નવા હેડ-કોચની નિયુક્તિ: બીસીસીઆઇ હવે કઈ ભૂલ નહીં કરે?
મુંબઈ: છ મહિના પહેલાં એવું બન્યું હતું જેને બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ની નાનકડી ભૂલ કહી શકાય. જોકે ક્રિકેટ બોર્ડ હવે એ ભૂલનું પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખશે એવું માની શકાય.
બીસીસીઆઇ ટીમ ઇન્ડિયા માટે નવા હેડ-કોચની તલાશમાં છે. આગામી પહેલી જૂને અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપ પહેલાં જ બોર્ડ દ્વારા નવા હેડ-કોચ માટેની અરજીઓ મગાવવામાં આવશે. બૅટિંગ-લેજન્ડ રાહુલ દ્રવિડ હાલમાં ટીમનો હેડ-કોચ છે, પરંતુ તેની મુદત આગામી ટી-20 વિશ્ર્વકપ સુધીની જ છે. જોકે ક્રિકેટ બોર્ડ નવી નિયુક્તિ માટે જે અરજીઓ મગાવશે એમાં દ્રવિડ પોતે પણ એ હોદ્દા માટે ફરી અરજી કરી શકશે.
ગયા નવેમ્બરના વન-ડે વર્લ્ડ કપ બાદ રાહુલ દ્રવિડે આગામી ટી-20 વર્લ્ડ કપ સુધી ટીમ ઇન્ડિયાના હેડ-કોચ બની રહેવાની તૈયારી બતાવી હતી. જોકે બન્યું એવું કે ત્યારે વન-ડેનો વર્લ્ડ કપ હજી પૂરો થયો ત્યાં આઇપીએલ માટેની પ્લેયર્સ-ઑક્શન સહિતની પૂર્વતૈયારીઓ શરૂ થઈ ગઈ હતી એટલે ટીમ ઇન્ડિયાના નવા હેડ-કોચ શોધવા માટે બહુ ઓછો સમય હતો, પરંતુ હવે બીસીસીઆઇ એ ભૂલ ફરી ન થાય એની તકેદારી રાખશે અને ટી-20 વર્લ્ડ કપ પહેલાં જ (ખેલાડીઓ અમેરિકા જવા રવાના થાય એ પહેલાં જ) અરજીઓ મગાવશે કે જેથી વર્લ્ડ કપ બાદ તરત જ દ્રવિડ પછીના નવા હેડ-કોચ પોતાનો અખત્યાર સંભાળી શકે. જોકે ખુદ દ્રવિડ ઇચ્છશે તો નવી મુદત માટે અરજી કરી શકશે.
બીસીસીઆઇ હવે ત્રણ વર્ષના લાંબા ગાળા માટે હેડ-કોચ નીમવા માગે છે. આ જાણકારી બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે ગુરુવારે પત્રકાર પરિષદ વખતે આપી હતી જેમાં તેમણે કહ્યું કે ‘અમે થોડા જ દિવસમાં નવા હેડ-કોચ માટેની ઍપ્લિકેશન્સ મગાવીશું. દ્રવિડની મુદત આગામી જૂન મહિનામાં પૂરી થશે. તે ઇચ્છે તો ફરી અરજી કરી શકશે.’
જય શાહે કહ્યું હતું કે ‘હવે પછીના હેડ-કોચ ત્રણ વર્ષની મુદત માટેના હશે. તેમની નિમણૂંક 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધીની હશે. તેમના સહયોગીઓ (બૅકરૂમ સ્ટાફ)ની પસંદગી નવા હેડ-કોચ સાથેની સલાહ-મસલતને આધારે જ કરાશે.’
ટેસ્ટ તેમ જ વન-ડે અને ટી-20 માટે અલગ હેડ-કોચ નીમવાનો બોર્ડનો કોઈ વિચાર નથી. જય શાહે પત્રકારોને કહ્યું કે ‘ભારતીય ક્રિકેટમાં અલગ ફૉર્મેટ માટે અલગ કોચ નીમવાની પ્રથા છે જ નહીં. બીજું, આપણી પાસે એવા ઘણા ખેલાડીઓ છે જેઓ ત્રણેય ફૉર્મેટમાં સારું રમી શકે છે. જોકે છેવટે તો નિર્ણય ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટી (સીએસી) લેશે. મારે તો માત્ર એ નિર્ણયનો અમલ કરવાનો રહેશે.’
સીએસીની આગામી મીટિંગમાં નવા નૅશનલ સિલેક્ટરની નિયુક્તિ વિશે પણ નિર્ણય લેવાશે. એ માટેની જાહેરખબર ગયા જાન્યુઆરીમાં અપાઈ હતી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સલીલ અન્કોલાના સ્થાને નવા પસંદગીકારની નિયુક્તિ થવાની સંભાવના છે. સિલેક્શન કમિટીમાં અન્કોલા પશ્ર્ચિમ ઝોનનો બીજો સિલેક્ટર છે. હવે પછીના નવા સિલેક્ટરની પસંદગી ઉત્તર ઝોનમાંથી થશે.’