નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને મોટી રાહત આપી છે, કોર્ટે તેમના વચગાળાના જામીન(Interim Bail) મંજૂર કર્યા છે. અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે અગાઉ મંગળવારે ચુકાદો અનામત રાખ્યો હતો, આજે સુપ્રીમ કોર્ટમાં પાંચ મિનિટથી ઓછા સમય માટે સુનાવણી થઇ હતી, આ દરમિયાન કેજરીવાલને વચગાળાની રાહત આપવામાં આવી છે. દિલ્હીમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પહેલા કેજરીવાલ જેલની બહાર આવવાથી આમ આદમી પાર્ટી(AAP)ને મોટી રાહત મળી છે.
દિલ્હીના મુખ્ય પ્રધાન અને AAPના સુપ્રીમો દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા માની લોન્ડરિંગ કેસના આરોપો હેઠળ જેલમાં છે.
ઈડીએ આજે ગુરુવારે અરવિંદ કેજરીવાલના જામીનનો વિરોધ કરીને નવું સોગંદનામું દાખલ કર્યું હતું. EDએ કહ્યું કે ચૂંટણી પ્રચાર જામીન માટે આધાર બની શકે નહીં. આ ન તો મૂળભૂત અધિકાર છે કે ન તો કાયદાકીય અધિકાર.