વીક એન્ડ

તેરે કરીબ સે ગુઝરા હૂં ઇસ તરહ કિ મુઝે ખબર ભી હો ન સકી, મૈ કહાં સે ગુઝરા હૂં

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

કવિ, લેખક, સંપાદક અને કેળવણીકાર શ્રી જગન્નાથ ‘આઝાદ’ ખ્યાતનામ શાયર શ્રી તિલોકચંદ્ર, ‘મહરુમ’ (૧૮૮૭-૧૯૮૬)ના સુપુત્ર હતા. તેઓ ભારત-પાકિસ્તાનના વિભાજન સમયે મજબૂરીથી લાહોર છોડી દિલ્હીમાં આવી વસ્યા હતા. તેમણે જે રક્તપાત જોયો તેનાથી વ્યથિત થઇને તેમણે સ્થળાંતર કર્યું હતું, પરંતુ જગન્નાથ પાકિસ્તાનના પંજાબમાં ગાળેલા દિવસોને ભૂલી શકયા નહોતા. જગન્નાથનો પરિવાર પાકિસ્તાનથી લૂંટાઇને મઝલૂમ થઇને આવ્યો હતો. છતાં આ પરિવારે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહોતો. જગન્નાથે આ આખો બનાવ તેમની ૨૮ શે’રની નઝમ ‘જશ્ને આઝાદી’ માં વર્ણવ્યો છે.

જગન્નાથને શાયરી વારસામાં મળી હતી. ‘જોશ’ મલીહાબાદી, ડૉ. એહતેમામહુસૈન, ફિરાક ગોરખપૂરી, ખ્વાજા અહમદ અબ્બાસ જેવા સાહિત્યકારોએ જગન્નાથની શાયરી માટે પ્રશંસાના ઉદ્ગારો વ્યક્ત કર્યા છે. મશહૂર કવિ ‘ફિરાક’ સાહેબે લખ્યું છે: “આઝાદની શાયરી કેવળ પુસ્તકોમાં કેદ નથી થઇ જતી, પરંતુ તેમાં જિંદગીનો અવાજ અને જખમો ખાધેલા દિલનો પોકાર સાંભળવા મળે છે.
જગન્નાથનો જન્મ પશ્ર્ચિમ પંજાબમાં સિન્ધુ નદીને પેલે પાર આવેલા નાનકડા ગામ ઇસાખૈલમાં ૫ ડિસેમ્બર ૧૯૧૮ના રોજ થયો હતો. તેમના કવિ પિતા તિલોકચંદ્ર સ્કૂલના આચાર્ય હતા. તેમ છતાં જગન્નાથને તેમનું પ્રાથમિક શિક્ષણ ઘરમાં મળ્યું હતું. તેમની કુશાગ્ર બુદ્ધિ તેમની બાલ્યાવસ્થામાં પ્રગટ થતી દેખાતી હતી. પિતાની બદલી ઇસાખૈલથી કુલૂરકોટ થઇ. ત્યાં જગન્નાથે આઠમું ધોરણ પાસ કર્યું. ૨ વર્ષમાં તેમણે મિયાવલીમાં મેટ્રિકની પરીક્ષા આપી. ઇ. સ. ૧૯૩૩માં તેમણે રાવલપિંડીની કોલેજમાં પ્રવેશ મેળવ્યો. તેમના પિતા પણ રાવલપિંડીમાં સ્થાયી થયા. તેમના પિતાને કેટલાંય શાયરો મળવા આવતા, ચર્ચાઓ અને ગોષ્ઠિઓ યોજાતી. જગન્નાથને આ સાહિત્યિક વાતાવરણનો સીધો લાભ મળ્યો. તેમણે કૉલેજમાં ‘બઝમે-અદબ’ નામની સંસ્થાનો પાયો નાખ્યો. તેના મુશાયરા થયાં. બી.એ. થઇ તેઓ લાહોર ગયા ત્યારે ત્યાંની શાયરીનો માહૌલ તેમને ઘણો ઉપકારક નીવડયો. ત્યાં તેમનો પરિચય અલ્લામા ‘તાજવર’ નજીબાબાદી સાથે થયો. જગન્નાથ તેમની પાસેથી ગઝલના પાઠ શીખ્યા. તો એમ.એ.ના અભ્યાસ દરમિયાન ડૉ. સર ઇકબાલ, સૈયદ આબિદઅલી, સૂફી ગુલામ મુસ્તફા, ‘તબસ્સુમ’ અને ડૉ. મોહમ્મદ અબ્દુલ્લા જેવા વિદ્વાનો સાથે જગન્નાથનો પરિચય વધ્યો.

પંજાબના તે વખતના મુખ્ય મંત્રી સર સિક્ધદર હયાતખાને હિન્દુ-મુસ્લિમ એકતા માટે ‘તહરીફે-રિફાઅત’ નામની સંસ્થા સ્થાપી હતી. તેમાં તેઓ જોડાઇ ગયા. આ પછી પંજાબ કૉંગ્રેસના અખબાર ‘જયહિન્દ’માં ૧૯૪૭ સુધી કામ કર્યું, પરંતુ ભારતના ભાગલા થતા તેમણે દિલ્હી સ્થળાંતર કર્યું. તેમણે થોડોક વખત લેબર મિનિસ્ટ્રિમાં, તે પછી ‘આજકલ’ના સંપાદન વિભાગમાં શાયર ‘અર્શ’ મલસિયાની સાથે સહસંપાદક તરીકેની કામગીરી બજાવી. ઇ. સ. ૧૯૫૫માં તેઓ ઇન્ફર્મેશન ઑફિસરના હોદ્દા પર નિમાયા હતા. ૨૪ જુલાઇ ૨૦૦૪ના રોજ દિલ્હી ખાતે તેમનું નિધન થયું હતું.

જગન્નાથ ‘આઝાદે’ કેવળ મનોરંજન અને વાહ વાહ માટે શાયરી લખી નથી. કોઇ ઘટના જોઇ. સાંભળીને તેઓ અંદરથી હચમચી જતા ત્યારે તેમની કલમ શાયરી લખવા તલપાપડ થતી. તેમને ‘બેકરાં’ (૧૯૪૯), ‘સિતારો સે ઝરૉ તક’ (૧૯૫૧) અને ‘વતન મેં અજનબી’ (૧૯૫૮) જેવા ત્રણ ગઝલ-નઝમ-મુકતક સંગ્રહો પ્રગટ થયા છે. તેમની શાયરી બંગાળી, ઉડિયા, હિન્દી, ગુજરાતી તેમ જ રોમન, ફ્રેન્ચ અને રશિયન ભાષામાં અનુવાદિત થઇ છે. તેમની પાસેથી પોતાની આત્મકથાનાં ૨ પુસ્તકો, પ્રવાસ કથા અને નાટકો પણ મળ્યાં છે. તેમણે ડૉ. ઇકબાલ વિશેનો અભ્યાસ રજૂ કરતા એકથી વધુ પુસ્તકો લખ્યાં છે. તો તેમણે તેમના કવિપિતા તિલોકચંદ્ર ‘મહરુમ’ના સાહિત્યનું સંપાદન કરી આપ્યું છે.

તેમની ચોટદાર ગઝલો-નજમોમાં પ્રવાહી શૈલીની સાથોસાથ ચિંતનતત્ત્વ પણ ઠાંસી ઠાંસીને ભર્યું છે. તેમણે માત્ર દિલને બહેલાવવા માટે સુષ્ઠુ સુષ્ઠુ શાયરીનું સર્જન કર્યું નથી. તેમાં હકીકતોનું અને જિંદગીની બેબસીનું બયાન છે તો રહસ્યવાદની ઊંડાઇ પણ છે. તેમના નોંધપાત્ર શે’રનો હવે આસ્વાદ કરીએ.

કભી વો દિન થે અપને દિલ કો
હમ અપના સમઝતે થે,
મગર અભ હર બશર કે દિલ કો
અપના દિલ સમઝતે હૈં
કયારેક એવો વખત હતો કે અમે અમારા દિલને માત્ર અમારું સમજતા હતા, પરંતુ (સમયના પલટાની સાથે) હવે અમે દરેક વ્યક્તિના દિલને અમારું પોતાનું સમજીએ છીએ. શાયરની વૈશ્ર્વિક ભાવનાનો આ
પડઘો છે.

મૈં ને પૂછા કિ જિંદગી કયા હૈ
હાથ સે ગિર કે જામ તૂટ ગયા.

મેં (ઉત્કંઠાથીગ પૂછયું કે જીવન શું છે: તો એ વખતે જ પ્યાલો હાથમાંથી છટકીને તૂટી ફૂટી ગયો. આમ જીવન ક્ષણભંગુર છે. તે એક ક્ષણમાં હતું ન હતું થઇ જાય છે. તે સચ્ચાઇને શાયરે પ્રતીકાત્મક ઢબે અહીં વ્યક્ત કરી છે.

હમી ને ઐ મોહબ્બત કદ્ર પેહચાની હૈ કુછ તેરી,
તુઝે તૂફાં, તુઝે કિશ્તી, તુઝે સાહિલ સમઝતૈ હૈં.

ઓ મોહબ્બત, અમે લોકોએ જ તારી કંઇ કદર કરી છે. (અમારી સમજ પ્રમાણે) અમે તો તને જ તોફાન, તને જ નૌકા અને તને જ કિનારો સમજીએ છીએ.
મંઝિલ સે ભી નાવાકિફ હૈ
રાહ સે ભી આગાહ નહીં,
અપની ધુન મેં ફિર ભી રવાં હૈ
યહ ભી અજબ દીવાને હૈં.

આ લોકો મંઝિલ વિશે કશું જાણતા નથી તેમ તેઓ રસ્તા વિશે પણ અણજાણ છે. આમ છતાં, નિરાળું ગાંડપણ ધરાવતા આ લોકો પોતાના તોરમાં આગળ વધતા જ જાય છે.

ઐ શેખ! હમ સે બાદાકશાને-શિકસ્તા-દિલ,
પીતે હૈં આંસુઓ કો મિલા કર શરાબ મેં
અમારા જેવા ભગ્ન દિલના શરાબીઓ સુરામાં અમારાં આંસુઓને નાખીને પીએ છીએ. શેખને સંબોધીને લખાયેલો આ શે’ર શરાબ અને શરાબીઓ સાથેના પરસ્પર સંબંધોને ઉજાગર કરે છે.
ઉઠી દિલ સે યકીને-બાહમી પર જિસ કી બુનિયાદે,
તઅજજુબ હૈ વહી આખિર ગુમાં તક બાત જા પહુંચી
એકબીજાના વિશ્ર્વાસના પાયા પર જેની ઇમારત ઊભી થઇ હતી એ જ વાત છેલ્લે તો કેવળ ધારણા સુધી પહોંચીને રહી ગઇ તેનું મને આશ્ર્ચર્ય છે.

ઇન્સાનિયત ખુદ અપની નિગાહોં મેં હૈ ‘ઝલીલ’,
ઇતની બુલંદિયા પે તો ઇન્સાં ન થા કભી!

આટલી ઊંચાઇ સુધી તો માણસ કયારે પહોંચ્યો ન્હોતો. આજે તો માણસાઇ પોતે પોતાની નજરમા હલકી-તિરસ્કૃત લાગે છે.

ઐ દોસ્ત! તેરી યાદને બખ્શા વોહ સહારા,
હર-તલ્ખિએ દૌરાં કો કિયા હમને ગંવારા.

દુનિયાના લોકોની કટુતા-કડવાશને પણ અમે તો સહન કરી લીધી. ઓ મિત્ર, તારી યાદોએ અમને આ રીતે ઘણી મદદ કરી.

મોહબ્બત મેં ઉન્હે એહલે-નઝર કામિલ સમઝતે હૈં,
જો ઇસ તુફાન કી હર મૌજ કો સાહિલ સમઝતે હૈં.

જેઓ આ તોફાનના મોજાંઓને કિનારો સમજે છે તેવા દ્રષ્ટિવાળાઓ પ્રેમમાં એને જ પરિપૂર્ણ સમજે છે.

તેરે કરીબ સે ગુઝરા હૂં ઇસ તરહ કિ મુઝે,
ખબર ભી હો ન સકી, મેં કહાં સે ગુઝરા હૂં
હું તારી (સાવ) નજીકથી એવી રીતે પસાર થઇ ગયો છું કે મને પોતાને ય ખબર પડી નહીં કે હું ક્યાંથી પસાર થયો છું.

વો નામુરાદ હૂં મૈં જહાને-ખરાબ મેં,
જિસ ન કિયા શબાબ કા માતમ શબાબ મેં,
આ નઠારી દુનિયામાં હું અસફળ રહ્યો છું. મેં તો ભર યુવાનીમાં જ યુવાની પર માતમ કરી લીધો. (શું શાયર યુવાનીના દિવસો નહીં જોઇ શકયા હોય!)
તુઝે અય તાઇ રે- શાખે-નશેમન! કયા ખબર ઇસ કી?

કભી સૈયાદ કો ભી મહેરબાં કહેના હી પડતા હૈ
ડાળ પરના માળામાં રહેતા અબુધ પંખી! કયારેય એવો વખત પણ આવે છે કે શિકારીને પણ માળી કહેવો પડે છે. એ વિશે તને શું ખબર પડે!
વહાં તક રાઝે-સરબસ્તા રહી જબ તક રહી દિલ મેં,
ઝરા આઇ ઝુબાં તક ઔર કહાં તક બાત જા પહુંચી!

રહસ્ય જયાં સુધી હૃદયમાં રહ્યું ત્યાં સુધી એ ખાનગી જ રહ્યું. પણ જયાં આ રહસ્ય બોલતું થઇ ગયું ત્યાર પછી તો આ રહસ્ય કયાંનું કયાં પહોંચી ગયું.

રેહમત ને મેરા જઝબ-એ-ઇખ્લાસ દેખ કર,
સારે ગુમરાહ કર દિયે શામિલ સવાલ મેં
મારી નિષ્કપટ ભાવનાને જોઇને ઇશ્ર્વરે મારા બધા જ ગુનાઓને પુણ્યના ખાતામાં જમા કરાવી દીધા.

યહ દોસ્તોં કા રવૈયા, યહ દુશ્મનોં કા સુલૂક, જો મુઝ સે પૂછો તો દોનો મેં કોઇ ફર્ક નહીં.

આ મિત્રોનું આચરણ અને આ દુશ્મનોનો વર્તાવ- આ બન્ને વિશે મને પૂછો તો બન્નેમાં મને કોઇ તફાવત જણાતો નથી.

યે કયા તિલિસ્મ હૈ કિ તેરી જલ્વાગાહ મેં,

નઝદીક આ સકૂં ન કહીં દૂર જા સકૂં,

(મારા પર) આ કેવો જાદુ પથરાયો છે કે તારા (ઇશ્ર્વરના? કે પ્રેયસીના?) દર્શન-સ્થળની નજીક હું જઇ નથી શકતો કે નથી ત્યાંથી દૂર જઇ શકતો!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…