IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ગિલ-સુદર્શનની વિક્રમી ફટકાબાજીથી ગુજરાતે ચેન્નઈ સામે 2023ની ફાઇનલનો બદલો લીધો

ગિલ આઈપીએલનો યંગેસ્ટ સેન્ચુરિયન-કેપ્ટન: અમદાવાદમાં ટી-20ના ઇતિહાસનો અનેરો રેકોર્ડ પણ રચ્યો

અમદાવાદ: ગુજરાત ટાઇટન્સે (20 ઓવરમાં 231/3) અહીં શુક્રવારે આઈપીએલ-2024ની 59મી લીગ મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (20 ઓવરમાં 196/8) સામે 35 રનથી જીતીને પોતાની પ્લે-ઓફની નજીવી આશા જીવંત રાખી હતી અને ચેન્નઈનું સ્પર્ધામાં ટકવું થોડું મુશ્કેલ બનાવી દીધું હતું. ચેન્નઈએ હવે આવતી કાલે નંબર-ટૂ રાજસ્થાન સામે અને પછી સતત ચાર જીતથી જોશમાં આવી ગયેલી બેંગલૂરુ સામે રમવાનું છે.

ગુજરાતના ઓપનર્સ શુભમન ગિલ (104 રન, પંચાવન બૉલ, છ સિક્સર, નવ ફોર) તથા સાંઈ સુદર્શન (103 રન, 51 બૉલ, સાત સિક્સર, પાંચ ફોર)ની ઓપનિંગ જોડીએ બૅટિંગ મળ્યા બાદ જોરદાર ફટકાબાજીથી ગુજરાતને જીતનો પાયો નાખી આપ્યો હતો અને ત્યાર બાદ ગુજરાતના બોલર્સ તથા ફીલ્ડર્સે ડિફેન્ડિંગ ચેમ્પિયનના બેટર્સને 232 રનના સાધારણ લક્ષ્યાંકની નજીક પણ નહોતા દીધા.


પરિણામ એ આવ્યું કે જેમાં ગુજરાતે વિજય મેળવીને 2023ની સીઝનમાં વરસાદને લીધે ત્રીજા દિવસ સુધી લંબાયેલી ફાઇનલમાં ચેન્નઈ સામે છેલ્લા બોલે જોવી પડેલી આંચકાજનક હારનો બદલો લઈ લીધો હતો. 2023ની ફાઇનલમાં એમએસ ધોનીના સુકાનમાં ચેન્નઈએ વિજય મેળવીને પાંચમું ટાઈટલ હાંસલ કર્યું હતું અને ગુજરાત વિક્રમજનક સતત બીજી ટ્રોફીથી વંચિત રહી ગયું હતું.

શુક્રવારે શુભમન ગિલ (24 વર્ષ, 245 દિવસ) આઈપીએલનો સૌથી યુવાન સદીકર્તા બન્યો હતો. તેણે રાજસ્થાન રોયલ્સના સંજુ સેમસન (26 વર્ષ, 152 દિવસ)નો 2021ની સાલનો વિક્રમ તોડ્યો હતો. ટી20ના ઇતિહાસમાં કોઈ એક જ ગ્રાઉન્ડ પર સૌથી ઓછી ઇનિંગ્સમાં 1,000 રન પૂરા કરવાનો અનેરો વિક્રમ હવે ગિલના નામે છે. તેણે અમદાવાદમાં ફક્ત 19 દાવમાં 1,000 રન બનાવ્યા છે. અગાઉ પાંચ પ્લેયરે અલગ અલગ મેદાન પર બાવીસમી ઇનિંગ્સમાં 1,000 રન પૂરા કર્યા હતા જે રેકોર્ડ હવે ગિલે 19 ઇનિંગ્સથી તોડી નાખ્યો છે.


શુક્રવારે અમદાવાદમાં ગિલ-સુદર્શનની 210 રનની ઓપનિંગ ભાગીદારીથી આઈપીએલના વિક્રમની બરાબરી પણ થઈ હતી. આઈપીએલમાં 200-પ્લસ રનની આ બીજી જ ઓપનિંગ પાર્ટનરશિપ હતી. 2022માં લખનઊના રાહુલ-ડિકોકે કોલકાતા સામે અણનમ 210ની પ્રારંભિક ભાગીદારી કરી હતી.


શુક્રવારે ચેન્નઈને ફરી અજિંકય રહાણે (1)ની નિષ્ફ્ળતા નડી હતી. બીજો ઓપનર રાચિન રવીન્દ્ર (1) પણ ફ્લૉપ ગયો હતો. રહાણેને સંદીપ વોરિયરે કેચઆઉટ કરાવ્યો હતો, જયારે રાચિનને મિલરે રનઆઉટ કર્યો હતો. જ્યાં એક બાજુ ગુજરાતનો કેપ્ટન ગિલ વિક્રમી ઇનિંગ્સ રમ્યો હતો ત્યાં બીજી તરફ ચેન્નઈનો સુકાની ઋતુરાજ ગાયકવાડ (0) ત્રીજા જ બૉલમાં ઉમેશ યાદવને વિકેટ આપી બેઠો હતો.


10 રનમાં ચેન્નઈની ત્રણ વિકેટ પડ્યા બાદ ડેરિલ મિચલ (63 રન, 34 બૉલ, 3 સિક્સર, 7 ફોર) અને મોઇન અલી (56 રન, 36 બૉલ, 4 સિક્સર, 4 ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે 109 રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે 119મા રને મિચલ આઉટ થતાં ફરી ચેન્નઈના માથે પરાજ્ય તોળાવા લાગ્યો હતો. આગામી વર્લ્ડ કપનો પ્લેયર શિવમ દુબે (21 રન, 13 બૉલ, એક સિક્સર, બે ફોર) પેસર મોહિત શર્માને વિકેટ આપી બેઠો હતો અને 2023ની ફાઇનલના સુપરસ્ટાર રવીન્દ્ર જાડેજા (18 રન, 10 બૉલ, એક સિક્સર, બે ફોર)નું આ વખતે ગુજરાત સામે કંઈ ન ચાલ્યું. તેને સ્પિનર રાશીદ ખાને મિલરના હાથમાં કેચઆઉટ કરાવ્યો હતો.


ધોની (26 અણનમ, 11 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) થોડો મોડો રમવા આવ્યો હતો અને ગુજરાતના બોલર્સે (ખાસ કરીને મોહિત શર્માએ) તેને પણ છેક સુધી કાબૂમાં રાખ્યો હતો. મોહિતે 31 રનમાં ત્રણ અને રાશિદે 38 રનમાં બે વિકેટ લીધી હતી. એક-એક વિકેટ ઉમેશ અને વોરિયરને મળી હતી.


એ પહેલાં, મોટેરામાં 1,32,000 પ્રેક્ષકો માટેની ક્ષમતાવાળા ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બૅટિંગ કરવાની તક મળ્યા પછી ગુજરાતના ઓપનર્સ શુભમન ગિલ અને સુદર્શનની ઓપનિંગ જોડીએ સનરાઇઝર્સ હૈદરાબાદના ટ્રેવિસ હેડ તથા અભિષેક શર્માની સ્ટાઇલથી જબરદસ્ત ફટકાબાજી કરી હતી અને છેવટે ગુજરાતે 20 ઓવરમાં 231/3નો સ્કોર મેળવ્યો હતો.


ચેન્નઈના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે (પડદા પાછળના મુખ્ય સુકાની એમએસ ધોનીની મદદથી) કુલ છ બોલરને બોલિંગ આપી હતી જેમાં માત્ર દેશપાંડેને 33 રનમાં બે વિકેટ મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button