ઉત્સવ

દીકરી સ્વરૂપે માતૃત્વનો અંશ એકવાર નહિ પરંતુ બે વાર છુટ્ટો પડે છે

વલો કચ્છ -પુર્વી ગોસ્વામી

(ફોટો: પ્રવિણ ડાંગેરા)
વૈશાખી લગ્નસરાની મોસમે પ્રવેશ મેળવ્યો છે અને જોગાનુજોગ આજે તો માતૃત્વ દિવસ. આમેય સાહિત્યમાં કવિઓના જે કેટલાક પ્રિય વિષયો છે, તેમાંનો એક તે માતાનો. ‘માતૃકાવ્યો’ નો દળદાર સંચય થાય એટલાં કાવ્યો ગુજરાતીમાં છે, પરંતુ આજના આ ખાસ દિવસે પુત્રીના કંકુ પગલાં નીચે વિખરાતી માના ભાવો કચ્છી કવિયિત્રી દક્ષા સંઘવીની કવિતા દ્વારા રજૂ કરવા છે. કવિતા દ્વારા સર્જકની સંવેદનાની જાદુઈ છડી વાચક ઉપર ફરી વળે ત્યારે એનું ગજું વધી જતું હોય છે. ગાંધીધામના કવયિત્રી દક્ષાબેનની કવિતા એવું જ ઓજસ પાથરી રહી છે.

મા કેવી હોય? ભૂકંપે ધરતી ધ્રૂજતી લાગે, પણ મા તો અડીખમ હોય. ધૈર્ય ને શ્રદ્ધાની અચળ મૂર્તિ. પરંતુ જયારે દીકરીના વિવાહ પછી વિદાય પ્રસંગ આવે છે ત્યારે માતાનું કાળજું વેરવિખેર થઇ જતું હોય છે. છતાંય સંયમશીલતાની એ અમૂલ્ય મુરત પોતાની જાતને સંભાળી લેવાનો જીગરો રાખે છે. પુત્રી પરણી જાય ત્યારે સૌથી વધારે આનંદ અને દર્દ માને થતું હોય છે. મા પુત્રીને પોતાનામાંથી જુદી કરે છે, પરંતુ એક નહિ બે વાર. દીકરી સ્વરૂપે પ્રસૂતિ વેળાએ અને બીજીવાર લગ્નની વિદાયવેળાએ માતૃત્વનો આ અંશ છુટ્ટો પડે છે.

ભાવાનુવાદ: વૈસાખજે વીંયાજી સિજન ચાલુ થિઇ વિઇ આય ને કુધરતેં અજ઼ ત મધર્સ ડે પ આય. ઇં પણ સાહિત્યમેં કવિએંકે વાલા કિતરાક વિસય ઐં, તેમેંનું હિકડ઼ો ઇ માજો. ‘માતૃકાવ’ જો જોરાતો ગ્રંથ ભને ઇતરા કાવ ગુજરાતીમેં ઐં. પ અજ઼્જે હિન ખાસ ડીં તે ધિજે કંકુ પગલેં નીચા વિસરાંધા માજા ભાવ કચ્છી કવિયિત્રી દક્ષા સંઘવીજી કવિતા મારફત રજુ કેંણા ઐં. કાવ ભરાં સરજકજી સંવેધનાજી જાદુઈ છડ઼ી વાચક તે ફિરી વિઞે તેર તેંજો ગજો વધી વિઞેતો. ગાંધીધામજા દક્ષાભેંણજી કવિતા એડ઼ો જ કીંક ઓજસ પાથરી રિઇ આય.

મા કેડ઼ી વે? ભૂકંપમેં ધરતી ધ્રૂજંધિ લગે, પ મા ત અડીખમ વે. ધીરજનેં શ્રદ્ધાજી અચલ મૂર્તિ. પ જેર ધીજે વીંયા પૂંઠીયા વિડાયજો પ્રિસંગ અચેતો તેર માજો હિઇયો વેરવિખેર થિઇ વિઞેતો. તે છતાં ખમતીલી અમોલ મુરત પિંઢજી જાતકે સંભારી ગ઼િનેજો જીગરો રખેતી. ધી પેંણી વિઞે તેર મિણીયા જજો રાજીપો ને દરધ માકે થીંધો હોયતો. મા ધી કે પિંઢજે મિંજાનું છુટી કરેતી ઇ પ હિકડ઼ી ન બો વાર. ધીજે રૂપે જનમ ડીંને ટાણે ને બિઇ યાર વીંયા ટાણે હી માતૃત્વજો અંશ છુટો પેતો.

એક માતાની દીકરી વિદાયવેળાએ આરપાર પ્રગટ થતી વિટંબણાની અનુભૂતિ એમની કવિતા દ્વારા કરીએ.

કરવતથી કોરાવી,
કહેવું અવસર આવ્યા,
કળજિયાં વહેરાવી,
કહેવું અવસર આવ્યા.

વહેર પડ્યો તે વીણી લઈ આંસુમાં ઘોળ્યો,
ચૂંદડિયું રંગાવી,
કહેવું અવસર આવ્યા.
ચૂંડલિયાળે હાથે દીવો,
થર થર કંપે,
નયન જ્યોત જલાવી,
કહેવું અવસર આવ્યા.

તોરણના સમ દઈને દરિયા આઘા ઠેલ્યા,
આછું મોં મલકાવી,
કહેવું અવસર આવ્યા.
પંખી એક અજાણી ડાળે માળો બાંધે,
ટહુકીઓ વિસરાવી,
કહેવું અવસર આવ્યા.

ઢોલ તણી દાંડીથી હૈયે સોળ ઉઠે છે,
તો પણ ઢોલ બજાવી,
કહેવું અવસર આવ્યા.

લગ્ન છે તો ‘અવસર આવ્યો’ એમ કહીને તૈયારીઓ ચાલે છે પણ માને એમ લાગે છે જાણે કોઇ એના પર પ્રહાર કરી રહ્યું છે. એની લીલપની ડાળ કાપી રહ્યું છે. કોઈ એની સંવેદના, પ્રેમ, લાગણીને કરવતથી કાપી રહ્યું છે. પ્રસંગ ઉત્સવ છે પણ ક્યાંક કશુ ખાલી થઈ રહ્યું છે.કરવતથી કપાતી વખતે નીચે જે સ્મરણોનો, ઘટનાઓનો વહેર પડે છે, એ વહેરને વીણીને મા આંસુ સાથે ઘોળી નાખે છે. કોઈને ખબર નથી પડતી એ બધાં જ સ્મરણો, ઘટનાઓની ક્ષણોને મા-પુત્રીની ચૂંદડીના રંગમાં પરોવી નાખે છે. જાણે ચૂંદડી સાથે પોતાને એ રંગોમાં સમાવી લે જેથી પુત્રી સાથે જ રહે; પુત્રીનો પડછાયો બનીને.આખું ઘર હરખભેર પ્રસંગ ઉજવે છે બધે જ આનંદ ઉત્સવનો તાન છે. પુત્રીને વિદાય આપતી માના હાથમાં પણ ચૂડલાઓ ખનકી રહ્યાં છે. એ ધ્વનિથી દીવો થરથર કંપે છે. જેની માને ખબર પડે છે, ત્યારે મા વિદાયના માર્ગ પર પ્રેમના હેત વરસાવવા માટે નયનનો દીપ પ્રગટાવી ઓજસ પાથરે છે અને પુત્રીને આપે છે. આ ક્ષણે માના હૃદયનો દરિયો છલકવાની કોશિશ કરે છે. પણ ઘરના ટોડલે બાંધેલા તોરણ સમ આપે છે આંખને અને બધુ જ હેમખેમ દરિયો ત્યાં જ થંભી જાય છે. મા આછું મોં મલકાવી વિદાય આપે છે. વિદાય આપતી માનું મોં કોઈને કશું જ કળવા દેતું નથી.

પંખી એક નવો માળો બાંધશે, નવી ડાળ પર. અહીં સૂનકાર થશે. અહીંના બધા જ ટહુકાઓ વિસરાઈ જશે. પુત્રીનો ટહુકો એટલે શું તે ફક્ત મા જ જાણે છે. કારણકે એ ખુદ પણ પહેલાં દીકરી છે. ઢોલની દાંડીના અવાજથી મા ઊભી ચિરાઈ જાય છે.

સોળ પડે છે કારણ કે હવે ઢોલની એક એક દાંડીનો અવાજ કાળજાના ટુકડાને દૂર લઈ જતો જણાય છે. પણ જીવનનો ક્રમ છે નિયમ છે. એ નિભાવવા માટે ઢોલ વગાડવો પડે. આમ પુત્રીના લગ્નના આનંદ સાથે માની સાવ અલગ મનોવ્યથા વ્યક્ત કરતી આ કવિતા નારી જીવનના સાવ સૂક્ષ્મ સંવેદન પ્રગટ કરે છે. ખાસ આભાર: સ્વ. વંચિત કુકમાવાલાના લેખ સંગ્રહ શબ્દોના ‘ઇન્દ્રધનુ’

ભાવાનુવાદ: વીંયા ઐં ત ‘અવસર આવ્યો’ હીં ચિઇને તૈયારીયું હલેત્યું પ માકે ઇં આય ક જકા કોક ઇનતે પ્રહાર કરી રયો આય. ઇનજી નીરી ડાર કપી રયો આય. કોક ઇનજી સંવેધના, પ્રેમ, લાગણીકે કરવતસેં કપી રયો આય. પિરસંગ ઉત્સવ આય પ કિતેક કીંક ખાલી થિઈ રયો આય.કરવતસે કપાંઇંધે ટાણે સમરણ, ઘટનાએંજો વેર છણેતો, ઇ વેરકે વિણેને મા આંસુ ભેરો ભેરી વિજેતી. કોઈકે ખિબર નતી પે ક હી મિડ઼ે જાધું કે મા ધીજી ઓઢણીજે રઙમેં ભેરી વિજેતી. જાણે ઓઢણી ભેરો પિંઢકે હિન રઙેંમેં સમાય ગ઼િને જેંસે ધી ભેરી જ રે; ઓછયો ભનીને.સજો ઘર હરખભેર પ્રિસંગ ઉજવેતો, મિડ઼ે ઠેકાણે આનંધ ઉત્સવજો તાન આય. ધીજે વિડાય ડિને ટાણે માજે હથજા ચૂડલા પ ખનકી રયા ઐં. હિન ધૂન સે ડીયો ધ્રુજેતો. જેંજી માકે ખિબર પેતી, તેર મા વિડાયજે મારગ તે પ્રેમજા હેત વરસાયલા ‘નયનદીપ’ પ્રગટાયને ઓજસ પાથરેતી. હિન પલે માજે ધિલજો ધરિયો છલકેજી કોશિશ કરેતો પ તેર ઘરના ઉંભરે તે બંધલ તોરણ અંખીયેંકે સમ ડેતો નેં મિડ઼ે હેમેખેમે સમેટાજે વિઞેતો. મા સનું મોં મલકાઇને વિડાય ડેતી. વિડાય ડીંધલ મા કોઇકે કીંજ ખિબર પેલા નતી ડે.

પંખી હિકડ઼ો નયો મારો બધંધી, નઇ ડારતે. હિત સૂનકાર થીંધો. હિતેજા મિડ઼ે ટઉકા વિસરાજી વેંધા. ધીજો ટઉકો ઇતરે કુરો, ઇ ખાલી મા જ જાણેતિ. કુલા ક ઇ પિંઢ પ પેલા ધી હુઇ. ઢોલજે અવાજસે મા ઊભી ચિરાજી વિઞેતી. સોડ઼ પેતિ ને હાણે ઢોલજી હિકડ઼ી હિકડ઼ી સનીતે કાડ઼્જેજો ટુકરો પર્યા વિઞંધો ભાસેતો. પ જીયણજો ક્રમ આય નિમ આય. હિનકે નિભાયલા ઢોલ વજાઇંણૂં જ પે. હીં, ધીજે વીંયાજી ખુશિ ભેરી માજી નિપટ અલગ મનોવ્યથા વ્યક્ત કરંધી હી કવિતા નારીજીવનજી સંવેધના પ્રિગટ કરેતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button