ધરમશાલા: રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (20 ઓવરમાં 241/7)એ ગુરુવારે નિર્ણાયક થઈ રહેલા લીગ રાઉન્ડમાં સતત ચોથો વિજય મેળવ્યો હતો અને 60 રનથી મેળવેલી જીત સાથે સૅમ કરેનના સુકાનમાં સાધારણ પર્ફોર્મ કરનાર પંજાબ કિંગ્સ (17 ઓવરમાં 181/10)ને પ્લે-ઓફની રેસમાંથી બહાર કરી દીધું હતું. બેંગલૂરુ 10 પોઇન્ટ સાથે હજી સાતમા સ્થાને છે.
મૅન ઑફ ધ મૅચ વિરાટ કોહલી (92 રન, 47 બૉલ, છ સિક્સર, સાત ફોર)
વરસાદના વિઘ્ન બાદ આઠ રન માટે આ સીઝનની બીજી સદી ચૂકી ગયો હતો. જોકે કૅમેરન ગ્રીન (46 રન, 27 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) સાથેની કોહલીની 92 રનની ભાગીદારી છેવટે મૅચ-વિનિંગ સાબિત થઈ હતી. કોહલી ત્રણ રન પર હતો ત્યારે આશુતોષથી તેનો કૅચ છૂટી ગયો હતો. એ જીવતદાનનો કોહલીએ પૂરો લાભ લીધો હતો. તેણે પહેલાં 50 રન 32 બૉલમાં અને પછીના 42 રન 15 બૉલમાં બનાવ્યા હતા.
પંજાબે 242 રનના પડકારરૂપ લક્ષ્યાંક સામે જે 181 રન બનાવ્યા એમાં રાઇલી રોસોઉ (61 રન, 27 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. મુખ્ય બૅટર શશાંક સિંહ (37 રન, 19 બૉલ, બે સિક્સર, ચાર ફોર) બેંગલૂરુ માટે ખતરો બની શકે એમ હતો, પરંતુ 14મી ઓવરમાં કોહલીએ સીધા થ્રોમાં તેને રનઆઉટ કરી દીધો હતો.
પ્રભસિમરન (6 રન), બેરસ્ટો (27), જિતેશ (5), લિવિંગસ્ટન (0), સૅમ કરેન (22) અને આશુતોષ શર્મા (8)ના નબળી બૅટિંગ પણ પંજાબની હાર માટે જવાબદાર હતી.
બેંગલૂરુની જીતમાં ચાર બોલરની પણ મહત્વની ભૂમિકા હતી: સિરાજ (43માં ત્રણ વિકેટ), સ્વપ્નિલ સિંહ (28માં બે), લૉકી ફર્ગ્યુસન (29માં બે) અને કર્ણ શર્મા (36માં બે).
એ પહેલાં, બેંગલૂરુની ઇનિંગ્સની 20મી ઓવરમાં પંજાબનો પેસ બોલર હર્ષલ પટેલ પર્પલ કૅપ મેળવવામાં સફળ થયો હતો. તેની 20 વિકેટ થઈ છે. તેણે મુંબઈના બુમરાહ (18 વિકેટ)ને પાછળ રાખી દીધો હતો. હર્ષલે એ 20મી ઓવરમાં દિનેશ કાર્તિક (સાત બૉલમાં બે સિક્સર, એક ફોર સાથે 18 રન), લોમરોર (0) અને ગ્રીન (46)ને આઉટ કર્યા હતા.
એ અગાઉ બેંગલૂરુની ઇનિંગ્સમાં રજત પાટીદાર (પંચાવન રન, 23 બૉલ, છ સિક્સર, ત્રણ બૉલ) પણ ધમાકેદાર રમ્યો હતો.
Taboola Feed