વીક એન્ડ

આજે પણ પ્રાસંગિક છે, કવિવર્ય રવીન્દ્રનાથ ટાગોર

ચૂંટણી હોય કે ન હોય પ. બંગાળ હંમેશા ચર્ચામાં રહે છે. આ જ રાજ્યમાં ૭ મે એ જન્મેલા કવિવર રવિન્દ્રનાથ ટાગોરે નોબેલ પ્રાઈઝ મેળવીને ભારતને વિશ્ર્વમાં ખ્યાતિ અપાવી હતી. તેમના વિચારો અને કાર્યો આજે પણ એટલા જ પ્રસ્તુત છે

કવર સ્ટોરી -લોકમિત્ર ગૌતમ

રવીન્દ્રનાથ ટાગોર જેમને લોકો પ્રેમથી કવિ ગુરુ કહે છે, તેમનો જન્મ ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે ૭ મે ૧૮૬૧ ના દિવસે થયો હતો, એટલે ૭ મે એમની જયંતી મનાવવામાં આવે છે, પરંતુ બંગાળી કેલેન્ડર પ્રમાણે એમનો જન્મ ‘બોઇશાખ’ (વૈશાખ) મહિનાના ૨૫મા દિવસે થયો હતો, એટલે કેટલીક વાર ૨૫ મો દિવસ ૮ મે તો ક્યારેક ૯ મે ના દિવસે આવે છે. એટલે કેટલીક વાર એમની જયંતીને લઈને ટેક્નિકલ મતભેદ ઊભા થાય છે. જો કે રવીન્દ્રનાથ ટાગોર ભારતના એકમાત્ર કવિ છે જેમને સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મળ્યો છે અને એમની આધ્યાત્મિકતા અને રહસ્યતાથી ભરપૂર કવિતાઓ માટે એ પ્રખ્યાત છે. એમને કવિતા સંગ્રહ ‘ગીતાંજલિ’ માટે નોબેલ પુરસ્કાર મળ્યો, જે આધ્યાત્મિકતા અને રહસ્યતાથી ભરપૂર આખ્યાનોવાળી કવિતાઓનો સંગ્રહ છે. એમને સાહિત્ય માટેનો પુરસ્કાર ૧૯૧૩ માં મળ્યો હતો.

પરંતુ કવિ ગુરુ ટાગોરની કોઈ એક ખૂબીની વાત કરવી અર્થહીન છે,કારણકે તેઓ એકસાથે કેટલીયે કળાઓમાં નિપુણ હતા. તેઓ જેટલા સારા કવિ હતા, એટલા જ સારા વાર્તા અને નવલકથાકાર પણ હતા. તેઓ સમાજ સુધારક, શિક્ષાવિદ અને રાજનેતાની સાથે મહાન સંગીતકાર પણ હતા. તેઓ ફક્ત પૂર્વીય દર્શનના સારા વ્યાખ્યાનકાર જ નહીં પરંતુ એમની નવી નવી સંસ્થાઓના પ્રતિપાદક પણ હતા. આમ રવીન્દ્રનાથ ટાગોર બહુમુખી પ્રતિભાના ધણી હતા. એ જ કારણ છે કે એમણે જે ક્ષેત્રમાં હાથ અજમાવ્યો ત્યાં એમની કાયમી છાપ પડી ગઈ. સૌથી મોટી વાત એ હતી કે ટાગોર વિચાર અને સંવેદનાના મામલે પોતાના સમય કરતાં ઘણા
આગળ હતા.

સાહિત્યમાં એમનું યોગદાન અજોડ છે. દુનિયા પહેલીવાર પૂર્વની આટલી રહસ્યમયી અને બહુઅર્થી વિરાટ કવિતાઓથી પરિચિત થઇ,જયારે તેમને રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિની કવિતાઓ વાંચવા મળી. તેઓ એકસાથે ઘણી ભાષાઓમાં સહજતાથી અભિવ્યક્ત કરી શકતા. એમની પકડ જેટલી બાંગ્લા પર હતી,એટલી જ સહજતાથી અંગ્રેજીમાં પણ લખી વાંચી શકતા હતા. એમણે પોતાની મોટાભાગની કવિતાઓનો અંગ્રેજીમાં પોતે જ અનુવાદ કર્યો છે.

ટાગોરનું જીવન ૧૯મી શતાબ્દીમાં વીત્યું અને ૨૦મી સદીના મધ્યથી પહેલા એમનું નિધન થઇ ગયું હતું, પરંતુ સામાજિક સંબંધ, લોકતાંત્રિક મૂલ્યોની એમનામાં જે સમજ હતી, એ ૨૦મી સદીના પ્રમાણમાં આધુનિક અને ભવિષ્યની હતી. એનાથી અંદાજો લગાવી શકાય કે એ એમના સમયથી કેટલા આગળ હતા. રવીન્દ્રનાથ ટાગોરનું મોટાભાગનું જીવન એ અરસામાં વીત્યું,જયારે દેશમાં આઝાદી માટે સંઘર્ષ ચાલતો હતો અને દેશમાં રાષ્ટ્રવાદની એક લહેર હતી. આમ છતાં રવીન્દ્રનાથ ટાગોર એમના સ્વભાવ, વિચાર અને પ્રકૃતિ પ્રમાણે રાષ્ટ્રવાદી નહીં પણ માનવતાવાદી હતા. એમની નજરે રાષ્ટ્ર ખૂબ નાની ઓળખ હતી, એનાથી પણ મોટી ઓળખ વૈશ્ર્વિકતા અને માનવતા હતી. તેઓ અંગત માનવીય સ્વતંત્રતાના હિમાયતી હતા. જયારે વિધવા વિવાહ અને બાળ વિવાહને લીધે સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો હતો, ત્યારે પણ તેમનો સ્પષ્ટ મત એમના પક્ષમાં હતો. તેઓ એ બધી ખરાબીઓની વિરુદ્ધ હતા જે ૧૯મી અને ૨૦મી શતાબ્દીમાં ભારતમાં વ્યાપ્ત હતી. એમનું સમગ્ર સાહિત્ય આ બધા કુરિવાજો ને દૂર કરવા માટેનું માધ્યમ હતું.

આ સંયોગ નથી કે રવીન્દ્રનાથ ટાગોર દુનિયાના એકમાત્ર એવા કવિ છે કે, જેમણે બે દેશોના રાષ્ટ્રગીત લખ્યા છે. ભારત સિવાય બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત પણ એમણે લખ્યું છે. જો કે વૈચારિક રીતે એમના અને મહાત્મા ગાંધી વચ્ચે મતભેદ હતા, પરંતુ ટાગોર સામાજિક સુધાર અને જાતિ સંબંધી સવાલો માટે મહાત્મા ગાંધીની સાથે હતા. એમણે એમની કવિતાઓમાં ગાંધીવાદી આંદોલનને આગળ વધારવા કાવ્યાત્મક કોશિશ કરી હતી. એમણે એમની મશહૂર કવિતા ‘ધ સેક્ધડ ટચ,’ માં ગાંધીના વિચારોને કવિતામાં ઉતારી દીધા હતા, જેમાં એ લખે છે, ‘અમને પ્રેરિત કરો કે અમે આત્મગૌરવ પર વિજય મેળવીએ’. એમણે જાતિવાદ વિરુદ્ધ પ્રખ્યાત નાટક ‘ચાંડાલિકા’ લખ્યું હતું,જેમાં એમણે અસ્પૃશ્યતાને અમાનવીય કહ્યું હતું.

મહાત્મા ગાંધીને મહાત્મા શબ્દ ટાગોરે આપ્યો છે અને રવીન્દ્રનાથ ટાગોરને કવિ ગુરુની ઉપાધિ મહાત્માએ આપી છે. આનાથી અંદાજો લગાવી શકાય કે બંને કાલાતીત વ્યક્તિઓ વચ્ચે કેટલો ઊંડો આંતરસંવાદ હતો.જો કે બંને વચ્ચે આ દ્વિ સંબંધોનો અર્થ એ નહોતો કે બંને એકબીજાની વાત આંખ બંધ કરીને માની લે. એવું નહોતું.

જયારે ગાંધીજીએ બિહારમાં આવેલ ભીષણ ભૂકંપને પ્રાંતમાં ફેલાયેલી અસ્પૃશ્યતા માટે કુદરતનો પ્રતિશોધ કહ્યું ત્યારે ટાગોર એમની આ અવૈજ્ઞાનિક પ્રતિક્રિયાથી ન માત્ર સાર્વજનિક રીતે નારાજ થયા પણ એમની ટીકા પણ કરી. છતાં પણ એમના સંબંધોમાં જરાપણ ઊણપ ન આવી.

રવીન્દ્રનાથ ટાગોર પોતાના સમય કરતાં આગળનું વ્યક્તિત્વ હતા. તેઓ અસાધારણ દાર્શનિક અને આંતરરાષ્ટ્રીયવાદી હતા. શિક્ષણને લઈને તેમની પાસે બેહદ રચનાત્મક વિચાર અને રૂપરેખા હતી, જેનું સાકાર સ્વરૂપ એટલે શાંતિનિકેતન. તેમણે શાંતિનિકેતનમાં આધુનિક શિક્ષણના વાતાવરણ અને પઠન, પાઠનના જેટલા પ્રયોગો એ સમયે કર્યા હતા, બાદમાં એ બધા પ્રયોગો દુનિયાની તમામ મહાન શિક્ષણ સંસ્થાઓમાં જોવા મળ્યા હતા. મહાત્મા ગાંધીની જેમ રવીન્દ્રનાથ પણ આઝાદીની લડાઈ અનેક મોરચે લડી રહ્યા હતા. ભલે તેમની શારીરિક હાજરી રાજનૈતિક મોરચે રહી હોય, પણ સાંસ્કૃતિક, વૈચારિક અને દાર્શનિક મોરચે પણ તેમની અંગ્રેજો સાથે સતત લડાઈ ચાલી રહી હતી.

દર્શન અને સંસ્કૃતિને લઈને તેમણે વારંવાર અંગ્રેજોને અરીસો બતાવ્યો હતો. ત્યાં સુધી કે આઈન્સ્ટાઈન સાથે પણ ભારતીયતા અને ભારતીય મૂલ્યો વિશે તેમણે લાંબી અને વિશદ ચર્ચાઓ કરી હતી. કહેવાય છે કે એક વાર આઇન્સ્ટાઇને ટાગોરને પૂછ્યું કે “શું પરમાત્મા દુનિયાથી અલગ છે?

ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, બિલકુલ નહીં. મનુષ્યનું આંતરવ્યક્તિત્વ બ્રહ્માંડને સારી રીત ઓળખે છે. ધરતી પર એવું કશુંજ નથી જેને મનુષ્યના વિરાટ વ્યક્તિત્વમાં સમાહિત ન કરી શકાય. તેઓ કહેતા કે બ્રહ્માંડનું સત્ય માનવ સત્ય છે અને પોતાના સમકાલીન વિજ્ઞાનોથી હટીને
રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદની પરિભાષા અલગ હતી.

તેઓ આંતરિક રાષ્ટ્રવાદના બિલકુલ પણ સમર્થક નહોતા. તેઓ રાષ્ટ્રને એક સંવેદનશીલ, નીતિવાન એકમ તરીકે માનતા હતા. તેઓ, ચોક્કસ આઝાદીના ચાહક હતા. તેમનું કાવ્ય હેવન ઓફ ફ્રીડમ દુનિયાની ગણી ગાંઠી એવી કવિતામાંથી એક ક્લાસિક કવિતા હતી જે આઝાદી ઉપર હોય. આ કવિતામાં તેમણે માત્ર રાજનૈતિક આઝાદીની માંગ નહોતી કરી, પરંતુ સ્વતંત્ર દ્રષ્ટિ, સ્વતંત્ર વિચાર, સ્વતંત્ર જ્ઞાન અને ભયથી મુક્ત સ્વતંત્ર ધારણાઓની માંગ કરે છે. પોતાની કવિતાના, અંતમાં તેઓ લખે છે, વિચારના ઝરણાએ તુચ્છ આચારના રણની રેતીમાં પોતાનો માર્ગ
શોધવો ન જોઈએ. જોવામાં આવે તો કવિતાના સ્વરૂપમાં રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલ આપણું રાષ્ટ્રગાન એક અનોખી અને બહુઆયામી રચના છે. તેઓ આ કાવ્યમાં ન માત્ર પ્રકૃતિને નમન કરે છે, પરંતુ એક સામાન્ય જનને લોકતંત્રના શિખર ઉપર ઊભો કરે છે.

ટાગોરમાં વિચારોની દ્રષ્ટિ ઘણી ગહન છે અને તે ભારતીયતા સાથે જોડાયેલી છે. એ જ કારણ છે કે તેમની કવિતા એક જ વખતમાં અને એક જ અર્થમાં નથી ખુલતી, તેના ઊંડાણ સુધી પહોંચવા માટે આપણે વારંવાર તેમાંથી પસાર થવું પડે છે અને તેની સાથે અંતરંગતા સાધવી પડે છે. જો ટાગોરની કવિતામાં એ બહુવિધતા ન હોત તો તેઓ પણ આઝાદી કાળના અન્ય સમકાલીન કવિઓની જેમ એક વિશેષ કાળખંડનો દસ્તાવેજ માત્ર બની રહેત. રાષ્ટ્રવાદના ભીષણ કાળમાં પણ તેમનામાં માનવતાવાદ અને આંતરરાષ્ટ્રીયવાદ એકદમ સઘન અને સુસ્પષ્ટ હતો, જેને કારણે તેઓ આજે પણ ન માત્ર પ્રાસંગિક છે, પરંતુ એ હદે મૌલિક છે કે આજે પણ તેઓ આજ કરતાં ભવિષ્યના વિચાર જેવા લાગે છે. નિશ્ર્ચિત રૂપે ટાગોર ભારતીય કાવ્ય પરંપરાના એ મહાન કવિઓમાંથી એક છે, જેઓ પોતાની પાસે હાજર સમગ્ર જ્ઞાન, દ્રષ્ટિ, દર્શન અને આશાઓ આવનાર પેઢીને સોંપે છે. તેથી તો તેઓ પોતાની અંતિમ કવિતામાં લખે છે, આજે મારી ઝોળી ખાલી છે, મારે જે આપવાનું હતું, એ બધું મેં આપી દીધું. હા, ખરેખર ટાગોરે એ બધું આપી દીધું જે ભારતની ભવિષ્યની પેઢીઓને આપવું હતું. હવે એ પછીની પેઢીની ફરજ છે કે એમના વારસાના દીપકને હંમેશાં રોશન રાખે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button