આરએસએસના વડા ડો. મોહન ભાગવત કરશે ”અયોધ્યા”માં ગણપતિ બાપ્પાની પ્રાણપ્રતિષ્ઠા…
પુણેઃ હેડિંગ વાંચીને ગૂંચવાઈ ગયા ને કે કે અયોધ્યામાં તો રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે અને એને પણ હજી તો વાર છે તો વચ્ચે આ ગણપતિ બાપ્પાની પ્રાણ પ્રતિષ્ઠાની વાત વળી ક્યાંથી આવી? ભાઈ તમે તમારા મગજના ઘોડા વધારે દોડાવો એ પહેલાં તમને જણાવી દેવાનું કે આ તો અહીં દગડુશેઠ હલવાઈ સાર્વજનિક ગણપતિ ટ્રસ્ટ, સુવર્ણ યુગ તરૂણ મંડળ દ્વારા ટ્રસ્ટના 131ના વર્ષના ગણેશોત્સવની વાત થઈ રહી છે.
આ વખતે ગણેશોત્સવ નિમિત્તે મંડળ દ્વારા અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે 19મી સપ્ટેમ્બરના સવારે 10.23 કલાકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘસંચાલક ડો. મોહન ભાગવતના હસ્તે કરવામાં આવશે. જ્યારે મંદિર પર કરવામાં આવેલી લાઈટિંગનું ઉદ્ઘાટન સાંજે સાત વાગ્યે કરવામાં આવશે, એવી માહિતી ટ્રસ્ટના અધ્યક્ષ દ્વારા આપવામાં આવી હતી.
મંગળવારે પ્રાણપ્રતિષ્ઠા પહેલાં સવારે 8.30 કલાકે મુખ્ય મંદિરથી હનુમાન રથમાંથી બાપ્પાની મૂર્તિનું સરઘસ કાઢવામાં આવશે. પ્રાણપ્રતિષ્ઠા બાપ ઉત્સવ મંડપમાં બપોરે 12 વાગ્યાથી ભક્તો બાપ્પાના દર્શનનો લાભ લઈ શકશે, એવી માહિતી પણ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. સાંજે લાઈટિંગનું ઉદ્ઘાટન કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ટ્રસ્ટ દ્વારા આ વર્ષે અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિબનાવવામાં આવી છે. મંદિરની આ પ્રતિકૃતિ 125 ફૂટ લાંબી, 50 ફૂટ પહોળી અને 100 ફૂટ ઊંચી છે. એટલું જ નહીં આ મંદિરની સામે 24 સ્તંભ અને 24 કમાન ઊભી કરવામાં આવી છે. મંદિરનો ઘૂમટ 100 ફૂટ કરતાં વધારે ઊંચો હોઈ ધ્વજ સાથે 108 ફૂટ ઊંચું મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.
આ ઉપરાંત મંદિરનો પરિસર અને રસ્તામાં આવતા 60 થાંભલા પર વાનરસેનાની મૂર્તિ સહિત રામાયણની ઘટનાઓ ચિત્ર અને લેખન સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. બેલબાગ ચોકથી પ્રવેશ કરતી વખતે કાલ્પનિક રામસેતુ પણ ઊભો કરવામાં આવ્યો છે અને અહીંથી ભક્તો મંદિરમાં પ્રવેશ કરી શકશે.