ઉત્સવ

ખાખી મની-૨૮

‘રાજકારણના રંગ હજાર..કઇ ઘડીએ કયો રંગ બતાવે એની ખબર ન પડે.’

અનિલ રાવલ

શબનમે લીચી લીલી પટેલના નામની પીત્તળની ચકચકિત તક્તી વાંચીને બરોબર એની ઉપર લગાવેલી ડોરબેલ પર આંગળી મૂકી. બલદેવરાજ આજુબાજુ નજર કરીને સાઇડમાં અદબ વાળીને ઊભા રહ્યા. લીલીએ દરવાજો ખોલ્યો. સામે ઊભેલી બે સાવ અજાણ પણ રૂઆબદાર વ્યક્તિઓને જોઇને કોણ છો કોનું કામ છે એવું પૂછતા અચકાઇ…. પણ એની અસમંજસભરી આંખમાં એ જ પ્રશ્ર્ન હતો. શબનમે જોકે લીલીને પૂછવાનો મોકો જ ન આપ્યો. ચહેરા પર સ્માઇલ સાથે બોલી: ‘નમસ્તે આન્ટી, અમને ખબર છે કે તમે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરની મા છો. અમે ઇન્ટેલિજન્સ એજન્સીમાંથી આવીએ છીએ… તમારી સાથે થોડી અંગત વાતચીત કરવી છે….તમને વાંધો ન હોય તો અંદર આવીએ.?’

ઇન્ટેલિજન્સ એજન્સીનું નામ પડતાં જ લીલીનો ચહેરો પીળો પડી ગયો. એણે માત્ર હાથ હલાવીને અંદર આવવાનો ઇશારો કર્યો. બલદેવરાજ અને શબનમ ગોઠવાયાં. સામેના સિંગલ સીટર સોફા પર લીલી બેઠી.

‘આ છે રોના ચીફ બલદેવરાજજી અને હું શબનમ….તમારી દિકરી લીચી ઘરમાં નથી.?’ શબનમે પૂછ્યું.

‘ના ડ્યૂટી પર છે’ લીલીએ બંનેના આવવા પાછળનું કારણ જાણવા ઉતાવળે જવાબ આપ્યો.

‘તમે બરોડામાં કોઇ સતિન્દર સિંઘ કાલરા સાથે લગ્ન કરેલાં.?’ બલદેવરાજે પૂછ્યું.

લીલીના પગ તળેથી જમીન ખસી ગઇ ને વરસો પહેલા દફન થઇ ગયેલા કાળમુખા ભૂતકાળે કબરમાંથી કોહવાયેલું માથું બહાર કાઢ્યું. એણે આંખ મીચીને એક ઊંડો શ્ર્વાસ લીધો ને ધીમેથી છોડ્યો…..આ દરમિયાન ન જાણે કેટકેટલા વિચારો મને ઘેરી વળ્યા. ટીવી પર જોયેલાં સતિન્દરના ચિત્રો એની આંખો સામે તરવરવા લાગ્યાં. શું સતિન્દરના ખાલિસ્તાની ત્રાસવાદનો એક છેડો આ લોકોને અહીં ખેંચી લાવ્યો. લીચી વિશે પૂછવાનું કારણ શું હશે? લીચીએ પૈસાની બેગ માળિયામાં છુપાવી છે. શું પૈસાનું પગેરું આ લોકોને અહીં લાવ્યું.? લીલીએ આંખો ખોલી. બંનેની સામે વારાફરતી જોયું ને બોલી: ‘હા, વરસો પહેલા મેં સતિન્દર સાથે લગ્ન કર્યા હતા.’

‘તમારા સતિન્દર સાથે છૂટાછેડા થઇ ગયાં છે.?’ શબનમે પૂછ્યું.

‘ના, લગ્ન પછી એ મને પંજાબમાં એકલી છોડીને એના મોટા ભાઇ તજિન્દર સાથે કેનેડા જતો રહ્યો..’

‘અત્યારે એ શું કરે છે.?’ શબનમે પૂછ્યું.

‘કેનેડામાં છે…ખાલિસ્તાની ચળવળ કરે છે.’

‘તમને આ બધી કઇ રીતે ખબર પડી.?’ બલદેવરાજે પૂછ્યું.

‘થોડા દિવસ પહેલાં ટીવીમાં જોયું ત્યારે જાણ થઇ.’

‘એણે આટલાં વરસોમાં કેનેડાથી ક્યારેય તમારો કોન્ટેક્ટ નથી કર્યો.?’

‘ના, બસ એ ગયો પછી પહેલીવાર મેં એનું મોઢું ટીવીમાં જોયું. હું ધારત તો ટીવીમાં પણ એનું મોઢું ન જોત, પણ ત્રાસવાદ સાથે જોડાયેલી એની અસલિયત જાણવા ન છુટકે એને જોવો પડ્યો.’
‘તમે સામેથી ક્યારેય એનો કોન્ટેક્ટ કરવાની કોશિશ ન કરી.?’

‘એક સ્વમાની સ્ત્રી છું…મેં એને દિલથી પ્રેમ કર્યો…પણ એણે મને છેહ આપ્યો….મારા પ્રેમને ઠુકરાવ્યો. શરૂઆતનાં વરસોમાં હું એને ધિક્કારતી રહી, પણ પછી મેં એને ધિક્કારવાનું ય છોડી દીધું.
સતિન્દર મારી નફરતને પણ લાયક નથી.’

‘લીચી….તમારી આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દિકરીનો બાપ સતિન્દર છે.?’

‘કમનસીબે હા.’

‘લીચીને એના બાપ વિશે જાણ છે.?’

‘હા, ટીવીમાં સતિન્દરને જોયા પછી મેં લીચીને બધી જ…સાચેસાચી વાત કરી દીધી.’

‘તમને ખાતરી છે કે લીચીએ આખી વાત જાણ્યા પછી બાપને મળવાની કોશિશ નહીં કરી હોય.?’

‘મને ખયાલ નથી, પણ જો એણે કોશિશ કરી હોય તો મને કહ્યા વિના ન રહે.’

‘એટલો વિશ્ર્વાસ છે તમને લીચી પર.?’

‘હા, મેં એને ઉછેરી છે…મા બાપનો બેયનો પ્રેમ આપ્યો છે.’ લીલી વિચારી રહી હતી કે હવે કોઇ પણ ઘડીએ આ લોકો પૈસાની બેગ વિશે પૂછશે. પણ એવું બન્યું નહીં….બંને ચહેરા પર ખુશી દર્શાવી હાથ જોડીને ઊભા થયાં.

‘હવે હું તમને એક સવાલ પૂછું ભાઇ.?’ લીલીએ ઊભા થતાં પૂછ્યું. બલદેવરાજ અને શબનમ આશ્ર્ચર્યચકિત થઇ ગયાં. અત્યાર સુધી કોઇએ ક્યારેય એમને સામે સવાલો કરવાની હિંમત કરી નહોતી.
પૂછો. બલદેવરાજે ચહેરા પર બનાવટી સ્મિત લાવતા કહ્યું.

‘તમારું અહીં આવવા પાછળનું કારણ શું હતું.?’

‘તમારી દિલચસ્પ પ્રેમ કહાની…અમે તમારી લવ સ્ટોરી જાણવા આવ્યા હતા….આવી લવ સ્ટોરી તો ફિલ્મોમાં જ જોવા મળે….તમારી લવ સ્ટોરી એનાથીય રંગીન છે.’ શબનમ લવ સ્ટોરી શબ્દને બોલવાની મજા લઇ રહી હતી.

‘ના, તમે એ જાણવા આવ્યા હતા કે મારું સતિન્દર સિંઘ નામના મારા ભૂતપૂર્વ પતિ અને ખાલિસ્તાની ત્રાસવાદી સાથે કોઇ કનેક્શન છે કે નહીં. તમે એ જાણવા માગતા હતા કે હું ખાલિસ્તાની ત્રાસવાદી છું કે નહીં.’

‘લીલીબેન, અમે અમારી તપાસ હજી પૂરી કરી નથી. તપાસનું પગેરું ક્યાં નીકળશે એની ખબર ખુદ તપાસ કરનારને પણ નથી હોતી.’ શબનમના શબ્દોમાંથી ઇન્ટેલિજન્સ ઓફિસરનો અસલી સૂર નીકળ્યો.
‘અને હા, આપણી આ મુલાકાતની વાત તમે તમારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર દીકરીને કરજો જ’ બલદેવરાજ બોલીને નીકળી ગયા…ને એમની પાછળ લીલીને સ્મિત આપીને શબનમ.
બલદેવરાજની છેલ્લી વાત લીલીને મુંઝવી ગઇ. કોઇનેય વાત નહીં કરવાની ચીમકીને બદલે વાત કરજો જ….એવું શા માટે કહ્યું. લીલીએ માળિયા પર કાતિલ નજર કરી.


અભિમન્યુ સિંહ અને કુમાર મંત્રાલયમાંથી બહાર આવ્યા ત્યારે એમના ચહેરા સહેજ મુરઝાયેલા હતા. બંનેના મગજમાં એક જ વિચાર ચાલતો હતો: ભાલેરાવે દિલ્હીના ચીફ મિનિસ્ટરનું નામ લીધું. મૈં તો શતરંજ કા એક મામુલી પ્યાદા હું. ચીફ મિનિસ્ટરની ગળચી પકડવી સરળ નથી….દિલ્હીમાં બીજા કોણ ને કેવા મોટા માથાં સંડોવાયેલા હશે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આખોય મામલો રાજકીય રંગ પકડતો લાગ્યો. રાજકારણના રંગ હજાર..કઇ ઘડીએ કયો રંગ બતાવે એની ખબર ન પડે. એટલે જ અભિમન્યુ સિંહે ભાલેરાવનો કોલર છોડી દીધો….અને સાથે સાથે એને મોં નહીં ખોલવાની ચીમકી પણ આપી દીધી. ઇમામ અને ભાલેરાવને ઊંચકી લેતા પહેલાં નેશનલ સિક્યોરિટીના ચીફ અભય તોમાર સાથે મસલત જરૂરી હતી. અભય તોમાર રાજકારણના તમામ રંગ જાણે. અભય તોમારના કપડાં પર કોઇપણ રંગના કલંકિત ડાઘ નહતા કે છાંટા ય ઉડ્યા નહતા.

‘પહેલે ચીફ સે બાત કરતે હૈ….ફિર આગે કી સોચતે હૈ..’ અભિમન્યુ સિંહે કહ્યું.

‘જલ્દી કરના હોગા સર, ભાલેરાવ કા ભરોસા નહીં વો ઇમામ કો બતા દેગા તો ખેલ બિગડ જાયેગા.’ કુમારે કહ્યું.

‘કુમાર, મુઝે લગતા હૈ અબ હમેં રાંગણેકર કા ઇન્વેસ્ટિગેશન કહાં તક પહોંચા યહ જાનના ચાહિયે…..અગર ઇસ મેં બડે લોગ શામિલ હૈ તો કેસ કો ઝરૂર દબા દિયા હોગા….ક્રાઇમ બ્રાન્ચ કૂછ નહીં કર પાયેગી ઔર રાંગણેકર ફાઇલ બંધ કર કે બૈઠ ગયા હોગા.’

કુમારે તરત જ ટેક્સી બોલાવી. ‘ચલિયે સર, થાણે મેઇન ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ પર અટેક કરતે હૈ.’


ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં જે પહેલો માણસ મળ્યો એને કુમારે મધુકર રાંગણેકર વિશે પૂછ્યું.

‘લાસ્ટ કેબિન’ જવાબ મળતા જ બંને કેબિન તરફ વળ્યા. બે ટકોરા મારીને જવાબની રાહ જોયા વિના બંને અંદર ગયા.

‘યસ, આપણ કોણ..?’ સામે ખુરસી પર બેસીને ફાઇલ ચકાસી રહેલા રાંગણેકરે પૂછ્યું. અભિમન્યુ સિંહ અને કુમાર ખુરસી ખેંચીને બેસી ગયા.

‘ઇન્ટેલિજન્સ બ્યૂરો ચીફ અભિમન્યુ સિંહ ઔર મૈં કુમાર.’ રાંગણેકરે ફાઇલ બંધ કરી.

‘બોલા બોલા સર, ક્યા મદત કરું.?’

‘હાઇ વે વાલા કેસ….અલિયાપુર પોલીસ ચોકી….ઇસ કેસ મેં…પ્રોગ્રેસ ક્યા હૈ.?’ અભિમન્યુ સિંહે પૂછ્યું.. રાંગણેકરને ઝટકો લાગ્યો. હવે આઇબી આ કેસ પોતાના હાથમાં લઇ લેશે ને બધી ક્રેડિટ હડપી લેશે. એને પોતાના ટેબલ પર પડેલી ફાઇલ આઇબીના ચીફ તરફ સરકતી દેખાઇ. જોકે એક વાતે એ બેહદ ખુશ હતો કે આ કોઇ મામૂલી કેસ નથી એનો અંદાજ એને પહેલેથી આવી ગયો હતો. અને એટલે જ એ હાથ ધોઇને એની પાછળ પડી ગયો હતો.

‘આઇ એમ સોરી સર…આપકા આઇડી ચેક કર સકતા હું.’ રાંગણેકરે પૂછ્યું.

‘શ્યોર…ક્યું નહીં.’ અભિમન્યુ સિંહને ગમ્યું નહીં. બંનેએ આઇડી રાંગણેકર સામે ધર્યા. રાંગણેકરે ચકાસીને પાછા આપતા ફરી સોરી કહ્યું…

‘ઇટ્સ ઓકે…યુ મસ્ટ આસ્ક…ક્યું કી બાઝાર મેં નકલી પોલીસ, નકલી સીઆઇડી, નકલી સીબીઆઇ બહુત ઘૂમ રહે હૈ.’ અભિમન્યુ સિંહે કહ્યું.

‘આઇબીને ઇસ કેસ કી ઇન્વેસ્ટિગેશન અપને હાથ મેં લી હૈ.’ કુમારે કહ્યું.

‘આપ ખુદ આયે તો એક બાત તય હો ગઇ કિ કેસ તગડા હૈ. મૈને ભી યહી સોચ કે કેસ હાથ મેં લિયા થા.’ રાંગણેકરે કહ્યું.

‘પ્રોગ્રેસ બતાઇએ.’ અભિમન્યુ સિંહ મૂળ વાત પર આવ્યા.

મૈંને ઔર અલિયાપુર પોલીસ ચોકી કે સોલંકીને મિલ કર ઇસ કેસ કા ઇન્વેસ્ટિગેશન કિયા. ઉસ રાત કાર મેં સે એક બેગ ગૂમ હો ગઇ….ઉસ બેગ કા અભી તક પતા નહીં ચલા હૈ, લેકિન લીલાસરી પુલીસ ચોકી કા ઇસ મેં ઇન્વોલ્મેન્ટ સાફ લગતા હૈ….વહાં કી સબ ઇન્સ્પેક્ટર લીચી પટેલ, સિનિયર ઇન્સ્પેક્ટર ઉદયસિંહ પરમાર, કોન્સ્ટેબલ પાટીલ, હવાલદાર કનુભા બરસાતવાલી તૂફાની રાત પુલીસ ચોકી મેં થે….હમેં લેડી ઇન્સ્પેક્ટર લીચી પટેલ કા બાલ ડ્રાઇવર અનવર કી શર્ટ પર સે મિલા હૈ….ઔર ફોરેન્સિક રિપોર્ટ ભી પોઝિટિવ આયા હૈ. હમ કલ સબ-ઇન્સ્પેક્ટર લીચી પટેલ કો ગિરફ્તાર કરને વાલે હૈ…બેગ મેં ક્યા થા ઔર બેગ કહાં હૈ…યે બાત સિર્ફ લીચી પટેલ હી બતા સકતી હૈ.’ રાંગણેકરના ટૂંકા અહેવાલે અભિમન્યુ સિંહ અને કુમારને ખાતરી કરાવી આપી કે કેસ હજી જીવે છે….કોઇ રાજકીય દબાણે એનું ગળું ઘોંટવાની કોશિશ કરી નથી. રાંગણેકર ચોખ્ખો માણસ છે.

‘ઇસ ફાઇલ કી એક કોપી હમેં દે દો….ઔર જબ તક હમારા સિગ્નલ ન મિલે લીચી પટેલ કો ગિરફ્તાર નહીં કરના.’ અભિમન્યુ સિંહે કહ્યું.

‘વિથ ડ્યૂ રિસ્પેક્ટ સર, અગર હમ ઉસ લેડી ઇન્સ્પેક્ટર કો ગિરફતાર કર લેંગેં તો સારી બાતેં તુરંત સામને આ જાયેગી.’

‘ઉસ કી ગિરફતારી સે પહેલેં હમેં ઓર કઇ ચીઝ કી માલુમાત કરની હૈ….જો હમ અભી આપસે ડિસ્કસ નહીં કર સકતે.’ કુમારે કહ્યું.

‘ઓર હાં, આપ હમારે સાથ હો.’ અભિમન્યુ સિંહે કહ્યું.

રાંગણેકરે ટેબલ પરની અલિયાપુર ફાઇલ આઇબીના ચીફ તરફ સરકાવી ત્યારે એના ચહેરા પર ખુશીની લહેર હતી. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button