથે જ તેમણે છેલ્લો શ્ર્વાસ લઈ લીધો.

મધર્સ-ડેના કાળાબજાર વિરુદ્ધ એનાની ઝુંબેશની અસર ભલે પૂરી દુનિયામાં ન થઈ, પરંતુ એમના પરિવારના લોકો અને સગાંસંબંધીઓ હજી આ દિવસ નથી મનાવતા. થોડા વર્ષો પહેલા મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં એનાના સગાં એલિઝાબેથ બરે કહ્યું હતું કે અમારા કુટુંબે ક્યારેય મધર્સ-ડે નથી મનાવ્યો.

એનાએ સારી ભાવનાથી આ અવસરની શરૂઆત કરી હતી, પણ લોકોએ આ દિવસનું વ્યાવસાયીકરણ કરી નાખ્યું.

એના જાર્વિસની વ્યથા સાચી હતી. આપણે દેશમાં પણ ‘મધર્સ-ડે’ના દિવસે જ બધાને માતા પર પ્રેમ ઊભરાઈ આવે છે.. માતૃદિવસ કોઈ એક દિવસ માટેનો ન હોય, પણ મધર્સ-ડેના દિવસે સોશિયલ મીડિયા પર કૃત્રિમ લાગણીઓ વ્યકત કરવાના ઉધામા લોકોમાં જોવા મળે છે.

દરેક માતા પોતાના સંતાન માટે જે કરે છે એવી સેવા દુનિયાની કોઈ પણ વ્યક્તિ નિસ્વાર્થભાવે ન કરી શકે. એટલે એના અને એની માતા બંનેની શુદ્ધ ભાવના એ હતી કે આ દિવસે જગતની દરેક માતાઓને ઉમળકાભેર યાદ કરાય અને એમનાં ત્યાગની કદર થાય, પરંતુ..

આપણા સમાજમાં એવા લોકો પણ જોવા મળે છે કે જે માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય, પણ મધર્સ-ડેના દિવસે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકે કે ‘મારા માટે મારી માતા ઈશ્ર્વર સમાન છે’ કે ‘માતાનાં ચરણોમાં સ્વર્ગ છે!’

માતૃદિનની ઉજવણી ચોક્કસ કરવી જોઈએ. એ દિવસે માતાનું સમ્માન જાળવીએ, એને પ્રેમ આપીએ, એની કાળજી લઈએ તો કોઈ ચોક્કસ મધર્સ-ડેની ઉજવણીની જરૂર નથી. દરેક દિવસને માતૃદિવસ ગણવો જોઈએ. દુનિયાના બીજા કોઈ પણ માટે કંઈ કરીએ કે ન કરીએ, માતા માટે કશુંક કરવું જોઈએ.

દરેક માતા આમેય એના સંતાન માટે સુખના પાસવર્ડ સમાન હોય છે. આપણે ભલે મધર્સ-ડે ન મનાવીએ, પણ માતાને સુખ આપવાની કોશિશ કરવી જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…