અખાત્રીજ પર બની રહ્યો છે આ યોગ : જાણો ખરીદીનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ
Akshaya Tritiya 2024 Puja Muhurat : વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા જેને સૌરાષ્ટ્રમાં અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસને વણજોયા મુહૂર્તના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે તમામ પ્રકારના શુભ કાર્યો દાન પુણ્ય અને સુવર્ણ ખરીદવાને લઈને પણ વિશેષ પરંપરા જોવા મળે છે જાણો શું છે. અક્ષય તૃતીયાના દિવસે કરેલું કોઈ પણ કામ અક્ષય એટલે કે ખંડિત થયા વગર પૂર્ણ થાય છે, જેથી અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ શુભ કાર્ય કોઈ પણ મુહૂર્ત જોયા વગર કરવાની વિશેષ પરંપરા હિંદુ પંચાંગમાં જોવા મળે છે.
અક્ષય તૃતીયાના દિવસને કોઈપણ શુભ કાર્યો કરવા માટે સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે, આજના દિવસે વણજોયુ મુહૂર્ત તરીકે ઓળખાઈ છે. ઉનાળાના દિવસોમા અક્ષય તૃતીયાના દિવસે સૌથી વધુ લગ્નના પ્રસંગનાં આયોજન થતા હોય છે. આ સિવાય નવું ઘર ખરીદવાની સાથે ગૃહ પ્રવેશ ઘરમાં કળશ સ્થાપન ઉપરાંત જીવન જરૂરી અને મહત્વની ચીજ વસ્તુઓની ખરીદી ખાસ કરીને પીળી ધાતુ એટલે કે જેને લક્ષ્મી સાથે સરખાવવામાં આવે છે, તેવા સોનાની ખરીદી પણ લક્ષ્મીજીના પ્રતિક રૂપે અક્ષય તૃતીયાના દિવસે કરાતી હોય છે. એક અંદાજ મુજબ અક્ષય તૃતીયાના દિવસે પ્રત્યેક વ્યક્તિ પોતાની શક્તિ અનુસાર સોનાની ખરીદી કરતો હોય છે.
અક્ષય તૃતીયા 2024 ખરીદીનું શુભ મુહૂર્ત :
વૈદિક પંચાગ અનુસાર અખાત્રીજની પૂજાનો સમય 10 મેના રોજ સવારે 5.32 વાગ્યાથી લઇને બપોરે 12.19 વાગ્યા સુધીનો રહેશે. આ મુહૂર્તમાં તમે સોના કે ચાંદીની ખરીદી કરી શકો છો.
અખાત્રીજના દિવસે સવારે વહેલા ઊઠીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. સાથે જ ગંગાજળને હાથમાં લઈને વ્રતનો સંકલ્પ લો. આ પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીરને પૂજાની ચોકી પર સ્થાપિત કરો. આ પછી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ પર ચોખા અર્પિત કરો. ત્યારબાદ ફૂલ કે સફેદ ગુલાબ, ધૂપ-અગરબત્તી વગેરેથી તેમની પૂજા કરો. ઉપરાંત જવ, ઘઉં, કાકડી, ચણાની દાળ વગેરેને નૈવેદ્યના સ્વરૂપ તરીકે અર્પણ કરો.
આ પછી અંતમાં વિષ્ણુ અને લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો. સાથે જ અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીને ગુલાબી રંગના ફૂલ ચઢાવો. આ ઉપરાંત એક નવી સ્ફટિકની માળા અર્પણ કરો. સાથે જ આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો. આમ કરવાથી તમને અક્ષય પુણ્ય મળશે.