સિનિયર સિટિઝનોને માર્ગમાં રોકીને હાથચાલાકીથી તેમના દાગીના પડાવનારો પકડાયો
મુંબઈ: સિનિયર સિટિઝનોને જાહેર માર્ગ પર રોક્યા બાદ હાથચાલાકીથી તેમના દાગીના પડાવનારા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ સુનીલ સરદારસિંહ શિંદે ઉર્ફે સુનીલ વિઠ્ઠલ માવરે ઉર્ફે દેવીદાસ રામદાસ માવરે (38) તરીકે થઇ હોઇ તેને તેના વતન હિંગોલીથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
તાડદેવ વિસ્તારમાં 22 એપ્રિલે બપોરે 62 વર્ષની વૃદ્ધા પગપાળા જઇ રહી હતી ત્યારે બે આરોપીએ તેને આંતરી હતી. આગળ જરૂરતમંદોને કપડાં અને પૈસા વહેંચવામાં આવી રહ્યા છે. આથી ગરીબ દેખાવા માટે તમારે તમારા દાગીના કાઢી નાખવા પડશે, એવું તેમણે વૃદ્ધાને કહ્યું હતું.
વૃદ્ધા તેમની વાતોમાં આવી ગઇ હતી અને તેણે તેના દાગીના કાઢીને તેમને સોંપ્યા હતા. તેમણે દાગીના થેલીમાં મૂકી તે વૃદ્ધાને આપી હતી. જોકે વાસ્તવમાં આરોપીઓએ હાથચાલાકીથી દાગીના કાઢી લીધા હતા. દરમિયાન પોતે છેતરાઇ હોવાનું વૃદ્ધાના ધ્યાનમાં આવતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ પ્રકરણે તપાસ કરતાં આરોપીએ આ પ્રમાણે મુંબઈમાં 10થી વધુ ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું હતું. આરોપી અકોલા, હિંગોલી, પરભણી એમ ઠેકાણાં બદલતો હતો અને આખરે તેને ચોંડી રેલવે સ્ટેશનથી શુક્રવારે ઝડપી પાડવામાં આવ્યો હતો.