અમેરિકા ભારતની ચૂંટણીમાં દખલ કરી રહ્યું છે? રશિયાના આરોપ પર અમેરિકાએ જવાબ આપ્યો
વોશિંગ્ટન: ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી(Loksabha Election) અંગે રશિયા(Russia)એ ચોંકાવનારો દાવો કર્યો હતો. રશિયાએ આરોપ લગાવ્યો હતો કે અમેરિકા ભારતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સે ગુરુવારે રશિયાના આરોપોને ફગાવી દીધા હતા. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા, મેથ્યુ મિલરે મીડિયાને જણાવ્યું હતું કે ભારતીય ચૂંટણીઓમાં યુનાઇટેડ સ્ટેટ્સ કોઈ દખલ કરી રહ્યું નથી.
મેથ્યુ મિલરે કહ્યું કે ” અમે ભારતની ચૂંટણીઓમાં અમે પોતાને સામેલ કરતા નથી કારણ કે અમે વિશ્વમાં ક્યાંય પણ ચૂંટણીમાં દખલ કરતા નથી. ચૂંટણીમાં ભારતના લોકોએ જ નિર્ણય લેવાનો છે.”
અગાઉ રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ મોસ્કોમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, “યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા નવી દિલ્હી સામે પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા છે… તેઓ માત્ર ભારત પર જ નહીં પરંતુ અન્ય ઘણા રાજ્યો પર પણ પાયાવિહોણા આરોપ લગાવે છે…”
મારિયા ઝખારોવાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે યુ.એસ. ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે ભારતમાં આંતરિક રાજકારણને અસંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઝખારોવાએ કહ્યું, “કારણ એ છે કે તેઓ સંસદીય ચૂંટણીઓને જટિલ બનાવવા માટે ભારતમાં આંતરિક રાજકીય પરિસ્થિતિને અસંતુલિત કરવાનો પ્રયાસ કરે છે. તે ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવાનો એક ભાગ છે.”
મિલરે વધુ વોશિંગ્ટન પોસ્ટ લેખ પર ટિપ્પણી કરવાનું ટાળ્યું. તેમણે કહ્યું કે, “જ્યાં સુધી તેઓ જ્યુરી સમક્ષ સાબિત ન થાય ત્યાં સુધી આરોપો, આરોપ જ રહે છે. હું અહીં એ અંગે વાત નહીં કરું, કારણ કે તે કોર્ટમાં ચાલી રહેલો કાયદાકીય મામલો છે.”