કર્ણાટક સેક્સ સ્કેન્ડલમાં મોટો વળાંક, ફરિયાદ દાખલ કરવા દબાણ કરવામાં આવ્યું હોવાનો મહિલાનો દાવો
બેગલુરું: કર્ણાટકની હાસન બેઠક જનતા દળ સેક્યુલર(JDS)ના સાંસદ પ્રજ્વલ રેવન્ના(Prajwal Revanna) સાથે જોડાયેલા સેક્સ વીડિયો સ્કેન્ડલ(Sex video scandal) અને મહિલાઓના જાતીય શોષણ(Sexual harrasement) કેસમાં નવો વળાંક આવ્યો છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ ગુરુવારે જણાવ્યું હતું કે પ્રજ્વલ રેવન્ના સામે ફરિયાદ કરનાર મહિલાએ દાવો કર્યો છે કે તેણે દબાણમાં આવીને આ ફરિયાદ નોંધાવી છે, એક સંગઠને ધમકી આપીને ખોટી ફરિયાદ નોંધાવવા માટે દબાણ કર્યું હતું.
NCW એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એક મહિલા સિવિલ યુનિફોર્મમાં સજ્જ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા આવી હતી, આ શખ્સોએ કથિત રીતે કર્ણાટક પોલીસ અધિકારીઓ તરીકે ઓળખ આપી અને આ કેસમાં ખોટી ફરિયાદ દાખલ તેના પર દબાણ કર્યું હતું.”
મીડિયા અહેવાલો મુજબ NCW જણાવ્યું હતું મહિલાએ તેના પરિવાર માટે સુરક્ષાની પણ માંગ કરી છે અને ફરિયાદ કરી છે કે તેને કેટલાક ફોન નંબરોથી ધમકીઓ મળી રહી છે. NCWએ કર્ણાટકના ડીજીપી આલોક મોહનને મહિલાને યોગ્ય સુરક્ષા આપવા જણાવ્યું છે.
દરમિયાન, પ્રજ્વલ રેવન્ના સામે 700 મહિલાઓએ ફરિયાદ નોંધાવી હોવા વિષેના અહેવાલોનું પણ NCW એ ખંડન કર્યું હતું. NCWના સત્તાવાર X હેન્ડલની એક પોસ્ટમાં લખ્યું, “NCW જણાવવા માંગે છે કે પ્રજ્વલ રેવન્ના કેસ અંગે 700 મહિલાઓએ NCWને કોઈ ફરિયાદ કરી નથી. કેટલીક મીડિયા ચેનલો આ અંગે ખોટી રીતે રિપોર્ટિંગ કરી રહી છે.”
પ્રજ્વલ રેવન્ના દેશ છોડીને ભાગી ગયો હતો, તે હજી ભારત પાછો આવ્યો નથી. ત્યારે આ કેસની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમ (SIT)એ પ્રજ્વલના પિતા અને જેડીએસ વિધાનસભ્ય એચડી રેવન્નાની જાતીય શોષણ અને અપહરણના આરોપો હેઠળ પહેલેથી જ ધરપકડ કરી ચૂકી છે.