‘રેડોન્ડા’… આ તે ટાપુ કે દેશ?
એન્ટિગુઆ અને બાર્બુડા કેરેબિયન દેશો ગણાય છે. કેરેબિયન દેશોમાં વિવિધ ટાપુઓનો સમાવેશ થાય છે. રેડોન્ડા આવો જ એક ટાપુ છે, પણ આ ‘ટાપુ ભાઈ’ની છટા અલગ જ લેવલની છે. રેડોન્ડા માત્ર દોઢ કિલોમીટર લાંબો અને અડધો કિલોમીટર પહોળો ટાપુ છે. અહીં ચારે તરફ દરિયો છે અને વરસાદ સિવાય પીવાના પાણીનો કોઈ કુદરતી સ્રોત ઉપલબ્ધ નથી
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
તમે ‘રેડોન્ડા’ નામના દેશનું નામ સાંભળ્યું છે? નથી સાંભળ્યું? કંઈ વાંધો નહિ. કદાચ તમે એટલાન્ટિયમનું નામ તો સાંભળ્યું જ હશે. અથવા પછી ‘સ્નેક હિલ’ અથવા ‘આઈલેન્ડિયા’? છોડો, એ બધા દેશોને, ‘કુગલમુગલ’ જેવું નામ ધરાવતા મસ્ત મજાના દેશનો પ્રવાસ તો કદાચ તમે કર્યો જ હશે!
ઓકે… ઓકે, આ લખનારને પાકી ખબર છે, કે ઉપર લખ્યા એમાંથી એક્કેય ‘દેશ’માં જવાનું તો ઠીક, તમે એનું નામ સુધ્ધાં નથી સાંભળ્યું! કેમકે એ દેશ છે જ એવા. હકીકતે આ કોઈ ‘દેશ’ નહિ પણ ‘સૂક્ષ્મ દેશ’, એટલે કે ‘માઈક્રો નેશન’ તરીકે ઓળખાતા પ્રદેશ છે. આ એવા ટચૂકડા પ્રદેશો છે , જે મુંબઈના એકાદ પરા કરતાંય નાનો વિસ્તાર ધરાવે છે ! આમ છતાં એમને સાર્વભૌમ દેશ’ તરીકે ઓળખાવાની ભારે ઘેલછા છે.
એન્ટિગુઆ અને બાર્બુડા કેરેબિયન દેશો ગણાય છે.
કેરેબિયન દેશોમાં વિવિધ ટાપુઓનો સમાવેશ થાય છે. રેડોન્ડા આવો જ એક ટાપુ છે, પણ આ ‘ટાપુ ભાઈ’ની છટા અલગ જ
લેવલની છે. રેડોન્ડા માત્ર દોઢ કિલોમીટર લાંબો અને અડધો કિલોમીટર પહોળો ટાપુ છે. અહીં ચારે તરફ દરિયો છે અને વરસાદ સિવાય પીવાના પાણીનો કોઈ કુદરતી સ્રોત ઉપલબ્ધ નથી. સીધી સી બાત હૈ કી પીવાના પાણી વિના કોઈ ભૂપોભાઈ આ ટાપુ પર વસવાટ કરવા ન જાય. અહીંની જમીન મોટે ભાગે ઢાળવાળી અને ખડકાળ છે.
ટાપુના શિખર તરફ નાનું અમથું મેદાન જેવું છે, જ્યાં થોડું ઘણું ઘાસ ઊગે છે, પણ ખાટલે મોટી ખોડ એ છે કે આ ટાપુ પર
જવા માટે કોઈ ભાગ્યે જ કોઈ ઉપાય છે! સમુદ્ર તદ્દન શાંત
હોય, તો જ કોઈ શિપ ત્યાં લાંગરી શકે એવો એનો કિનારો છે. વળી બીજી મહત્ત્વની વાત એમ છે કે આખો ટાપુ ચારે તરફથી ખડકાળ ઢાળ ધરાવે છે એટલે સામાન્ય માણસો માટે ટાપુના
શિખરે આવેલા પેલા ઘાસિયા મેદાન સુધી પહોંચવું લગભગ
અશક્ય છે. આ ટાપુના આટલા બધા ‘વખાણ’ સાંભળ્યા પછી ભાગ્યે જ કોઈ એવું હશે, જે ત્યાં પ્રવાસે જવા માંગતું હોય. ઊલટાનું મોટા ભાગના લોકો માનતા હશે કે આવા દુર્ગમ ટાપુ હોય તો ય શું, અને ન હોય તો ય શું! આપણને શો ફેર પડે? ના, સાવ એવું નથી. કેટલાક લોકોને ફેર પડે છે. તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે ઇતિહાસમાં આ નિર્જન, દુર્ગમ એવા ટચૂકડા ટાપુને સાર્વભૌમ દેશ’ તરીકેની માન્યતા અપાવવાના (નિષ્ફળ) પ્રયાસો થઇ ચૂક્યા છે. આ સમજવા થોડું ફ્લેશબેકમાં જવું પડે એમ છે.
ઇતિહાસની અમુક વાત-ઘટના સમજવા માટે તમારે ઉતાવળા થઈને ધારણાઓ બાંધવાને બદલે જે-તે સમયકાળની ઘટનાઓને સમજવી પડે. ક્યારેક તો એવું ય બને, કે આજે જે દ્રશ્ય નજર સામે દેખાઈ રહ્યું હોય, એના તાણાવાણા પાછલી સદીઓમાં ક્યાંક વણાયેલા નીકળે!
૧૭૫૦ થી ૧૮૫૦ દરમિયાન બ્રિટન, અમેરિકા અને બીજા યુરોપિયન દેશોમાં વિવિધ ફેક્ટરી સ્થપાવા માંડી, પણ આ સમયગાળા દરમિયાન બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે ચાલેલી લડાઈને પગલે અમેરિકી દરિયાઈ માર્ગો પર ખાસ્સી અસર પડી. ઉપરાંત અમેરિકી મૂળનિવાસીઓ અને ફોરેનર્સ વચ્ચેના ૧૮૧૨ના યુદ્ધને કારણે અમેરિકી જળમાર્ગો પર ખાસ્સી અસર થઇ.
લગભગ આખી અમેરિકી કોસ્ટલાઈન બ્લોક થઇ ગઈ. બીજી તરફ ઔદ્યોગિક ક્રાંતિને પગલે શહેરો ઉપર વસતિનો બોજો વધી રહ્યો હતો. જેમને વધુને વધુ ખોરાકની જરૂર હતી. અહીં પક્ષીઓ મદદે આવ્યા! થયું એવું કે માછલીઓ ખાઈને જીવતા દરિયાઈ પક્ષીઓ જે વિષ્ટા વિસર્જિત કરે, એમાં ખેતીમાં કામ લાગે એવા ફળદ્રુપ તત્ત્વો હોવાની જાણ લોકોને થવા માંડી.
દરિયાની વચ્ચે આવેલા અનેક નિર્જન ટાપુઓ પર દરિયાઈ પક્ષીઓની આવી ફળદ્રુપ હગારના મોટા ઢગલા હતા. ઓછા વરસાદને કારણે ટાપુઓ પર પડેલી વિષ્ટા દરિયામાં જવાને બદલે વર્ષોવર્ષ ત્યાં જ એકઠી થતી ગઈ. આ વિષ્ટા ‘ગુઆનો’ તરીકે ઓળખાતી.
૧૮૫૦ આવતા સુધીમાં તો અમેરિકામાં ગુઆનોની જબરદસ્ત માંગ નીકળી. ૧૮૬૫ થી ૧૯૧૨ વચ્ચે રેડોન્ડા આઈલેન્ડ પણ ગુઆનોના કસદાર વેપારનું મથક બની ચૂક્યો હતો. કોઈ પ્રદેશ ગમે એટલો દુર્ગમ હોય, પણ ત્યાંથી સિક્કાનો ખણખણાટ સંભળાવાની શરૂઆત થાય એટલે કાળા માથાનો માનવી ગમે એમ કરીને ત્યાં પહોંચી જ જાય. ૧૮૬૫ થી ૧૯૧૨ની વચ્ચે ઘણા લોકોને એવાં
સપનાં આવવા માંડ્યા, કે રેડોન્ડાને એક સાર્વભૌમ દેશ
ઘોષિત કરી દઈએ! સ્વાભાવિક છે કે આ લોકો એક નવો દેશ બનાવીને એના પર કબજા દ્વારા ગુઆનોનો વેપાર કબજે કરવા માંગતા હતા, પણ ઇતિહાસ કહે છે કે આમાંથી કોઈની કારી
ફાવી નહિ. જો કે મેથ્યુ ફિલીપ શીલ નામના એક સુપર નેચરલ અને હોરર કથાઓના લેખક કંઈક જુદો જ દાવો કરતા! ૧૮૬૫માં જન્મેલા બ્રિટિશ લેખક મહાશયનો દાવો હતો કે એમના મર્હુમ
પિતાશ્રીએ ઓગણીસમી સદી દરમિયાન એક સાર્વભૌમ દેશ તરીકે રેડોન્ડાની સ્થાપના કરી દીધેલી! જો કે, ઇતિહાસકારો એ વિશે શંકાશીલ છે.
એ સમયે બહુધા લોકોનું માનવું હતું કે હોરર અને રહસ્યમય કથાઓ લખવામાં મહારથ ધરાવનાર એમ. પી. શીલ પોતાની વાર્તાનો પ્લોટ ઘડતો હોય એ રીતે રેડોન્ડાના સાર્વભૌમત્વ અંગેની પાયાવિહોણી સ્ટોરી ઘડી રહ્યો છે.
બીજી તરફ ખૂબીની વાત એ છે કે આજની તારીખે ય ઘણા લોકો ટચૂકડા રેડોન્ડા ટાપુને એક સ્વતંત્ર સાર્વભૌમ દેશ ગણી રહ્યા છે. ૨૦૧૯માં જોસ જુઆન નામના એક માણસને અહીંનો
‘રાજા’ જાહેર કરાયો છે. (‘રાજા’ બનવાની રેસમાં કેટલાક
બીજા લોકો પણ સામેલ હતા!) રેડોન્ડાને પોતાનો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત પણ છે. એ બધું તો ઠીક, પણ પોતીકું રાષ્ટ્રીય
સૂત્ર ‘Floreat Redonda’ પણ છે, જેનો અર્થ થાય ‘રેડોન્ડાને ખીલવા દો.’
ખાટલે મોટી ખોડ એક જ છે કે રેડોન્ડા પાસે પ્રતીકાત્મક રીતે બધું જ છે, માત્ર ‘વસતિ’ નથી. ખુદ રાજા પણ આ નિર્જન-દુર્ગમ ટાપુ પર નથી રહેતો! તો પછી રાજા કરે છે શું? સિમ્પલ… રેડોન્ડાના ‘સમાજ’માંથી ચૂંટેલા લોકોને જુદા જુદા રજવાડી ટાઈટલ્સની નવાજેશ કરે છે. દોઢ કિલોમીટર લાંબા અને અડધો કિલોમીટર પહોળા દેશનો રાજા બીજું કરે ય શું? રેડોન્ડા સહિત લેખની શરૂઆતમાં જેનો ઉલ્લેખ કરેલો એવા એટલાન્ટિયમ, સ્નેક હિલ, આઈલેન્ડિયા અને કુગલમુગલ જેવા વિચિત્ર નામ ધરાવતા માઈક્રો નેશન્સની રસપ્રદ વાત ફરી ક્યારેક.