નિલેશ વાઘેલા
મુંબઇ: એક હજાર પોઇન્ટથી મોટો કડાકો બોલાવ્યા બાદ શુક્રવારના સત્રમાં શેરબજારને કળ વળી છે અને રોકાણકારોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. નિફ્ટીએ ૨૨,૦૦૦ની સપાટી ફરી હાંસલ કરી છે, જોકે કંપની પરિણામો અને સંસ્થાકીય રોકાણકારોના વલણને કારણે સત્રના અંત સુધી બજારની ચાલ કેવી રહેશે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી.
વૈશ્વિક બજારોના સકારાત્મક પ્રદર્શન સાથે શુક્રવારે ઓટો અને એનર્જી સેક્ટરમાં મજબૂતાઈને કારણે ભારતીય બેન્ચમાર્ક સ્ટોક ઈન્ડેક્સ પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યા હતા. આજે ટાટા મોટર્સ,બેન્ક ઓફ બરોડા અને સિપ્લા સહિતની કંપનીઓના ચોથા ત્રિમાસિક પરિણામોને આધારે બજારમાં શેરલક્ષી કામકાજ જોવા મળશે.
બીપી સી એલના ચોખ્ખા નફામાં ૩૫ ટકાના કડાકા છતાં તેના શેરમાં ચાર ટકા જેવો ઉછાળો જોવા મળ્યો હતો.
જેપી મોર્ગને સ્ટેટ બેન્ક પર ઓવરવેઇટ રેટિંગ જાળવી રાખ્યું છે. એસ્કોર્ટ્સને મેક્વેરીએ ન્યુટ્રલ રેટિંગથી અપગ્રેડ કર્યું છે
ગો ડીજીટે આગામી આઇપીઓ માટે રૂ. 258-278ની પ્રાઇસ બેન્ડની જાહેર કરી છે
બજારના એક્સપર્ટ અનુસાર આ મહિને સંસ્થાકીય પ્રવૃતિઓમાં વિચલન તદ્દન સ્પષ્ટ બની રહ્યું છે. આ મહિનાના તમામ ટ્રેડિંગ દિવસોમાં વિદેશી ફંડો સતત વેચાણકર્તા બન્યા છે અને સ્થાનિક ફંડો સતત ખરીદદારો બન્યા છે, અત્યાર સુધીમાં FII રૂ. 22858 કરોડનું કુલ વેચાણ સામે રૂ. 16700 કરોડની સંચિત DII ખરીદી સાથે બજારને ટેકો આપ્યો છે. વ્યાપક બજારમાં તીવ્ર ઘટાડો દર્શાવતા ડેટા પરથી એવું જણાય છે કે એચએનઆઈ અને રિટેલ રોકાણકારોએ થોડો નફો બુક કર્યો છે અને તેઓ રાહ જુઓ અને રાહ જુઓના મોડમાં છે, કદાચ ચૂંટણી પરિણામો અંગેની અનિશ્ચિતતા સંબંધિત અટકળો બજારનો મૂડ બગાડી રહી છે.