ઘરેલુ સમસ્યાના નિરાકરણને બહાને મહિલા સાથે દુષ્કર્મ: તાંત્રિકની ધરપકડ
થાણે: મીરા રોડમાં ઘરેલુ સમસ્યાઓનું નિરાકરણ કરવાને બહાને મહિલા સાથે વારંવાર કથિત દુષ્કર્મ કરવા બદલ પોલીસે તાંત્રિકની ધરપકડ કરી હતી.
નયા નગર પોલીસે 26 વર્ષની મહિલાની ફરિયાદને આધારે આરોપી સંતોષ પોદ્દાર ઉર્ફે વિનોદ પંડિત (55)ની મીરા રોડના શાંતિ નગર પરિસરમાંથી ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(એન), 506 અને અન્ય કલમો સહિત બ્લૅક મૅજિક ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આરોપી પોતે તાંત્રિક હોવાનો દાવો કર્યો હતો અને ફેસબુક પર જાહેરખબર પણ મૂકી હતી. મીરા રોડના શાંતિ નગર ખાતે ઑફિસ ધરાવતા પોદ્દારે બધી સમસ્યાનું સમાધાન કરવાનો દાવો કર્યો હતો.
મહિલાએ અમુક ઘરેલુ સમસ્યાના સમાધાન માટે પોદ્દારનો સંપર્ક સાધ્યો હતો. સમસ્યાના નિરાકરણને બહાને આરોપીએ અનેક વખત મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું, એવો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ મહિલાની વાંધાજનક તસવીરો અને વીડિયો બનાવ્યા હતા, જેને આધારે તે મહિલાને ધમકાવતો હતો. કંટાળીને આખરે મહિલાએ આ સપ્તાહે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ આ રીતે અન્ય મહિલાઓનું પણ જાતીય શોષણ કર્યું છે કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. (પીટીઆઈ)