મેટિની

મોરચંગ

ટૂંકી વાર્તા -પૂજાભાઈ પરમાર

એનું ઝૂંપડું વસાહતને છેવાડે હતું. ઝૂંપડા પાછળ ખોડો લીંબડો હતો. બાજુમાં ભાડિયા કૂવા જેવડો ખાડો હતો. તેમાં કાયમ માટે ખારું પાણી ભર્યું રહેતું હતું. તેની બાજુમાં જાળ હતી. ભૂંગાતી છોકરીઓ જાળની ડાળીઓ પકડી હીંચકતી તેની ભેળી સુલભા પણ હીંચકવા આવતી હતી. એકવાર સુલભા હીંચકતાં ખારી માટી પર પટકાઈ પડી હતી ત્યારે એણે તેનો હાથ પકડી ઊભી કરી હતી. ત્યારથી બંને વચ્ચે પ્રેમ પ્રગટી ઊઠ્યો હતો.

સુલભા યુવાન થઈ તો પણ એક જ પહેરવેશ. ટૂંકી ઘાઘરી અને તંગ પોલકું, પગના નળા દેખાય, ભરાઉ છાતીના ઉભારે પોલકું તૂટું તૂટું થાય. તે જોઈ જોઈ એ સ્વગત બોલે. ‘આ અકસ્યામત મારી…’
સુલભા કોઈ લબ્ધ-પ્રતિષ્ઠ માતા પિતાનું સંતાન નહોતી. અગરિયાની બેટી હતી પણ ભારે રૂપાળી હતી. તેનામાં એનું મન મોહ્યું હતું. તેની સાથે પરણવાનાં સ્વપ્નો સેવ્યાં હતાં. તેનો બાપ એની સાથે સગાઈ કરવાની વાત કરતો હતો પણ કરી નહોતી.

એ જમાનો હતો યુવાનીનો. રોજ સવારે આકાશમાં સૂરજના અજવાળા ફાટતા અને રાત્રે તારાની બિછાત પથાઈ જતી. ક્યારેક વરસાદ પડતો ત્યારે કાળી અને ખારી માટીમાંથી સુગંધ ઉઠતી હતી. શ્ર્વાસ લેતો અને એનું હૃદય ધબકી ઉઠતું હતું.

એક દિવસ રોતલ ચહેરે સુલભા એની આગળ આવી બોલી: ‘પ્રેમ, અમે હવે એક માઈલને અંતરે આવેલા સામેના વાંઢમાં રહેવા જઈએ છીએ. આપણે હવે ક્યારેય નહીં મળી શકીએ.’ ધરતીકંપનો આંચકો લાગ્યો હોય તેમ એ સમગ્ર શરીરે ધ્રૂજી ઊઠ્યો. સુલભા સાથે એની સગાઈની વાત થતી હતી તે રોળાઈ જતી લાગી. ગળામાં અટકેલા ઘૂંટને માંડ મળે ઉતારતાં એણે પૂછયું, ‘તું હવે પાછી નહીં આવે?’

‘ના.’
‘ક્યારેક તો?…’

‘ક્યારેકય નહીં, મારા બાપા ત્યાં મને પરણાવી દેવાના છે.’

‘પણ મારા બાપા તારી સગાઈ મારી સાથે કરવાનું કહેતા હતાં. તેનું શું?’

‘કહેતા હશે પણ મારા બાપુ એવું કાંઈ કહેતા નહોતા.’

‘સુલભા, હું તને દિલોજાનથી ચાહું છું.’

‘તો કહી દેને તારા બાપને કે, મારી સાથે તને પરણાવી દે.’

‘મારું કહેવું મારા બાપા આગળ મારું ચાલે નહીં.’

‘મારું નસીબ ફૂટેલું.’ આમ કહીને પ્રેમે માથું કૂટયું.

‘તો હું શું કરું?’ સુલભાએ પૂછયું.

‘મેં પેલું મોરચંગ તને આપ્યું છે તે બજાવતા તું શીખી ગઈ?’

‘તેં જ હોઠોથી બજાવતા શીખવ્યું છે તો ન આવડે?’

‘તો ત્યાં જઈ મોરચંગ બજાવતી રહેજે. વળતો પવન હશે તો હું સરવા કાને સાંભળતો રહીશ.’

આટલું બોલતાં પ્રેમ રડી પડ્યો. સુલભા પણ જુદાઈના આંસુ વહાવતાં બોલી. ‘તું પણ કોઈ સાથે પરણી જજે.’

‘ભલે. પણ પ્રેમ મેં તને કર્યો છે તો કોઈ સાથે કઈ રીતે પરણું? તું નહીં હોય ત્યારે તારી યાદ મને સતાવતી રહેશે. મોરચંગ બજાવતી રહીશ તો તેના મધૂર ગૂંજારવે હું જીવી લઈશ.’
બંને ચૂતી આંખોએ છૂટા પડ્યાં.

સુલભા ગઈ પછી તો તે નામ પણ ભૂલી ગઈ હોય તેમ તેના તરફથી કશા સમાચાર નહીં.

એક દિવસ સામેના વાંઢ તરફથી મોરચંગનો મીઠો અવાજ એના કાને પડ્યો. હજી અંધારું હતું. આકાશના તારા અંધાર્યા નહોતા. હવામાં મુલાયમ સરહરાહટ હતી. પવન સાથે ઉડતાં ઓસના ફોરાં શીરને ભીનાશ અર્પી રહ્યા હતા. આવે સમયે દૂરથી મોરચંગ બજવાનો મીઠો સૂર પ્રેમનાં અંતરમાં છેડ પાડવા લાગ્યો. હૃદય પર જાણે શારડી ફરતી હતી.

આવું કાંઈ પ્રથમવારનું નહીં પણ રોજરોજ થવા લાગ્યું. મોરચંગ કોણ વગાડતું હતું તેની એને ખબર હતી. એણે જ આપ્યું હતું. કેવી રીતે વગાડવું તે પણ સુલભાને એણે જ શિખવ્યું હતું.
એ નાચી ઉઠ્યો.

હવે રોજ સવારે ને સાંજે મોરચંગનો ધ્વનિ ગૂંજતો રહે છે. તેમાંથી વિરહની વેદના ઊઠે છે. જાણે છાતીમાં તીર ભોંકાઈ રહ્યા છે. સુલભાએ કહ્યું હતું, ‘તુંય પરણી જજે.’ પણ પ્રેમ હજી પરણ્યો નહોતો. મોરચંગના માદક સૂરના કેફમાં આયખું પૂર્ણ કરી નાંખ્યું છે.

મોરચંગનો મીઠો સૂર સાંભળતાં આજે વર્ષો પસાર થઈ ગયા છે. કાન આગળની કલમો સફેદ થઈ ગઈ છે. મોરચંગના સ્મૃતિગાન સાંભળતાં સાંભળતાં દિવસો ક્યારે પસાર થઈ ગયાં તેની એને ખબર રહી નથી.

એકાએક મોરચંગ બજવાના સૂર સંભળાતા બંધ થઈ ગયા. એ ઉદાસ થઈ ગયો.

ઘણાં દિવસો આમ પસાર થઈ ગયાં છે. ખારી જમીનના પટ પર ધીરે ધીરે પવન ફૂંકાઈ રહ્યો છે. સુલભા યાદ આવતી રહે છે. પણ તેના તરફથી કશા સમાચાર નથી. પરણી ગઈ હશે. એક બે બચ્ચા પણ જન્મી ગયા હશે ને તેની પરવરીશની પળોજણમાં પડી ગઈ હશે. એટલે મોરચંગ વગાડવું ભૂલી ગઈ હશે.

વર્ષોથી જુદા પડ્યા પછી સુલભા ગઈ તે વાંઢ સુધીએ ક્યારેય ગયો નથી. માત્ર તે તરફ મીટ માંડતો રહ્યો છે. થાય છે કે, એક વાર જઈ આવું. મોરચંગ વગાડતી શાને કારણે બંધ થઈ તે જાણતો આવું.
એ ચાલવા લાગ્યો.

રસ્તે વિચારોની વણઝાર વહેતી હતી. હવામાં ધ્રૂજારી હતી. વાવળ ચડી હતી તેથી આંખમાં ધૂળ પડી હતી તેથી આંખ ખટકતી હતી.

એકાએક ડાબી આંખ ફરકવા લાગી- શું થવાનું હશે? એવા સંશયમાં ને સંશયમાં સામેનાં વાંઢે આવી ગયો.

કોઈને પૂછયું. ‘સામેના ભૂંગાની સુલભા નામની એક છોકરીને અહીં પરણાવી છે તે ક્યાં રહે છે?’

‘સામેના ગામથી અહીં અરણાવી છે તે સુલભાને?’

‘હા, તે સુલભા.’
‘એ તો હાલ તાલુકાની હૉસ્પિટલમાં છે.’
‘શું થયું છે તેને?’
‘તમે ક્યાં રહો છો?’
‘તેના ગામે!’

‘ભલા આદમી, એના ગામનાં છો ને કાંઈ જાણતા નથી? તેને બાળક થતું નહોતું તેથી તેનો વર તેની સાથે કાયમ માટે ઝઘડ્યા કરતો હતો. દારૂ પીતો હતો. એક દિવસ પીધેલી હાલતમાં ગુસ્સામાં આવી, સુલભાના આખા ચહેરા પર એસિડ છાંટી દીધું. આંખો જલી ગઈ. અત્યારે સારવાર માટે તાલુકાની વડી હૉસ્પિટલમાં છે.’

‘ઓહ!?’ એના મુખમાંથી અવાજ નીકળી પડ્યો.

એ હૉસ્પિટલ પહોંચ્યો ત્યારે દિવસના દશ વાગ્યા હતા. એણે કોઈને પૂછયું. ‘અહીં સુલભા નામની એક બાઈને દાખલ કરી તે કયા છોર્ડમાં છે?’ તેના મુખ પર કોઈએ એસિડ છાંટી દીધું છે.’

એક વ્યક્તિએ જવાબ આપ્યો. ત્રણ દિવસ થયાં. આંખો બચાવવા ડૉક્ટરે ઘણી કોશિશ કરી પણ સફળ થયા નહીં. સેપ્ટિંગ થાય એ પહેલાં મણી કાઢી નાખવા ઓપરેશન થિયેટરમાં બાઈને લઈ જવાઈ રહી છે. એ બધું સમજતો હતો. સુલભાના વાંઢમાંથી જ જાણ્યું હતું. બાઈની મણી કાઢી લઈ તેને વોર્ડના રૂમમાં લાવવામાં આવી.

ડૉક્ટર રૂમ બહાર આવ્યા.

એણે પૂછયું. ‘હું દર્દીને મળી શકું?’

‘તમે કોણ છો?’ ડૉક્ટરે પૂછયું.

‘હું તે બાઈનો સગો છું, મારે તેને મળવું છે.’

‘સગા હતા તો અત્યાર સુધી ક્યાં ગયા હતા?’

એ નિરૂત્તર રહ્યો.

ડૉક્ટર આગળ બોલ્યા, ‘જુઓ તેણીની બંને આંખોની નેત્રમણિઓ સેપ્ટિંગ થાય તે પહેલાં કાઢી લેવામાં આવી છે. અત્યારે તે દર્દથી પીડાઈ રહી છે. એના કારણે શી ઈઝ ડેફ. આવી ડેફ એન્ડ બ્લાઈન્ડ પીડિતાને મળી તમે શું કરશો?’

‘સાહેબ, હવે તે દેખતી થઈ શકે?’ એણે આર્દ્ર સ્વરે પૂછયું.

‘તમે કેવી વાહિયાત વાત કરી રહ્યા છો? નેત્રમણિ કાઢી લીધાં પછી કોઈ દેખતું થઈ શકે? અમારા ફ્રીજમાં કોઈની ચક્ષુદાનમાં આવેલી આંખો સ્ટોકમાં નથી. હોત તો પ્રત્યારોપણ કરી શકાત. ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. યુ મે ગો.’ ડૉક્ટર ચાલતા થયા.

‘સાહેબ, જરા ઊભા તો રહો.’ તે આજીજીપૂર્વક બોલ્યો, સાહેબ ઊભા રહી ગયા.

‘આ બાઈને હું મારી આંખો એટલે કે મારી આંખોની નેત્રમણિઓ આપું તો તે દેખતી થઈ શકે?’

‘થઈ શકે. પણ અમે જીવિત માનવીના નેત્રમણિ લઈ શકતા નથી. ચક્ષુદાન જાહેર કર્યું હોય તેની જ આંખો મર્યા પછી તરત કાઢી લેવામાં આવે છે. અને જરૂરમંદ વ્યક્તિની આંખોમાં પ્રત્યારોપણ કરી શકાય છે. તમે જીવિત છો. આથી તમારી આંખો એટલે કે નેત્રમણિઓ લઈ શકાય નહીં.’

‘સાહેબ, મારું માનો. નહીંતર બહાર જઈ હું મારી આંખો ફોડી નાખીશ.’

‘આટલું બધું કરવાનું કારણ શું?’

‘કારણ કે મારી પત્નીના મુખ ઉપર કોઈએ આમ જ એસિડ છાંટ્યું હતું. તેને મારી આંખો આપી હોત તો તે દેખતી થઈ શકી હોત. અંધાપામાં જ તે મરી ગઈ. (એણે જૂઠ રજૂ કર્યું). સાહેબ, તર્પણ કરી છૂટવાનો આ મોકો છે. મારી નેત્રમણિઓ કાઢી, તેની આંખોમાં રોપી દો. આપનું ભલું થશે.’ એ ડૉક્ટરના ચરણોમાં નમી પડ્યો.

‘તમારું નામ?’

‘મંગલ.’ (એણે પોતાનું નામ પણ છુપાવ્યું)
‘જો મંગલ આમાં મારી નોકરી જવાનો ખતરો છે. ખાનગી રહેશે?’

‘એમાં કહેવું ન પડે.’

એની નેત્રમણિઓ લેવાઈ, રૂઝ આવતાં એ હૉસ્પિટલ છોડી ક્યારે ચાલ્યો ગયો તેની કોઈને ખબર ન રહી.

ત્રણ માસ પસાર થઈ ગયાં. ડોળાં ફાડી જોવા એ પ્રયત્ન કરવા લાગ્યો. પણ સર્વત્ર ઘોર અંધારું. વિઝન ચાલ્યા ગયા પછી પ્રયત્ન નિષ્ફળ. આંધળી અવસ્થામાં પણ સુલભાને એકવાર મળવું છે. એવા વારંવાર ઉઠતાં ઉધામા બાદ લાકડીને ટેકે એ સામેના વાંઢે જવા ઉપડ્યો. વાવળ ચડી હતી. કાળી માટીના કણસો પંડ ઉપર વાગતી હતી. પવનનો ઝોંસો વાગતા લાકડી સોતુકો એ પટકાઈ પડ્યો.

એ જ સમયે સામેથી આવી રહેલી કોઈ સ્ત્રીએ એનું બાવડું પકડી એને ઊભો કર્યો.

પણ આ સ્ત્રીના હાથના સ્પર્શમાં આટલી બધી ઐક્યતા ક્યાંથી? એણે સ્ત્રીને ચોંકતા સ્વરે પૂછયું,

‘કોણ છે તું?’

એટલા જ ચોંકતા સ્વરે સ્ત્રીએ સામે પૂછયું. ‘તું કોણ છે?’

એ અવાજ ઓળખી ગયો ‘તું સુલભા તો નહીં?’

‘હા. હું સુલભા. હું પણ તને ઓળખી ગઈ છું. તું… તું…’ સુલભાનો સ્વર આર્દ્ર બની ગયો.

‘હું તારો પ્રેમી પ્રેમ.’ આટલું બોલતાં એનો અવાજ અવરોધાઈ ગયો.

સુલભા પ્રેમીને પામી લેવા બેબાકળી બની, એને બાથ ભીડવા ગઈ ત્યાં તેની નજર એના ડોળા ઉપર પડી. તે ચિલ્લાઈ ઊઠી.

‘મારા પ્રેમ, તારી આંખોને આ શું થયું?’

‘મારી આંખો…’ એ આગળ બોલતા અટકી પડ્યો.

સુલભાના ચહેરા પર અવસાદ ઘેરાઈ વળ્યો. ‘તને ખબર છે મારી ઉપર શું વીત્યું તેની?’ તેણે રડમસ અવાજે પૂછ્યું.

‘હા, બધી ખબર છે. તારો ધણી શરાબના નશામાં તારા ચહેરા ઉપર એસિડ છાંટી પલાયન થઈ ગયો. ભૂંગાના લોકો બિનવારસ કહી તને તાલુકાની સરકારી હૉસ્પિટલમાં મૂકી ગયા હતાં તે. તે બધાની મને ખબર છે!’

‘તો પછી તું મારી ખબર પૂછવા હૉસ્પિટલ સુધી કેમ ન આવ્યો?’

આવ્યો હતો. તારી જલી ગયેલી આંખોની નેત્રમણિની જગ્યાએ મંગલ નામના કોઈ વ્યક્તિએ પોતાની જીવતી નેત્રમણિ કાઢી તારી આંખોમાં રોપાવી, તને દેખતી કરી તે પણ હું જાણું છું. પણ તું આમ ક્યાં જાય છે તે તો મને કહે.’ સુલભાએ સાડીના છેડાની ગાંઠે બાંધેલું મોરચંગ છોડી કહ્યું. ‘મારા હોઠ જલી ગયા પછી હું મોરચંગ મુખથી બજવી શકતી નથી. તારું છે તે તને પાછું આપવા નીકળી છું. આ લે. લઈ લે.’

એણે હાથ લંબાવતા કહ્યું, મોરચંગ મારું છે તે તે મને પાછું આપી દીધું. પણ મંગલ નામે મેં તને આપેલી મારી આંખો મને પાછી આપી દેતી નહીં…!
આ સાંભળી સુલભાના અંતરના પોપડાં ઉખડી ગયાં અને તે જોરથી ચિલ્લાઈ ઉઠી. ‘મંગલ! મારા પ્રેમ…!’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…