ઉંઝામાં નકલી જીરું બાદ હવે ફેક્ટરીમાંથી પકડાયો ભેળસેળયુક્ત વરિયાળીનો 12 ટન જથ્થો
ઊંઝા: ઊંઝા પંથકમાં ચાલતી કથિત નકલી જીરું અને નકલી વરિયાળી બનાવતી ફેક્ટરીઓ ધમધમી રહી છે, આ ગુપ્ત માહિતીના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મહેસાણા વર્તુળ કચેરી દ્વારા ઊંઝા તાલુકામાં ભેળસેળ વાળી વરિયાળી બનાવતી પેઢીની માહિતી મળતા તે પેઢી ની બે દિવસ સુધી રેકી કરેલ અને ત્યારબાદ માહિતીની ખાતરી થયા બાદ ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ દરમ્યાન ઊંઝા તાલુકામાં આવેલ “મે. શ્રી વિષ્ણુ ટ્રેડર્સ, મ્યુ સે. ન-1/10/43, એસ. એલોનની પાછળ, હાઈ વે રોડ, તા. ઊંઝા, જિ. મહેસાણા ખાતે તપાસ દરમિયાન ફેક્ટરીમાં હાજર વ્યક્તિ રાજપૂત નારણસિંહ પહાડજી દ્વારા તેઓ પોતે પેઢીના જાતે માલિક હોવાનું જણાવતાં, તેઓની હાજરીમાં ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
ફેક્ટરીમાં જોવા મળેલ અખાદ્ય લીલો કલર અને વરિયાળીના આધારે વરીયાળીનો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ લાગતાં ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા કુલ 2 (બે) નમૂના, 1) વરિયાળી (લુઝ) અને 2) અખાદ્ય લીલો કલર (લુઝ) પૃથક્કરણ સારૂં વેચાણ લેવામાં આવેલ. જ્યારે બાકી રહેલ આશરે 12 ટન જથ્થો કે જેની કિંમત રૂ. 12 લાખથી વધુ થવા જાય છે તે તમામ જથ્થો જપ્ત કરવામાં આવેલ છે.
આ તમામ ઉપરોક્ત નમુના લેબોરેટરી ટેસ્ટિગ માટે મોકલી આપવામાં આવેલ છે. આ નમૂનાના લેબોરેટરી ટેસ્ટિગ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસર ની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.