દાભોળકર હત્યા કેસના ચુકાદાથી ખુશ નહીં: પૃથ્વીરાજ ચવ્હાણ
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું કે તેઓ ડો. નરેન્દ્ર દાભોલકર હત્યા કેસમાં કોર્ટના ચુકાદાથી ખુશ નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જમણેરી સંગઠન સનાતન સંસ્થા એક ‘આતંકવાદી સંગઠન’ હતું અને દાભોળકરની હત્યામાં તેમની ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવી નથી.
પુણેમાં યુએપીએ કેસ માટેની વિશેષ અદાલતે શુક્રવારે બે લોકોને દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી જ્યારે ત્રણ જણાને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
અંધશ્રદ્ધા વિરોધી સમાજસેવક ડો. દાભોલકર (67)ની 20 ઑગસ્ટ, 2013ના રોજ પુણેના ઓમકારેશ્વર મંદિર પાસેના પુલ પર મોર્નિંગ વોક કરતી વખતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
વિશેષ અદાલતે દાભોલકરના બે હુમલાખોરો સચિન અન્દુરે અને શરદ કાલસકરને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા સંભળાવી હતી, પરંતુ પુરાવાના અભાવે ત્રણ અન્ય આરોપીઓ ઈએનટી સર્જન ડો. વીરેન્દ્રસિંહ તાવડે, સંજીવ પુનાલેકર અને વિક્રમ ભાવેને નિર્દોષ જાહેર કર્યા હતા.
હું ચુકાદાથી ખુશ નથી. સનાતન સંસ્થાની ભૂમિકા શું છે અને હત્યાનો મુખ્ય સૂત્રધાર કોણ છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. તેવી જ રીતે દાભોલકરની હત્યા અને ગોવિંદ પાનસરે અને ગૌરી લંકેશની હત્યા વચ્ચે કોઈ કડી છે કે નહીં તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી એમ ચવ્હાણે શુક્રવારે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ મુખ્ય પ્રધાન હતા (નવેમ્બર 2010 અને સપ્ટેમ્બર 2014 વચ્ચે) ત્યારે તત્કાલીન એસીએસ (હોમ) ઉમેશ સારંગીએ આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ)ના અહેવાલના આધારે સનાતન સંસ્થા પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) હેઠળ પ્રતિબંધની ભલામણ કરી હતી.
તે માટે એક પ્રક્રિયા છે જ્યાં તમામ રાજ્યોને તેમના સંબંધિત વિસ્તારોમાં (સંબંધિત) સંગઠનની પ્રવૃત્તિઓ વિશે પૂછવામાં આવે છે. દાભોલકરની હત્યા થયા પછી બે વર્ષ સુધી કંઈ થયું નહીં. 2014 માં અમે કેન્દ્ર સરકારના ગૃહ ખાતાને 1000 પાનાનું ડોઝિયર મોકલ્યું હતું અને તેમાં સંગઠન પર પ્રતિબંધ લગાવવાની માગણી કરવામાં આવી હતી.
સનાતન સંસ્થા પર પ્રતિબંધની માગણી હજુ પણ કેન્દ્ર સરકાર પાસે પેન્ડિંગ છે. સનાતન સંસ્થા એક આતંકવાદી સંગઠન છે, એમ પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું. (પીટીઆઈ)