રમેશ પારેખની લીલીછમ વેલી અમરેલીમાં ભાજપના ડુંગરે દાવાનળ: કાછડિયાનો ‘શબદ વેધ’
હજુ તો ગુરુવારે જ ભાજપના પૂર્વ સાંસદ અને અમરેલી જેમનો વટ એવા દિલિપ સંઘાણી ઇફફો જેવી કરોડોના ટર્ન ઓવર વાળી સંસ્થામાં ફરીવાર ડિરેક્ટરપદે બિનહરીફ ચૂંટાયાના હરખના મો મીઠા ચાલુ જ છે ત્યાં અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ ભાજપના મોવડી મંડળને સાણસામાં લઈ લીધું. એક તો લોકસભામાં ટિકિટ કપાતા પહેલા અમરેલીમાં મધ્યસ્થ કાર્યાલય ખોલી નાખ્યું,ટિકિટના નામની જાહેરાત થઈ અને ટિકિટ કપાતા જ કાર્યાલયનું શટર પાડી દીધું અને હવે ઉમેદવારની પસંદગી યોગી ના હોવાનો બળાપો કાઢતા કાછડિયાએ ભાજપના મોવડી મંડળને ભરતી મેળા પર પણ વ્યંગ કરીને લોકસભાની ચૂંટણીના મતદાન પછી, દરેક લોકસભામાં ભાજપની સ્થિતિ કેવી હોવાનો એક અણસાર પણ આપી દીધો હોવાની ચર્ચા ચોતરફ થઈ રહી છે.
ભારતીય જનતા પાર્ટીમાથી સતત ત્રણ ટર્મ સાંસદ રહેલા નારણલાલ કાછડિયાએ લોકસભાની અમરેલી બેઠક પર બિલકુલ ઓછું મતદાન,અને મતદારોની ઉદાસીનતાનું એક મોટું કારણ ભરત સુતરિયાને ભાજ્પમાંથી અપાયેલી ટિકિટ ગણાવી હતી . કાછડિયાએ કહ્યું કે,’ પાર્ટીએ જે સિલેકશન કર્યું છે તે અમરેલીની 23 લાખની વસતી અને સાડા સત્તર લાખ મતદારોનો દ્રોહ કર્યો છે. કહ્યું જે થેંક્યુ ન બોલી શકે એવી વ્યક્તિને પાર્ટીએ ટિકિટ આપી’. ઉલ્લેખનીય છે કે, ટિકિટ જાહેર થતાં જ કાછડિયાનું નામ ઊડી ગયું હતું, આ જ કારણોસર કાછડિયા નારાજ પણ હતા. દરમિયાન યેન-કેન -પ્રકારેણ કાછડિયાને સમજાવી લેવાયા હતા
નારણ કાછડિયા ત્રણ ટર્મ સાંસદ રહ્યા. પાર્ટીના કેટલાક નિર્ણયોને તેમણે આડે હાથ લેતા પહેલા, તો પાર્ટીનો આભાર માન્યો.પછી ઉમેર્યું કે મને કોઈ રંજ નથી પાર્ટીએ મને ત્રણ વાર ટિકિટ આપી છે પરંતુ તમારી આ વખતની પસંદગી છે તે અમરેલીના 23 લાખની વસતી અને 17.5 લાખ મતદારોનો દ્રોહ છે.આ દ્રોહ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. તેમણે એ પણ ઉમેર્યું કે, કાછડિયાએ વધુમાં કહ્યું હતું કે, દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડો. કાનાબાર હતા, હિરેન હિરપરા, કેશુભાઈ નાકરાણી જેવા ભાજપ પાસે અનેક મજબૂત ચહેરા હતા. પરંતુ, જે વાત ન કરી શકે, ગુજરાતીમાં ઈન્ટરવ્યૂ ન આપી શકે એવી વ્યક્તિને ટિકિટ આપીને તમે ભાજપના કાર્યકર્તાનો દ્રોહ કર્યો છે. એ કહેવામાં મને જરા પણ અતિશયોક્તિ નથી.
ભાજપ ભરતી મેળા અંગે શું બોલ્યા કાછડિયા ?
ગુજરાતમાં લોકસભા ચૂંટણી હોય કે વિધાનસભા ચૂંટણી.ભાજપે જીલ્લે જીલ્લે વ્યાપક ભરતી મેળા યોજયા હતા. જે પાર્ટીમાથી આવો ત્યાંથી,પણ ભાજપમાં આવો. લોકસભા ચૂંટણી પહેલા પણ કોંગ્રેસ અને આપમાથી કાર્યકરો ભાજપમાં જોડાયા. કાછડિયાએ સીધો પ્રહાર કરતાં ઉમેર્યું કે, કોંગ્રેસ કે આપમાંથી સવારમાં આવે, બપોરે હોદ્દો મળે, બીજા દિવસે કેબિનેટ મંત્રીના પદ મળે, સંગઠનના પદ મળે, ધારાસભ્યની ટિકિટ મળે તો ભાજપના સાંસદ તરીકે પાર્ટીમાં રહો તેનો અમને કોઈ વાંધો નથી. આપણે સરવાળો કરવાનો છે બાદબાકી નહીં પણ ભાજપના કાર્યકર્તાના ભોગે નહીં. ભાજપનો કાર્યકર્તા 35-35 વર્ષથી ભાજપના ઝંડા લગાવતો હોય, નારા લગાવતો હોયો અને કાલે સવારે જેને લાવો તે સ્ટેજ પર બેસતો હોય અને સિનિયર કાર્યકર્તા સામે બેસે તે કેટલે અંશે વાજબી છે?’જે વાત ન કરી શકે એવી વ્યક્તિને ટિકિટ આપી કાર્યકર્તાઓનો દ્રોહ કર્યો છે’
શું કાછડિયાની વેદના એ રાજ્યની 25 લોકસભા બેઠકના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્યોએ કે પાયાના કાર્યકરોની વેદનાઓની એક ઝાંખી માત્ર છે ? લોકસભાના પરિણામો પછી હવે આવી નારાજગી ક્યા-ક્યા જિલ્લા કે લોકસભા બેઠકો પરથી સામે આવે છે તે જોવું દિલચસ્પ રહેશે. શું મોવડી મંડળ કાછડિયાને જવાબ આપશે ?