IPL 2024

પંતની ગેરહાજરીમાં અક્ષર પટેલ દિલ્હીનો કૅપ્ટન, કોચ પૉન્ટિંગે ખલીલની ઓવરને જવાબદાર ગણાવી

બેન્ગલૂરુ: દિલ્હી કૅપિટલ્સનો મુખ્ય કૅપ્ટન રિષભ પંત સ્લો ઓવર-રેટના ત્રીજા ઉલ્લંઘન બદલ એક મૅચ માટે સસ્પેન્ડ કરાયો છે અને તેને 30 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવતાં તેના સ્થાને આગામી એક મૅચ માટે અક્ષર પટેલને સુકાન સોંપાયું છે. પંતની ગેરહાજરીમાં રવિવારે બેન્ગલૂરુ સામેની મૅચમાં દિલ્હીની ટીમનું સુકાન અક્ષર સંભાળશે એવી જાહેરાત હેડ-કોચ રિકી પૉન્ટિંગે કરી હતી.

અક્ષર છેલ્લી બે સીઝનથી વાઇસ-કૅપ્ટન છે. પૉન્ટિંગે પત્રકારોને કહ્યું, ‘અક્ષર અનુભવી ખેલાડી છે, રમતના વળાંકોને સમજવાની અને પારખવાની તેનામાં બહુ સારી આવડત છે અને સુકાન સંભાળવા તે રોમાંચિત પણ છે.’
પૉન્ટિંગે પત્રકારોને વધુમાં કહ્યું, ‘અમે થોડા દિવસથી વિચારતા જ હતા કે દિલ્હીની ટીમ ત્રીજી વાર સ્લો ઓવર-રેટનું ઉલ્લંઘન કરશે એટલે પંત સસ્પેન્ડ થશે જ. અમે સસ્પેન્શન ટાળવા પંતને કૅપ્ટન્સીમાંથી હટાવવા વિચારેલું, પણ આખરે તો મૅચમાં ઓવર્સ પૂરી કરાવવાની જવાબદારી કૅપ્ટનની જ હોય છે. જો ખલીલ અહમદની ઓવર લાંબી ન ચાલી હોત અને રાબેતામુજબ જ ચાલી હોત તો સ્લો ઓવર-રેટનો ત્રીજો ભંગ ન થયો હોત. ખલીલની ઓવરમાં ત્રણ વાઇડ પડ્યા એટલે ઓવર નવ મિનિટ સુધી લંબાઈ ગઈ હતી.’

પૉન્ટિંગના મતે સ્લો ઓવર-રેટના દંડથી બચવા માટેના ઉપાયમાં કહ્યું હતું કે ‘જો 20માંની પહેલી 10 ઓવર ઝડપથી પૂરી કરી લેવામાં આવે તો પછીની 10 ઓવર માટે થોડી વધારાની મિનિટો મળી શકે. ખાસ કરીને ડેથ ઓવરમાં ઘણા પ્લાનિંગ થતા હોય એટલે એ ઓવર્સ સમયસર પૂરી થઈ શકે જો પહેલી 10 ઓવર ઝડપથી પૂરી કરાઈ હોય તો જ.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button