‘આવું ફરીથી નહીં થાય’, માલદીવના વિદેશ પ્રધાને એસ જયશંકરને આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના લક્ષદ્વીપ(Lakshadweep) પ્રવાસ બાદ માલદીવ(Maldivs)ના કેટલાક નેતાઓ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) અને ભારતીયો પર કરવામાં આવેલી આપત્તિજનક ટીપ્પણી બાદ ભારત અને માલદીવ્સ સંબંધોમાં તણાવ આવ્યો હતો. માલદીવના વિદેશ પ્રધાન મૂસા ઝમીર(Moosa Zameer) હાલ ભારતના પ્રવાસે છે, ગુરુવારે તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથે બેઠક બાદ તેમણે જણાવ્યું કે તેમણે સાથે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુની દિલ્હીની મુલાકાતની સંભાવના અંગે ચર્ચા કરી હતી. બંને દેશોએ તણાવપૂર્ણ સંબંધોને સુધારવાના પ્રયાસમાં રાજદ્વારી વાટાઘાટો શરુ કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીઓ અંગે મૂસા ઝમીરે કહ્યું કે સરકાર ખાતરી આપે છે કે આવી ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય. તેમણે સ્પષ્ટ કર્યું કે તે(ટીપ્પણીઓ) મુઇઝ્ઝુ સરકારનું સ્ટેન્ડ નથી અને આવા નિવેદનોનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યા હતા.
ચૂંટણીમાં જીત્યા બાદ રાષ્ટ્રપતિ મુઈઝુની ભારતને બદલે ચીનની મુલાકાતનો બચાવ કરતા મૂસા ઝમીરે કહ્યું કે અગાઉ, ભારતની મુલાકાત અંગે નવી દિલ્હી સાથે ચર્ચા કરવામાં આવી હતી પરંતુ બંને પક્ષોની ‘સુવિધા’ને ધ્યાનમાં રાખીને તેને પાછળ ધકેલી દેવામાં આવી હતી.
તેમણે વધુમાં કહ્યું કે “રાષ્ટ્રપતિએ ચીનની મુલાકાત સાથે સાથે તુર્કીયેની પણ મુલાકાત લીધી હતી. દેખીતી રીતે, અમે નવી દિલ્હી સાથે મુલાકાત અંગે ચર્ચા કરી હતી. પરંતુ બંને પક્ષોની સુવિધા સાચવવા માટે અમને લાગ્યું કે તેમાં થોડો વિલંબ કરવો ઠીક રહેશે.”
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ચીન સાથે કોઈ સૈન્ય કરાર કરવામાં આવ્યો નથી. વિદેશ પ્રધાન ઝમીરે સ્પષ્ટતા કરી, “ચીન સાથે કોઈ સૈન્ય કરાર થયો નથી. માલદીવના રાષ્ટ્રપતિએ એક વાત સ્પષ્ટપણે કહી છે કે અમે માલદીવમાં કોઈ વિદેશી સૈન્યને નથી લાવી રહ્યા.”
વધુમાં, તેમણે કહ્યું કે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર સાથેની તેમની ચર્ચા દરમિયાન, તેઓએ રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુની નવી દિલ્હીની મુલાકાતનું આયોજન કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, “(ભારતના) વિદેશ પ્રધાન સાથે આજની અમારી ચર્ચાઓ સાથે, અમે રાષ્ટ્રપતિની દિલ્હી મુલાકાતનું જલ્દીથી આયોજન કરવા અંગે ચર્ચા કરી હતી.”
વધુમાં, જયશંકર અને ઝમીરે તેમની વાટાઘાટો દરમિયાન માલદીવ માટે દેવા રાહતના પગલાંની ચર્ચા કરી હતી. મૂસા ઝમીર કહ્યું કે ભારત સાથે આર્થિક સહયોગ “માલદીવની અર્થવ્યવસ્થાનો અભિન્ન ભાગ” છે.