પંદર વર્ષમાં સોનામાં દસ અને ચાંદીમાં સાત ટકાનું વળતર
નવી દિલ્હી: સોના-ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી આક્રમક તેજી જોવા મળી છે. અક્ષય તૃતીયાના શુભ અવસરથી શરૂ થતા નવા વર્ષના છેલ્લા ચક્રથી સોના અને ચાંદીમાં અનુક્રમે ૧૩ ટકા અને૧૧ ટકાનો નોંધપાત્ર વાર્ષિક વધારો જોવા મળ્યો છે. જ્યારે છેલ્લા ૧૫ વર્ષમાં સોનાએ અનુક્રમે ૧૦ ટકા અને ચાંદીએ સાત ટકાથી વધુ વાર્ષિક રિટર્ન આપ્યું હોવાનું એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. ચાંદી લાંબા ગાળામાં સોનાને પાછળ રાખી શકે છે. સોના અને ચાંદી બંનેએ ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિકમાં સકારાત્મક ઉછાળો નોંધાવ્યો છે, જે અન્ય નોંધપાત્ર એસેટ વર્ગોની બરાબર અથવા તો તેનાથી વધુ છે. પુરવઠા અને માગના મુદ્દાઓએ સોનાના ભાવ પર નોંધપાત્ર અસર કરી નથી. ખાસ કરીને જ્યારે બજાર ભારે અનિશ્ર્ચિતતાનો સામનો કરી રહ્યું છે.
સોનાના ભાવમાં તાજેતરના જોરદાર ઉછાળાને જોતાં, ભાવમાં થોડી નરમાઈને સંપૂર્ણપણે નકારી શકાય નહીં. આ વર્ષે અમેરિકા અને ભારત સહિત ૪૦થી વધુ દેશોમાં ચૂંટણી યોજાવાની છે. બજારના સહભાગીઓ હંમેશા ભાવિ ઘટનાને અગાઉથી ધ્યાનમાં લે છે, જેમ કે ફેડરલ દ્વારા પ્રારંભિક દરમાં ઘટાડો, તેથી કોઈપણ અણધારી, ઉચ્ચ-અસરકારક ઘટના ભવિષ્યમાં કિંમતોને વધુ સમર્થન આપી શકે છે. ડિજિટલમાં રોકાણમાં સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે, જે સોનાના ભાવ વધારા અને રોકાણકારોને દર વર્ષે વધારાના ૨.૫ ટકા વ્યાજનો લાભ મેળવવામાં મદદ કરશે. સોનાચાંદીમાં અસ્થિરતાના મુખ્ય ત્રણ પરિબળો છે. રશિયા તથા યુક્રેન અને ઇઝરાયેલ સાથે હમાસ તેમ જ ઇરાનના ચાલી રહેલા લશ્કરી ઘર્ષણને કારણે ઉદ્ભવેલા જીઓ ટેન્શન ઉપરાંત અન્ય ભૌગોલિક રાજકીય કારણો સુરક્ષિત રોકાણ માટે જોખમ પ્રીમિયમમાં વધારો કરવાનું કારણ બની શકે છે.