મેટિની

યશ ચોપડાનાં શુકનિયાળ અભિનેત્રી

આઝાદી પૂર્વે લાહોરમાં રેડિયો આર્ટિસ્ટ અને નાટ્ય અભિનેત્રી તરીકે સફર શરૂ કરનારા અચલાજી આઝાદી પછી રમખાણોના દિવસોમાં લશ્કરી જવાનો માટે હવાઈ માર્ગે કાશ્મીર જનારા પ્રથમ મહિલા હતાં

હેન્રી શાસ્ત્રી

(ડાબેથી) ‘જલિયાંવાલા બાગ’ અને રાજ કપૂર સાથે ‘નઝરાના’માં

મૂળ નામ રાજીન્દર કૌર પણ ફિલ્મોમાં અચલા સચદેવ નામ ધારણ કરનારાં અભિનેત્રીને લોકો ‘વક્ત’નાં ઝોહરાજબી અથવા હીરો – હિરોઈનના માતુશ્રી તરીકે વધુ ઓળખે છે એ અલગ વાત છે.

અચલાજીને રંગભૂમિ માટે બેહદ લગાવ હતો. આઝાદી પૂર્વે લાહોરમાં રેડિયો આર્ટિસ્ટ અને નાટ્ય અભિનેત્રી તરીકે સફર શરૂ કરનારા અચલાજી આઝાદી પછી રમખાણોના દિવસોમાં આપણા દેશના લશ્કરી જવાનો માટે હવાઈ માર્ગે કાશ્મીર જનારા પ્રથમ મહિલા હતાં એવી નોંધ છે. સ્વતંત્રતા મળ્યા પછી અચલા સચદેવ દિલ્હીની નાટ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયાં હતાં અને ‘ઈપ્ટા’નાં કેટલાંક નાટકોમાં કામ પણ કર્યું હતું. ફિલ્મોમાં નિયમિતપણે કામ કરવાનું શરૂ કર્યું એ પહેલા ‘સ્ટોર્મ ઓવર કાશ્મીર’ નામની ડોક્યુમેન્ટ્રીમાં તેમણે કામ કર્યું હતું. આ ડોક્યુમેન્ટ્રીનું શૂટિંગ જે વિસ્તારમાં યુદ્ધ થયું હતું ત્યાં કરવામાં આવ્યું હતું. કુખ્યાત જલિયાંવાલા બાગના હત્યાકાંડ પર કેટલી હિન્દી ફિલ્મ બની છે. ૧૯૫૦ના દાયકાના પ્રારંભમાં ‘જલિયાંવાલા બાગ’ નામની ફિલ્મ બની હતી જેમાં અચલા સચદેવ લીડ રોલમાં હતા. જોકે, આ ફિલ્મ ક્યારે રિલીઝ થઈ અને એને કેવો આવકાર મળ્યો જેવી કોઈ કરતા કોઈ વિગત ઉપલબ્ધ નથી.

રૂપેરી પડદા પર અમુક પ્રકારના પાત્ર વધુ ભજવ્યા હોવાથી અંગત જીવનમાં પણ એ ઓળખાણ કલાકારને વળગી જાય છે. સૌથી ગાજેલું ઉદાહરણ છે અભિનેતા પ્રાણનું. પુત્રનું નામ પ્રાણ રાખવું પાપ ગણાવતા અનેક પેરન્ટ્સ ૧૯૬૦ – ૭૦ના દાયકામાં જોવા મળતા હતા. પ્રેમ ચોપડાનાં સંતાનોને શાળા અભ્યાસ દરમિયાન ફિલ્મમાં બળાત્કારી વિલનની ઈમેજને કારણે માનસિક ત્રાસ વેઠવો પડ્યો હતો. અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયા (રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલના રામ – સીતા) કોઈ જાહેર કાર્યક્રમમાં જતા ત્યારે અનેક લોકો તેમને રીતસરના પગે લાગતા. રીલ લાઈફની ઇમેજ રિયલ લાઈફમાં પીછો નથી છોડતી. અચલા સચદેવનું અવસાન થયું ત્યારે તેમની સાથે ‘કભી ખુશી કભી ગમ’માં કામ કરનારા શ્રી અમિતાભ બચ્ચને ટ્વિટ કરી જણાવ્યું હતું કે ‘અચલા સચદેવના નિધનના સમાચાર જાણી ખૂબ દુ:ખ થયું. ફિલ્મોમાં તેઓ મોટેભાગે માયાળુ અને પરગજુ સ્વભાવની વ્યક્તિ તરીકે નજરે પડ્યાં અને વાસ્તવિક જીવનમાં તેઓ એવાં જ હતાં.’

અચલા સચદેવની માતા તરીકે ખ્યાતિ એવી ફેલાયેલી હતી કે ૧૯૬૦ના દાયકાના લગભગ દરેક હીરોની માતાનો રોલ તેમણે કર્યો હતો. ૧૯૬૦ – ૭૦ના દાયકાની હિન્દી ફિલ્મોની માતા ‘ગુડ મધર્સ’ (દીકરાના દુ:ખે દુ:ખી અને સુખે સુખી) જોવા મળતી પણ એ દોરમાં અચલાજીનો ‘હરે રામ હરે કૃષ્ણ’નો ઝીનત અમાનની માતાનો રોલ ગળી બાસુંદી જેવો નહોતો. માતાની ઉપેક્ષાને કારણે દીકરી ડ્રગ્સના રવાડે ચડી જાય છે. રાજ કપૂરની ‘મેરા નામ જોકર’ રિલીઝ થઈ ત્યારે એ સમયના જાણીતા વિવેચકે અચલાજીનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ‘રાજુ (રાજ કપૂર)ની માતાના રોલમાં એક સીનમાં અચલા સચદેવ એક પણ સંવાદ બોલ્યા વિના પ્રભાવ પાડી શક્યાં છે. એ દ્રશ્યમાં અચલાજી રશિયન સર્કસ આર્ટિસ્ટને મળે છે. બંને એકબીજાની ભાષા નથી જણાતા. એક અક્ષર બોલ્યા વિના બંને વચ્ચે લાગણીઓની આપ લે થાય છે. આ સીન જોયા પછી ‘વક્ત’ના ઝોહરાજબી નજર સામે તરવરી ઊઠે છે.’ રાજ કપૂરની ફિલ્મમાં જ્યારે દીકરો ભણતર છોડી સર્કસમાં જોડાવાનું નક્કી કરે છે ત્યારે અચલાજીને વિલાપ કરતા જોઈ અનેક દર્શકોની આંખોના ખૂણા અવશ્ય ભીના થયા હશે. પતિએ સર્કસમાં કામ કરતા જીવ ગુમાવ્યા પછી પુત્ર પણ એ જ રસ્તે આગળ વધવા જાય ત્યારે કઈ માને દુ:ખ ન થાય! બંગાળી ફિલ્મ ‘સાત પાકે બાંધા’ પર આધારિત અનિલ ગાંગુલી દિગ્દર્શિત ’કોરા કાગઝ’માં અચલાજી જયા ભાદુડીની ગર્ભ શ્રીમંત માતાના રોલમાં છે જે મધ્યમવર્ગીય પતિ વિજય આનંદ સાથે પુત્રીના છૂટાછેડા કરાવી દે છે. શ્રીદેવી સાઇડ રોલમાં હતી એ ‘જુલી’માં હીરોની ધર્મિષ્ઠ અને રીતરિવાજોને વળગી રહેતી માતા છે. આમ માના જીવનની વિવિધ લાક્ષણિકતાઓ પ્રભાવી રીતે રજૂ કરવામાં અચલા સચદેવ કાયમ સફળ રહ્યાં. શહેરના ઉચ્ચ ભ્રુ પરિવારની સ્ત્રી હોય કે ગ્રામ્ય પરિવારની સામાન્ય સન્નારી હોય, ભાવપૂર્ણ ચહેરાને કારણે અચલાજી દરેક પાત્રમાં એકાકાર થઈ શક્યાં હતાં.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીક બાબતો તાર્કિક રીતે સમજાવી શકાય એવી નથી હોતી. જેમ કે કરણ જોહર કાજોલને લકી ગણે છે. તેણે દિગ્દર્શિત કરેલી ફિલ્મમાં કાજોલની હાજરી ‘કુછ કુછ હોતા હૈ’થી શરૂ થઈ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ (ડિસ્કો સોન્ગમાં સ્પેશિયલ અપીયરન્સ) જોવા મળી હતી. એમના સમયમાં યશ ચોપડા પોતાની ફિલ્મોમાં અચલા સચદેવની હાજરી શુકનિયાળ માનતા હતા. ગયા હપ્તામાં આપણે જે ગીત (અય મેરી ઝોહરાજબી) અને ફિલ્મ (વક્ત)ની વાત કરી એ ચોપડા બંધુની ફિલ્મ હતી. ‘વક્ત’ પછી ‘હમરાઝ’ (બાળ ભવનની ગૃહમાતા), ‘આદમી ઔર ઈન્સાન’ ( ધર્મેન્દ્રની માતા), ‘દાગ’ (મદન પુરીની પત્ની), ‘ચાંદની’ અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ – ‘ડીડીએલજે’ (કાજોલનાં દાદી) સુધીની ફિલ્મોમાં અચલાજીની હાજરી હતી. દાદીમા સમજી જાય છે કે પિતાશ્રીએ પસંદ કરેલો મુરતિયો તેમની પૌત્રી (કાજલ)ને પસંદ નથી. બદલાયેલી દાદીમાના પાત્રને અચલા સચદેવે સુપેરે ભજવ્યું હતું. ’ડીડીએલજી’નો એક મશહૂર કિસ્સો છે કે આ ફિલ્મે સફળતાનાં અનેક વિક્રમી સોપાન સર કર્યા પછી યશજીએ એક એવી રકમનો ચેક તેમને આપ્યો જે જોઈ અચલાજીને બે ઘડી માટે ચક્કર આવી ગયા અને યશજીએ ચેકની રકમ ભરવામાં કોઈ ભૂલ કરી બેઠા છે એવું માની લીધું. જોકે, યશજીએ અચલા સચદેવને સન્માનિત કરવાના હેતુથી એ ચેક આપ્યો હોવાનું જણાવ્યું હતું. આ બધી જાણકારી પરથી માના ચોકઠામાં અચલા સચદેવજીને ફિટ કરી ફિલ્મ ઉદ્યોગે તેમની સાથે અન્યાય કર્યો હોય એવું લાગે છે. એવું લાગે છે કે એક કુશળ અભિનેત્રીથી આપણે વંચિત રહી ગયા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button