‘PoK’પાછુ લેવાને બદલે પાકિસ્તાન પાસે એટમ બૉમ્બ…. ઝારખંડમાં અમિત શાહની ગર્જના
કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના નેતા અમિત શાહે શુક્રવારે ઝારખંડના ખુંટીમાં એક જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરના નિવેદન પર કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ઝારખંડ અને બિહારને નક્સલવાદથી મુક્ત કરવાનું કામ કર્યું છે.
મણિશંકર ઐયરે હાલમાં જ કહ્યું હતું કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. તે ભારત પર એટમ બોમ્બ ફેંકી શકે છે. તેથી તેનું સન્માન કરવું જોઈએ.
ઐયરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા અમિત શાહે કહ્યું હતું કે, “મણિશંકર ઐયર અમને ધમકાવી રહ્યા છે, દેશને ધમકાવી રહ્યા છે. પાકિસ્તાનનું સન્માન કરો, તેમની પાસે એટમ બોમ્બ છે. થોડા દિવસો પહેલા ભારતીય ગઠબંધનના નેતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે PoK (પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર) વિશે વાત ન કરો. પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. હું કોંગ્રેસ પાર્ટી અને I.N.D.I.A ગઠબંધનને કહેવા માંગુ છું કે PoK ભારતનું છે.
PoKની એક એક ઈંચ જમીન ભારતની છે. અમારી સંસદે આ અંગે સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો છે. PoKને ભારત પાસેથી કોઈ છીનવી શકે નહીં. મને ખબર નથી કે કોંગ્રેસ પાર્ટીને શું થઈ ગયું છે. પાકિસ્તાન પાસેથી PoK લેવાના બદલે કોંગ્રેસ પાર્ટી એટમ બોમ્બની વાત કરીને ભારતના લોકોને ડરાવે છે.
અમિત શાહે એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ 70 વર્ષ સુધી કલમ 370 સાચવી રાખી આતંકવાદને ફુલવા ફાલવા દીધો, પણ મોદીએ 5 ઓગસ્ટ 2019 ના રોજ કલમ 370 નાબૂદ કરીને આતંકવાદનો અંત લાવ્યો. ગરીબી નાબૂદીના નામે ચૂંટણી જીતતી રહેલી કોંગ્રેસ નક્સલવાદ, આતંકવાદનો અંત લાવી શકતી નથી. આદિવાસીઓ અને પછાત લોકોનું કલ્યાણ કરી શકતી નથી. પીએમ મોદીએ 80 કરોડ ગરીબોને રાશન મોકલવાનું શરૂ કર્યું છે.
કોરોના કાળનો ઉલ્લેખ કરીને શાહે જણાવ્યું હતું કે જ્યારે પીએમ મોદીએ કોરોનાની રસી મફતમાં આપવાની જાહેરાત કરી ત્યારે રાહુલ બાબા લોકોને કહેતા હતા કે, કોરોનાની રસી ન લો, આ મોદીની રસી છે. સ્વાસ્થ્ય બગડશે. જ્યારે રાહુલ બાબાએ જોયું કે દેશના લોકો રસી લઇ રહ્યા છે, તો એક રાત્રે તેઓ ચૂપચાપ પોતાની બહેનને સાથે લઈને રસી લઇ આવ્યા હતા.