ગાંગુલીએ કોહલીની 92 રનની આક્રમક ઇનિંગ્સ જોઈને ભારતીય ટીમ-મૅનેજમેન્ટને સલાહ આપી કે…
બેન્ગલૂરુ: ગુરુવારે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)નો ઓપનિંગ બૅટર વિરાટ કોહલી (92 રન, 47 બોલ, છ સિક્સર, સાત ફોર) પંજાબ કિંગ્સ સામે આઠ રન માટે આઇપીએલની આ સીઝનની બીજી સેન્ચુરી ચૂકી ગયો હતો, પરંતુ તેના એ 92 રન મૅચ-વિનિંગ સાબિત થયા હતા. કોહલીએ 92 રન બનાવવા ઉપરાંત કૅમેરન ગ્રીન (46 રન, 27 બોલ, એક સિક્સર, પાંચ ફોર) સાથે 92 રનની ભાગીદારી પણ કરી હતી. કોહલીની એ ઇનિંગ્સની પંજાબ સામેના વિજયમાં સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. કાહલીએ આરસીબી માટેની પ્લે-ઑફની આશા જીવંત રાખી હતી. કોહલીએ આ સીઝનમાં 12 મૅચમાં કુલ 634 રન બનાવ્યા છે અને ઘણા દિવસથી ઑરેન્જ કૅપ તેના કબજામાં છે. તેની કરીઅરનો સ્ટ્રાઇક-રેટ 134.31 છે, પણ આઇપીએલની વર્તમાન સીઝનમાં 153.51 છે જે બહુ સારો કહેવાય.
કોહલીની ખાસ કરીને ગુરુવારની 92 રનની ઇનિંગ્સથી ભૂતપૂર્વ કૅપ્ટન અને દિલ્હી કૅપ્ટિલ્સનો ક્રિકેટ-ડિરેકટર સૌરવ ગાંગુલી ખૂબ પ્રભાવિત થયો છે. ગાંગુલીએ જૂનના આરંભમાં જ શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપ સંબંધમાં ભારતીય ટીમ મૅનેજમેન્ટ માટેની સલાહમાં કહ્યું છે કે ‘કોહલી અત્યારે ઓપનિંગમાં જબરદસ્ત ફૉર્મમાં છે. તમારે તેના એ ફૉર્મનો ફાયદો ઉઠાવીને વર્લ્ડ કપમાં તેને ઓપનિંગમાં રમાડવો જોઈએ. ગુરુવારે રાતની જ વાત કરીએ. તેણે જે ઝડપે 92 રન બનાવ્યા એ જોતાં મને લાગે છે કે વિશ્ર્વકપમાં તેની પાસે જ દાવની શરૂઆત કરાવવી જોઈએ. તે છેલ્લી કેટલીક ઇનિંગ્સમાં આવું જ સારું રમ્યો છે.’
ગાંગુલીએ બેન્ગલૂરુમાં પીટીઆઇને એક પ્રમોશનલ ઇવેન્ટ દરમ્યાન એવું પણ કહ્યું કે ‘ભારતને વર્લ્ડ કપ માટે સંતુલિત ટીમ મળી છે. બૅટિંગમાં ઘણું ડેપ્થ છે. ખૂબ નીચલા ક્રમ સુધી ટીમ પાસે સારા બૅટર્સ છે. બોલિંગ-આક્રમણ પણ ઉત્કૃષ્ટ છે. મને લાગે છે કે આ ટીમ ટી-20માં ભારત માટે ટ્રોફી જીતવાના દુકાળનો અંત લાવશે.’