Axis Bank સાથે 22 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી! જાણો કેવી રીતે બે લોકોએ બેંકને લગાવ્યો ચૂનો
એક્સિસ બેંક સાથે રૂ. 22.29 કરોડની છેતરપિંડી કરવા બદલ ફાઇનાન્સ કંપનીના સાત ડિરેક્ટરો સામે કેસ નોંધવામાં આવ્યો છે. FIR મુજબ, બેટર વેલ્યુ લીઝિંગ અને ફાઇનાન્સ લિમિટેડ કંપનીના ડિરેક્ટરોએ માર્ચ 2016 થી માર્ચ 2020 વચ્ચે કાવતરું ઘડ્યું હતું અને તેમણે એક્સિસ બેન્ક પાસેથી લીધેલી લોનની ચૂકવણી કરી નહોતી. મુંબઈ પોલીસના એક અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી હતી. આપણે આ મામલો શું છે તે જાણીએ.
શું છે એક્સિસ બેંક લોન ફ્રોડ મામલો?
મુંબઇ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એક્સિસ બેંકના આસિસ્ટંટ વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે એફઆઇઆર નોંધવામાં આવી છે. એફઆઇઆરમાં જણાવ્યા મુજબ બેટર વેલ્યુ લીઝિંગ અને ફાઇનાન્સ લિમિટેડ કંપનીનો એક્સિસ બેંક સાથે 2005થી કારભાર હતો અને તેમણે એક્સિસ બેંક પાસેથી સમય સમય પર લોન લીધી હતી. પરંતુ કંપનીના ડિરેક્ટરોએ માર્ચ 2016 અને માર્ચ 2020 વચ્ચે એકબીજા સાથે કાવતરું ઘડ્યું અને એક્સિસ બેન્કમાંથી લીધેલી લોનની ચૂકવણી કરવાની બંધ કરી દીધી હતી.
હવે તેના પર 22.29 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એક્સિસ બેન્કના લોન ડિફોલ્ટના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, જેને કારણે ફિચ રેટિંગ એજન્સીએ એક્સિસ બેન્ક પર ‘BB+’ પર લાંબા ગાળાના ઇશ્યુઅર ડિફોલ્ટ રેટિંગ (IDR) જાળવી રાખ્યું છે.