ઉત્સવ

મિત્ર સાથે કપટ રમે, સ્વાર્થમાં હુંશિયાર, અરિ સાથે હેતે મળે તે મૂરખનો સરદાર

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

જીવન બહુ સરળ છે – હતું. આપણે તેને જટિલ બનાવી દીધું છે. જટિલ બનાવી મનુષ્ય એમાં એવો ગૂંચવાઇ ગયો છે કે સાવ સામાન્ય બાબતે તેને માર્ગદર્શનની જરૂર પડે છે. એને કારણે જ ‘મોટિવેશનલ ગુરુઓ’ની એક મોટી ફોજ શિખામણ – બોધના ચાટણનો વેપલો કરી રહી છે. જીવનમાં સલાહ કે માર્ગદર્શનની જરૂર ન જ પડે એવું નથી, કારણ કે દરેક માણસની વૈચારિક ભૂમિનું ક્ષેત્રફળ અલગ અલગ હોય છે. અહીં માત્ર એ જ જણાવવાનો આશય છે કે જીવનની અનેક સૂક્ષ્મ બાબતો સાવ સરળ વાણીમાં ગરમાગરમ શીરાની જેમ ગળે ઉતરી જાય એ સ્વરૂપમાં હાજર છે. ‘મોટિવેશનલ ગુરુઓ’ને સાંભળવા કે અનુસરવા એ અંગત પસંદગીનો વિષય છે, પણ આ સુભાષિતો વાંચશો અને સમજશો તો અનેક બાબતો સહેલાઈથી સમજાઈ જશે એટલું ચોક્કસ. આ સુભાષિતોની ખાસિયત એ છે કે દરેકને અંતે ‘એ મૂરખનો સરદાર’ જેવું બ્રહ્મવાક્ય આવે છે જે આગળ કહેલી બાબતોથી જીવનમાં દૂર રહેવું જોઈએ એવો સ્પષ્ટ ઈશારો કરે છે. કારણ વિના કજિયા કરે, ખટપટ કરે અપાર, વાતે વાતે વાંધા કાઢે તે મૂરખનો સરદાર. અમુક લોકો એવા હોય છે જેમને વિનાકારણ ઝઘડો ઊભો કરવાની અને સતત ખટપટ કરતા રહેવાની આદત હોય છે. આ પ્રકારના લોકો ખીચડી – કઢી બનાવ્યા હોય તો દાળ – ભાત કેમ નથી બનાવ્યા અને પરોઠા કર્યા હોય તો રોટલી કેમ ન કરી એ પ્રકારની ખોડ કાઢવામાં ઉસ્તાદ હોય છે. આ પ્રકારના લોકોની ગણના મૂરખના સરદારમાં કરવામાં આવી છે જેને ગંભીરતાથી ન લેવાય. સંપ ત્યાં જંપ રૂઢિપ્રયોગથી તમે વાકેફ હશો. સંપ હોય ત્યાં એકતા હોય અને જ્યાં એકતા છે ત્યાં શક્તિ છે. લાકડીઓની. ભારી ભાંગી શકાતી નથી, પરંતુ એક એક લાકડીને અલગ કરી દેવાથી તેને સહેલાઈથી ભાંગી શકાય છે. ટૂંકમાં સંપીને રહેવામાં સાર છે. જોકે, આપણી આસપાસ એવા કેટલાક લોકો હોય છે જે મિત્ર સાથે કપટ રમે, સ્વાર્થમાં હુંશિયાર, અરિ સાથે હેતે મળે તે મૂરખનો સરદાર જેવા હોય છે. મુઘલ સામ્રાજ્યનો આપણી ભૂમિ પર વિસ્તાર કે બ્રિટિશ શાસનનો દોર સમજવા માટે થોથા ઉથલાવતા પહેલા આ બે પંક્તિઓ સમજી લઈએ તો એ બંને વિદેશી શાસકો કેમ સફળ થયા એ સુપેરે સમજાઈ જાય છે. અરિ એટલે દુશ્મન અને એની સાથે હાથ મિલાવી પોતાના જ ભેરુને ભોંયભેગો કરનારા મૂરખના સરદારોના ઉદાહરણ મળી આવે છે. આવા લોકોને કારણે જ આપણે બેહાલી અનુભવતા આવ્યા છીએ. પારિવારિક જીવનમાં આજની તારીખમાં અસંતોષ કેમ વધુ જોવા મળે છે એ સમજવું હોય તો ભાઈઓથી અળગો રહે રાખી મનમાં ખાર, પારકે ઘેર જઈ રહે તે મૂરખનો સરદાર સુભાષિત ગોખી લ્યો. ગોખીને સમજી લ્યો અને સમજી જશો પછી મૂરખનો સરદાર તો નહીં જ બનો એની ગેરંટી. એકતાની સાંકળ ત્યારે જ તૂટે છે જ્યારે એમની કોઈ કડી નબળી પડતી હોય છે.

VACATION IDIOMS – PHRASES
વખત વેકેશનનો છે. રજા – છુટ્ટી માણવાનો છે. રજામાં મજા કરવાનો છે અને મજા માટે મુસાફરી કરવાનો આ સમય છે. મુસાફરી માટે દેશાટન, યાત્રા, પરિભ્રમણ, પર્યટન, પ્રવાસ, સફર, સહેલ જેવા પર્યાય માતૃભાષામાં ઉપલબ્ધ છે. મુસાફરીના હેતુ અનુસાર શબ્દનો પ્રયોગ વ્યવહારમાં આવતો હોય છે. અંગ્રેજીમાં પણ અનેક પર્યાય ઉપલબ્ધ છે: tour, trip, voyage, wanderings વગેરે. ટુર અને ટ્રીપ અંગત કામસરના કે આનંદ પ્રમોદના પ્રવાસ માટે વપરાય છે. જળમાર્ગે કે હવાઈમાર્ગે થતી મુસાફરી માટે વોયેજ શબ્દ છે અને રખડવા કે ભટકવા માટે વોન્ડરિંગ શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે. ટ્રાવેલ એટલે કે પ્રવાસ સંબંધિત કહેવતો – રુઢિપ્રયોગો પણ જાણવા જેવા છે. Expedition, Excursion, Jaunt are synonyms of travel with specific meaning. એક્સપીડિશન એટલે હેતુપૂર્વક પ્રયાસ. He is the commander of an expedition. અહીં લશ્કરી ચડાઈનો અર્થ છે. He was on an expedition to explore the Antarctica. એન્ટાર્કટિકા ખૂંદી વળવાના આશય સાથે એ ત્યાં ગયો હતો. જોન્ટ એટલે મોજમજા માટે સહેલ કરવી. They have gone on a jaunt to seaside. Pilgrimage, Quest, Sojourn, Trek are related to travel but with specific meaning or purpose. ધર્મ સાથે જોડાયેલો પ્રવાસ – યાત્રા પિલગ્રિમેજ કહેવાય છે. કોઈ વસ્તુની ખોજ – શોધ માટે કરેલો પ્રવાસ કવેસ્ટ કહેવાય છે. The Quest for happiness is never ending. મનુષ્ય જીવનમાં આનંદ – સુખની શોધ અવિરત ચાલુ રહે છે. સોજર્ન એટલે પડાવ અથવા મુકામ. After a brief sojourn in Holland to study Sanskrit, he moved to India. સંસ્કૃતના અભ્યાસક્રમ માટે થોડો સમય હોલેન્ડ રોકાયા પછી એ ભારત પાછો ફર્યો. મુશ્કેલ પ્રવાસ, વિશેષ કરી પર્વતીય વિસ્તારમાં હોય એ માટે ટ્રેક શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે. During weekends, they usually trek in forests and mountains. શનિ – રવિની રજામાં તેઓ જંગલની સફરે કે પર્વતમાં ખેડાણ કરવા ઉપડી જતા હોય છે.

गुजराती कहावत हिंदी में
મનુષ્ય સ્વભાવની વ્યાખ્યા બાંધવી અસંભવ છે. સમજણની બહારની વાત છે. એવું કહેવાય છે કે દરિયાનો તાગ કદાચ મળી જાય, પણ માનવીના મનનો તાગ ન મળે. ક્યારેક નાની કે નજીવી જરૂર હોવા છતાં બહુ વધારે પડતું કરી બેસવું કે કરવાની કોશિશ કરવી અથવા પ્રમાણ બહાર કંઈ કરવું એ દર્શાવતી કહેવત છે વાધરી માટે ભેંસ મારવી. વાધરી એટલે નાની ચામડાની દોરી. ટૂંકમાં સાવ નજીવી વસ્તુ. વાધરી જેવી ક્ષુલ્લક વસ્તુ મેળવવા ભેંસ થોડી મારી નખાય? અહીં ભેંસ મારી નાખવી એ રૂપક છે જેનો અર્થ પાઈનું દાન કરવા પટારો આપી દેવા જેવો થાય. આ કહેવત ભાવાર્થ જાળવીને હિન્દીમાં एक ईंट के लिए महल गिराना સ્વરૂપે હાજર છે. વાધરી અને ભેંસના ઉદાહરણની બદલે અહીં ઈંટ અને મહેલ રૂપક તરીકે હાજર છે. યોગ્યતા જોયા વિના સંબંધ જોડી દેવો એ માટે લાકડે માંકડું વળગાડવું કહેવત પ્રખ્યાત છે. ખાસ કરીને કજોડાં લગ્ન વખતે આ પ્રકારની રજૂઆત થતી. હિન્દીમાં આ કહેવત ऊंट के गले में बिल्ली बांधना (योग्यता देखे बिना संबंध करना) સ્વરૂપે હાજર છે. જોકે, ગુજરાતી કહેવત જેટલી વેધક હિન્દી કહેવત નથી લાગતી. માણસનું મન પોતાની રુચિ અનુસારની વસ્તુ ઉપર જ ચોંટતું હોય છે એ ભાવના સુથારનું મન બાવળિયે કહેવત દ્વારા પ્રગટ થાય છે. સુથારને સૌથી વધુ શેનો ખપ પડે? એની આજીવિકાનું સાધન શું? લાકડું અને બાવળનું વૃક્ષ કાપી લાકડું મેળવી શકાય એટલા માટે એની નજર બાવળના ઝાડને જ શોધતી હોય છે. આ કહેવત હિન્દીમાં बम्मन का मन लड्डू में સ્વરૂપે હાજર છે. બ્રાહ્મણ જમવા બેસે ત્યારે એની નજર થાળીમાં લાડુ ક્યાં છે ને કેટલા છે એ જ શોધતી હોય, કારણ કે લાડુ બ્રાહ્મણની અતિ પ્રિય વાનગી કહેવાય છે.

आधी केले मग सांगितले
आचार्य विनोबा भावेंच म्हणणं होतं की ‘आचार हाच मतप्रसार आहे.’ अर्थात लोकांना आदर्श सांगत बसण्यापेक्षा स्वतः आदर्श वागणे हेच जास्त उपयुक्त आहे. સમાજ સુધારક અને ભૂદાન ચળવળ માટે ખ્યાતિ મેળવનારા આચાર્ય વિનોબા ભાવે કાયમ કહેતા કે તમારો અભિપ્રાય લોકો સુધી પહોંચાડવાનો હોય, જનતા એનો અમલ કરે એવી ઈચ્છા હોય તો એ વિચાર – અભિપ્રાય જાતે અમલમાં મૂકવો જોઈએ. ही गोष्ट एका म्हणी द्वारा प्रभावीपणे व्यक्त होत आहे. ती म्हण आहे आधी केले मग सांगितले. नैतिकतेच्या किंवा धर्माच्या दृष्टीने जी गोष्ट स्वतः अंगीकारत नाही ती लोकांना सांगू नये. નૈતિકતાની દ્રષ્ટિએ કે પછી ધાર્મિક દ્રષ્ટિએ જે બાબત કે વિચાર જાતે અમલમાં મૂકી ન શકાય એ અમલમાં મુકવાનો ઉપદેશ લોકોને ન આપવો જોઈએ. આપણી આસપાસ એવા અનેક લોકો હોય છે જેઓ બિન્ધાસ્ત ખોટું બોલતા ફરતા હોય છે, પણ ‘હંમેશા સત્ય જ બોલવું’ એવો ઉપદેશ આપતા હોય છે. સુવિચાર કે સદભાવનાનો અમલ જાતે કર્યા પછી એ પ્રમાણે કરવાનો આદેશ આપનારા સંત, ગુરુ કે મહારાજ જનતાને પ્રિય અને પ્રભાવી લાગતા હોય છે. લોકોને એમના માટે આદર હોય છે અને એમને અનુસરવાની કોશિશ પણ જોવા મળે છે. ‘बोले तैसा चाले त्याची वंदिन पाउले’ हे तुकारामचा अभंग आहे. બોલ્યા પ્રમાણે આચરણ કરે એના પગલાંને પણ હું વંદન કરું છું એમ કહેવાયું છે. ‘

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button