નીરજ ચોપડાનો ભાલો માત્ર બે સેન્ટિમીટર દૂર પડ્યો હોત તો….
દોહા: ભાલા ફેંકમાં ઑલિમ્પિક ચૅમ્પિયન અને વર્લ્ડ ચૅમ્પિયન તરીકેની એકસાથે બે સિદ્ધિ મેળવ્યા બાદ હવે વધુ ગોલ્ડ મેડલ મેળવવાની તલાશમાં નીરજ ચોપડાએ શુક્રવારે રાત્રે થોડું નિરાશ થવું પડ્યું હતું. તે સિલ્વર મેડલ જીતી શક્યો હતો. જોકે ઍથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ નીરજને અભિનંદન આપતા સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે ‘નીરજ, તેં 2024ની સીઝનની બહુ જ સારી શરૂઆત કરી છે. અભિનંદન. તેં ભાલો 88.36 મીટર દૂર ફેંકીને બીજું સ્થાન મેળવ્યું અને તારો આ પ્રયત્ન ખૂબ બિરદાવવા યોગ્ય છે.’
તે દોહાની ડાયમંડ લીગ નામની સ્પર્ધામાં એક પછી એક રાઉન્ડમાં પર્ફોર્મન્સ સુધારતો ગયો હતો, પરંતુ ફાઇનલ રાઉન્ડમાં તેનો ભાલો 88.36 મીટર દૂર પડ્યો અને તે બે સેન્ટિમીટર માટે પ્રથમ સ્થાન ચૂકી ગયો હતો અને ગોલ્ડ મેડલ જરાક માટે તેના હાથમાંથી સરકી ગયો હતો.
આપણ વાંચો: Diamond League 2023: નીરજ ચોપરા ઈતિહાસ રચવાથી માત્ર 0.44 સેમી દૂર રહ્યો
ચેક રિપબ્લિકના યાકુબ વાદ્લેચનો ભાલો નિર્ણાયક રાઉન્ડમાં 88.38 મીટર દૂર પડ્યો હતો અને ગોલ્ડ મેડલ તેને મળ્યો હતો.
નીરજ તેનો ભાલો 88.36 મીટર દૂર ફેંકીને બીજા નંબર પર રહેતા તેને સિલ્વર મેડલ અપાયો હતો.
બે વખત વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલો ગ્રેનાડાનો ઍન્ડરસન પીટર્સ 86.62 મીટરના અંતર સાથે ત્રીજા નંબરે રહ્યો અને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
નીરજ હવે પછીના પ્રયત્નમાં પર્ફોર્મન્સ સુધારવા કટિબદ્ધ છે. તેણે પત્રકારોને કહ્યું, ‘હું દોહાની ડાયમંડ લીગમાં ગોલ્ડ ન જીતી શક્યો એનો મને અફસોસ છે, પણ હવે પછીની સ્પર્ધાઓમાં હું દેખાવ ખૂબ સુધારીશ અને ખાસ કરીને આ વર્ષની પૅરિસ ઑલિમ્પિક્સમાં ગોલ્ડ જીતીને રહીશ. ઑલિમ્પિક્સ મારા માટે સૌથી મહત્ત્વની ઇવેન્ટ છે.’
ડાયમંડ લીગનો હવે પછીનો તબક્કો સાતમી જુલાઈએ પૅરિસમાં યોજાશે. ત્યાર બાદ 26મી જુલાઈએ પૅરિસમાં જ ઑલિમ્પિક ગેમ્સનો આરંભ થશે.