હવે કરશું પંચાત…
મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
ગુજરાતમાં સાવ પૂરું અને મહારાષ્ટ્રમાં ત્રીજા ચરણનું મતદાન પૂરું થયું. હવે જામશે પંચાતના ઓટલા. સાંજે છ વાગે હજુ તો મતદાન પૂરું થયું ત્યાં પાનના ગલે કે ચાની ટપરી ઉપર તમને શબ્દો સાંભળવા મળે : હું નહોતો કે તો ઓછું મતદાન થશે આપણું આજ સુધીમાં ક્યારેય ખોટું પડ્યું નથી.’
અરે, અડધા આંટાની મોટર, આધારકાર્ડના હુબહુ ફોટા જેવો લાગશ,તું બહુ મોટું નામ કમાઈશ તેવું તારા જન્મતાવેત તારી કુંડળી જોઈ અને પોપટ જ્યોતિષે કહ્યું હતું એ પણ ખોટો પડ્યો છે.
પહેલાના જમાનામાં જેને પંચાતિયા કહેવાતા તેને આધુનિક રાજકીય વિશ્ર્વમાં રાજકીય વિશ્ર્લેષક,પોલિટિકલ એનાલિસ્ટ વિગેરે જેવા ભારેખમ નામથી શણગારવામાં આવે છે.આપણે એને પૂછીએ કે ચાલો, ઓછું મતદાન થયું તો કયા પક્ષને ફાયદો થશે? તો તરત જ કહેશે: ‘હજુ વોર્ડ વાઈઝ મતદાનના આંકડા આવવા દો પછી હું તમને કહીશ કે કોણ કેટલી લીડથી જીતશે.’ આટલી વાત કરતા તો એ ઉધારમાં બે બીડી પી ગયો હોય.
અમુક લોકોને તો ઘરની બહાર કાઢ્યા જેવા ન હોય. ઉધારીને કારણે ઉકરડા સોંસરવો શેરી ગલી બદલતો એ નીકળતો હોય, પરંતુ ચૂંટણી ટાણે કોઈ પણ પક્ષના કાર્યાલયમાં ગોઠવાઈ જાય અને યથાશક્તિ ફાળો પણ મેળવી અને જૂની ઉઘરાણી પૂરી કરતા ફાકા ફોજદારી કરતો હોય.
માત્ર પુરુષો જ પંચાયત કરે છે એવું નથી. અમારી સોસાયટીના મહિલા મંડળમાં સાંજે એક પક્ષને પટાવી અને તમારા તરફી મતદાન કર્યું છે તો નાસ્તા -પાણીની વ્યવસ્થા તમારે કરવાની રાત્રે અમે જમવાનું નહીં બનાવીએ એટલે ટૂંકમાં નાસ્તો પણ એવો જોઈએ કે જમવાની જગ્યાએ ચાલે.વળી ઘરના માટે ટિફિનની વ્યવસ્થા પણ કરવાની એવી શરતે પંચાત ચાલુ થઈ હતી. તેમાં પણ આજે બહેનોએ સામૂહિક આંગળીઓનો ફોટો પડાવ્યો કુંડાળું વળી અને હાથ બહાર કાઢી ડાબા હાથની પહેલી આંગળી વર્તુળમાં ગોઠવી અને ચી…ઝ… ’ બોલી અને ફોટો પડાવ્યો.મને એમ થયું કે આમાં ક્યાં હસતા મોઢા આવવાના છે. આમાં તો જુદા જુદા નાના,મોટા, વધેલા,મેલવાળા,અડધા તૂટેલા નખ ઉપરથી કોના ઘરવાળા છે તે જ ઓળખવાનું છે.
તેમાં પણ ચીબાવલી (એ તો શેરીના બૈરાઓના મતે) બાકી પુરુષોને પૂછો તો સ્માર્ટ એવી જુલીએ મતદાનનું નિશાન દેખાડીને કહ્યું કે ‘આજે હું પિંક ડ્રેસ પહેરીને ગઈ હતી એટલે મેં તો કહી દીધું કે તમારી આ કાળી શાહી નહીં ચાલે પિંક હોય તો લગાડી દો અને તો જ હું મતદાન કરું પછી તો શું પોલિંગ ઓફિસરથી માંડી અને પક્ષના કાર્યકરો સુધી દોડાદોડ થઈ ગઈ. મારા માટે ઠંડું મંગાવ્યું.એસીમાં બેસાડી એકાદ કલાક પછી પિંક કલરની શાહી મારી આંગળી એ ડિઝાઇનર લાઈન કરી અને મતદાન કર્યું.’ આટલું સાંભળી અને તમામ બૈરાઓએ લાંબા ટૂંકા જાડા રેલાયેલા ફેલાયેલા કાળા ટપકાઓ સંતાડ્યા અને મોઢા વાંકાચુકા કરી અને ઈશારાથી અંદરો અંદર કંઈક કેટલાં વાક્યોની આપ -લે કરી. જો કે જુલીની કોમ્પિટિટર રસીલા એ તો તરત કહ્યું કે ‘આજે તું ક્યાં મત દેવા ગઈ છે? આ તો ગુલાબી કલરની નેઈલ પોલિસ છે’.
છેલ્લા દડામાં છ રનની જરૂર હોય અને કાયમ પહેલા દડે આઉટ થતો બોલર સ્ટ્રાઈકમાં હોય પરંતુ આંખ બંધ કરી અને બેટ વીંજે અને દડો ૬ રન માટે સ્ટેડિયમ તરફ જાય ત્યારે જે આનંદ ટીમમાં પ્રસરે એવો આનંદ તમામ દેશી – અર્ધ દેશી બૈરાઓમાં ફેલાઈ ગયો. જો કે અમે પુરુષો જૂલીને એમને એમ સ્માર્ટ નથી કહેતા એણે તરત જ ફેરવી તોળ્યું કે ‘હું તો મજાક કરતી હતી. મેં તો અઠવાડિયા પહેલા જ બેલેટ પેપરથી મત આપ્યો છે મને રસાયણિક શાહીની એલર્જી છે’.
જુલીની આ દલીલ સાંભળીને ફરી જીતી ગયા પરંતુ કવોલિફાય ન થયા હોય તેવી હાલત મહિલા મંડળની થઈ.
પછી તો મહિલા મંડળ આ પ્રચારના દિવસોમાં કઈ રીતે પ્રચાર કર્યો,કેટલા દિવસ રસોડે રજા રાખી, પક્ષ તરફથી શું શું મેનુ હતું, એમને કઈ રીતે સાચવ્યા આ બધી વાતો ચાલી.
કલર પરથી યાદ આવ્યું કે નોટબંધી પછી દુ:ખી દુ:ખી થતી બહેનો નવા નવા કલરની ચલણી નોટો બજારમાં મુકાઈ તેનાથી ખૂબ ખુશ થઈ હતી. આરપાર દેખાય તેવા પાકીટ લઈ તેમાં જે કલર નો ડ્રેસ કે સાડી પહેરી હોય તે કલરની નોટો બહાર દેખાય તે રીતે પર્સ ઉપાડી અને લેવા જવાનું હોય માત્ર એક કોથમીરની ડાળખી પરંતુ વાયા શોપિંગ મોલમાં બે કલાક ગાળી અને કોથમીર કરતાં મોંઘા ભાવનો મેકઅપ કરી સોસાયટી આખી જુએ તેમ મલપતી ચાલે નીકળે,કોણ કોણ જ્વલનશિલ સ્વભાવ ધરાવે છે એના ઘર પાસે ખોંખારો ખાઈ, અને જો તેમ પણ ધ્યાન ના પડે તો બારણું ખખડાવી અને અહીંથી નીકળી હતી તો એમ થયું કે પાણીનો ગ્લાસ પીતી જાવ કહી અને જ્યાં સુધી સામાવાળાના ચહેરાની રેખાઓ ન બદલાય ત્યાં સુધી વાતો કરી પોતાનો ગોલ સિદ્ધ કરે પછી જ ત્યાંથી આગળ જાય.
ખરેખર વડા પ્રધાનશ્રીએ બહેનોની વાત ખૂબ માની છે.કલરે કલરની ચલણી નોટો આપી અને એમને ખુશ કરી દીધા છે.અને આ જ વાત મતદાનમાં પણ અસરકર્તા રહે છે તેવું અમારો ચુનિયો કહે છે.
બે અલગ અલગ પક્ષના કાર્યકરો કોઈ એક ગલ્લે ભેગા થાય ત્યારે પોતાના પક્ષે એને કઈ રીતે સાચવ્યો તેની ફાંકા ફોજદારી ચાલુ થાય. ગાંઠીયા જલેબીથી ચાલુ થયેલો નાસ્તો સુકા મેવાની ખીચડીના સાંજના જમણ, વાળુ સુધી ચર્ચાય. જો કે આ ચર્ચા સાંભળ્યા પછી એક વાત નક્કી છે કે એક વખત હતો અડધી ચા અને ૫૦ ગ્રામ ગાંઠિયા ખાઈ અને કાર્યકર તનતોડ મહેનત કરતો. પરંતુ હવે પાક્કો નાસ્તો ગાંઠિયા, જલેબી, પૌવા, આલુ પરોઠા, દહીં થેપલા,જેવી ચાર પાંચ નાસ્તાની આઈટમ રાખવી પડે. જમવામાં પૂરી શાક થી ચલાવી લેતા જૂના કાર્યકરો પણ હવે બે સબ્જી,દાલ ફ્રાય, નાન, પરોઠા, જીરા રાઈસ સલાડ અને છેલ્લે આઈસક્રીમ મેનુમાં ન હોય તો તેનો પ્રચાર કરતા નથી.
મજા તો ત્યારે આવે છે જ્યારે જૂના કાર્યકરો આખા દિવસનું કાર્ય કરી સાંજે થાક્યા પાક્યા ચાની ટપરી ઉપર પક્ષના ખાતે અડધી ચા પીવા આવે ત્યારે નવા આવેલા,વિપક્ષની ભેટ જેવા પેરાશૂટ ઉમેદવારના અંગત કાર્યકરો રોકડાની થપ્પી કાઢી ખેરાત બાંટતા હોય તેમ બે બે ચા ઠપકારી જાય.અને આ જૂના કાર્યકરને પણ અડધી પા’જો એવું કહેતા જાય ત્યારે સમસમી ગયેલો જૂના કાર્યકરના માથે એક તપેલીમાં ચા -દૂધ -મસાલો નાખી અને મૂકી દો તો તાત્કાલિક ગરમાગરમ ચા તૈયાર થઈ જાય એવી ખોપડી તપી ગઈ હોય છે.
ચાલો, હવે પૂરું કરું મારે પણ કોણ કેટલી લીડથી જીતશે તે ફાંકા ફોજદારી કરવા પાનના ગલ્લે જવાનું મોડું થાય છે.
વિચારવાયુ
એકાદ મહિના સુધી ચૂંટણીની ચર્ચા કરીશું.પછી શું કરીશું? તેની મને તો અત્યારથી ચિંતા થાય છે.