વેપાર

ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત વેચવાલીના દબાણે બોલાયેલા કડાકા, વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઈક્વિટીમાં જળવાયેલો બાહ્યપ્રવાહ, ડૉલર ઈન્ડેક્સમાં આગેકૂચ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં નિકાસકારોની ડૉલરમાં વેચવાલી રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને અંતે સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૩.૫૧ના મથાળે બંધ રહ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૫૨ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૪૯ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૫૧ અને ઉપરમાં ૮૩.૪૪ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે એક પૈસાના સુધારા સાથે ૮૩.૫૧ની સપાટીએ બંધ રહ્યો હતો.

આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૫ ટકા વધીને ૧૦૫.૭૦ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫૭ ટકા વધીને બેરલદીઠ ૮૩.૭૫ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૦૬૨.૨૨ પૉઈન્ટ અને ૩૪૫ પૉઈન્ટનો કડાકો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૬૬૬૯.૧૦ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી એકંદરે રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો, પરંતુ આજે આરંભિક સત્રમાં નિકાસકારોની ડૉલરમાં વેચવાલી રહેતાં પાંખાં કામકાજો વચ્ચે પણ રૂપિયામાં સુધારો જોવા મળ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button