વીક એન્ડ

મતદાન પછી રાજુ રદીને શું જોઇએ છે?

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

‘ગિરધરલાલ, જાગ્યા કે નહીં?’

આજે જાગવા માટે એલાર્મનું કામ રાધારાણીને બદલે રાજુ રદીએ કર્યું. ‘બોલ, રાજુ.. સવાર સવારમાં કયું આભ તૂટી પડ્યું કે તે મને યાદ કર્યો? મારી પાસે સુદર્શન ચક્ર નથી કે હું કોઇનો વધ કરવા જઉં . મારી પાસે ગરૂડ પણ નથી કે ગજેન્દ્રમોક્ષ કરવા પ્રસ્થાન કરૂં.’ મેં નારાજગી વ્યક્ત કરી.મારી ઊંઘમાં રાધારાણી વિક્ષેપ કરે તો એકાદું નિંદ્રાયુદ્ધ ખેલી નાખું તો રાજુ રદી કંઇ વિસાતમાં છે? ‘તમે તો નારાજ થઇ ગયા.’ રાજુ મારી નારાજગી પામી ગયો. ના, ના.આવ, આવ રાજુ.’ મેં આવા ચિટડુ અતિથિ એવા રાજુને અણગમતો આવકાર આપ્યો. જો કે, રાજુ મારા આવકારા કે જાકારાની પરવા કરે તેવો નથી. ‘ગિરધરલાલ સ્નાનાદિક ક્રિયા પતી ગઇ હોય તો મતદાન કરી આવીએ.’ રાજુએ જાણે વોટરપાર્કમાં સૈરસપાટા કરવા જવાનું હોય તેમ ઓફર મુકી. ‘રાજુ, હું પરણેલો છું. અમારે મતદાન કરવા પણ સજોડે જવાનું હોય. રાધારાણી મતદાન કરતાં પણ અગત્યના કામકાજથી પરવારશે એટલે અમે કોઇની જીતની લીડ વધારી આવીશું કે પરાજયની સરસાઇ પાતળી કરી આવીશું’ મેં રાજુને મેં પરણેલાની મજબૂરી જણાવી. ‘ગિરધરલાલ, ચૂંટણી આયોગ ભર ઉનાળે ચૂંટણી કરાવે.

મતદાર, ઉમેદવાર, ચૂંટણી સ્ટાફ, એજન્ટ રૂમાલથી પરસેવો લૂંછતા લૂંછતા ચૂંટણી કરાવે . નવા પ્રયોગ તરીકે મહિલા સંચાલિત સખી મતદાન મથક બનાવે એ આનંદની વાત છે, પરંતુ શ્રાવણ માસમાં બરફના શિવ લિંગ કે બાબા અમરનાથ બનાવવામાં આવે છે તેમ બરફમાંથી મતદાન મથક બનાવીને મતદાર, સ્ટાફ , ઉમેદવારને ઠંડક ન આપી શકાય?’ રાજુએ નવો આઇડિયા રજૂ કર્યો. ‘રાજુ, મતદાન માટે જે શાહી વાપરવામાં આવે છે તેમાં પણ મહિલાઓ મતદારોએ આપત્તિ દર્જ કરાવી છે. એક તો કલરની વેરાઇટી જ મળતી નથી. આપણી પાર્ટીનો રંગ કેસરી હોય તો સાઇકલ, સચિવાલય, નેઇમ પ્લેટની જેમ શાહીનો રંગ કેસરી કે ગુલાબી કેમ નહીં? લોકશાહી પર્વને બ્લુ કલર શોભે ખરો?આમાં પણ કલર પ્રેફરન્સ આપવાની જરૂર છે’ અમે કલર ક્રાંતિ સૂચવી. ‘ગિરધરલાલ મતદાને તમે શું માનો છો?. ‘રાજુ, મતદાન એ મતદારોનું બ્રહ્માસ્ત્ર છે. જેની મદદથી અહિંસક રીતે સત્તા પરિવર્તન થઇ શકે.

ભલભલા ફુગ્ગાની હવા કાઢી શકાય.પ્રત્યેક નાગરિકે મતદાન અવશ્ય કરવું જોઇએ. મતદાન કરતી સમયે પક્ષ, ઉમેદવાર, પક્ષનો ચૂંટણી ઢંઢેરો વગેરે ચકાસીને મત આપવો જોઇએ. ઉમેદવારની નાતિ ,જાતિ, ધર્મને આધારે મત ન આપવો જોઇએ.’ મેં મતદાન સંહિતા કહી. ‘મતદાન વધારવા માટે ચૂંટણી આયોગ ઝુંબશ ચલાવે છે, પરંતુ, મતદાનની ટકાવારી તો વધતી નથી.’ રાજુએ ફરિયાદના ટોનમાં કહ્યું. ‘રાજુ, મતદાન સ્વયંભૂ થવું જોઇએ. મતદાન કર્યા પછી આંગળીએ કરેલ શાહીનું નિશાન જોઇ મોલ, વેપારી , દુકાનદાર, હોટલ રેસ્ટોરન્ટ, થિયેટર લાલચનું ગાજર લટકાવે છે. એ મતાધિકારની પવિત્ર ફરજને ભ્રષ્ટ કરવા બરાબર છે. જો છાશનું પેકેટ પંદર રૂપિયાનું હોય અને મતદાન કરનારને એક દિવસ દસ રૂપિયામાં છાશ મળે તો જ ઘડો ભરીને છાશ પીશે? ડિસ્કાઉન્ટ મળશે તો જ ચીજવસ્તુ લઇ શકશે?

આ પ્રવૃતિ મતદાનની ટકાવારી વધારવા માટે પ્રોત્સાહન નથી પરંતુ, ધંધો વધારવાની યુક્તિ પ્રયુક્તિ છે. જેને મતદાનના રૂપાળા નામ સાથે જોડી દેવામાં આવે છે!’ મે આક્રોશ સાથે સત્ય ઉછાળ્યું. ‘ગિરધરલાલ, ધંધાને પ્રોત્સાહન આપવા મોલમાં બે ટકાથી દસ ટકા ડિસ્કાઇન્ટ આખું વરસ આપવામાં આવે છે. એક્સપાયર થવાનો બેત્રણ દિવસ બાકી હોય તેવા કોલ્ડ ડ્રિંકસની એક બોટલ પર બીજી બોટલ ફ્રી આપવામાં આવે છે. ઘણીવાર બે શર્ટ ખરીદી પર ત્રીજો શર્ટ ફ્રી આપવામાં આવે છે.

તહેવાર પર વધુ ડિસ્કાઉન્ટના નામે ગ્રાહકને ઉલ્લુ બનાવી લૂંટવાની જાકુબી થાય છે. કેરળમાં હોમ મેઇડ લિકરની એક બોટલની ખરીદી પર સાત બોટલ ફ્રી આપવામાં આવે છે.’ રાજુએ બિઝનેસ પ્રમોશનની પોલ ખોલી. ‘રાજુ, અમારા જમાનામાં મતદાન વધારવા આવા ગાજર અમારી આગળ લટકાવવામાં આવતા ન હતા. કોઇ ઉમેદવાર મતદારને મતદાન મથકે ઘોડાગાડી કે રિક્ષાની સુવિધા આપે તો ચૂંટણીના તંત્રવાહકો કરપ્ટ પ્રેકટિસ હેઠળ કડક કાર્યવાહી કરતા હતા. અત્યારે તો મતદારોને મતદાન મથકે છાશ પિવડાવવામાં આવે છે. મતદારને આવી લાલચ શા માટે આપવી જોઇએ?’મે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો. ‘ગિરધરલાલ, મતદાન કરીને મફતમાં સોડા પીવા, ડિસ્કાઉન્ટેડ ઢોંસા ખાવા, હેર કટ કરાવવા, બ્લડ ટેસ્ટ કરાવવા , સ્ટેશનરી ખરીદવામાં મને રસ નથી’. વિપક્ષના નેતા પક્ષપલટો કરે અને વિપક્ષને ઝાટકો લાગે તેમ મફતિયા રાજુએ મને ઝાટકો આપ્યો. ‘ કેમ, રાજુ? સ્મશાન વૈરાગ્યનું કોઇ કારણ? ‘ગિરધરલાલ, અમે હેલીના માણસ છીએ મફતની ચીજોનું માવઠું નહીં ફાવે. આંગળા ચાટવાથી પેટ ન ભરાય. લોકશાહીનો પ્રસાદ હથેળીમાં ન શોભે. અમારે રસકૂડા ગટગટાવા છે. અમને વાંચ્યા અધિકારીની જેમ કટકી નહીં કટકામાં રસ છે’રાજુએ ધીરે ધીરે મહોબબ્તની જેમ રંગ દેખાડ્યો, ‘રાજુ તારી કંઇ ખ્વાહિશ અધૂરી છે?’ અમે ઉત્સુકતાથી પૂછયું. ‘ગિરધરલાલ , અમે મતદાન કરેલી આંગળીનું શાહીનું ટપકું કોઇ જવેલરને કોહિનૂર હીરોની જેમ પ્રદર્શિત કરીએ અને અમને પ્રોત્સાહનરૂપે સોનાનો સિક્કો, સોનાનું બિસ્કીટ અને આગળ વધીને સોનાની ઇંટ કે સોનાની પાટ આપે એવી અમારી ડેમોક્રેટિક ખ્વાહિશ છે!’ રાજુએ છાતી સરસા રાખેલા કાર્ડ ઓપન કર્યા. અમને કોરોના દરમિયાન કોવિશીલ્ડ રસી લેવાની આડઅસર રૂપે નહીં પણ રાજુની મહેચ્છાને લીધે હાર્ટએટેક આવતા જરામાં રહી ગયો!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…