ડ્રેસ-સર્કલ -નિધિ શુકલ
કાળા ડિબાંગ અંધારામાં નજર સામેના રૂપેરી પરદા પર સર્જાતાં અવનવાં દ્ર્શ્યોની મોહિની કંઈક અલગ જ છે. એમાંય જો ઝકડી રાખે એવી કથાવસ્તુ હોય-સચોટ સંવાદ હોય – જમીન પર પગ થપથપાવી-આંગળીથી ચપટી વગાડીને સાથ આપવાનું મન થાય એવું કર્ણપ્રિય ગીત-સંગીત હોય તો દરેક દર્શક બે કલાક સુધી એક આગવી દુનિયામાં ખોવાઈ જાય છે.. હવે ધારી લો કે ફિલ્મની વાર્તા જ કોઈ કીમિયાગાર- જાદુગરની હોય તો એ આપણા પર કેવું વશીકરણ કરે !
આપણે ત્યાં જાદુગરની થીમ પર ફિલ્મો ક્યારેક બને- હા, એક જમાનામાં માઈથોજી- પૌરાણિક કથાનકવાળી ફિલ્મોમાં આપણે બાબુભાઈ મિસ્ત્રીની ટ્રિક ફોટોગ્રાફી જોવાં-માણવા મળતી..પરદા પર અટ્ટહાસ્ય કરતો દ્સ માથાવાળો રાવણ અને આકાશમાં પર્વત લઈને ઊડતા વીર હનુમાનની જોઈને આપણે અવાક થઈ જતા..
બીજી તરફ, આવો જાદુ -ટ્રિક ફોટોગ્રાફીમાં હોલીવૂડવાળા આગળ હતા. આજે તો એમના જેવી જ ટઋડ ઈફેકટસ સર્જવવામાં આપણે પણ કાઠું કાઢ્યું છે.. એ વિષય જ સાવ ભિન્ન છે. એની વાત કયારેક કરીશું આજે તો આપણે અહીં એવી કેટલીક વિદેશી ફિલ્મોની વાત કરવી છે,જેના હીરો જ જાદુગર હોય અને એમની બાજીગરીની કથા રજૂ કરીને દર્શકોની નજરબંધી કરે હોલીવૂડની આજે પણ યાદગાર છે એવી કેટલીક જાદુગર મૂવીઝમાં ચીલીચાલુ ટ્રિક ફોટોગ્રાફીનો ઉપયોગ થયો હતો.હવે જાદુગરનાં પરાક્રમ -કરતબ દર્શાવા માટે અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એની સામે કેટલાક એવી દલીલ કરે છે કે આનાથી મેજિકનું વાસ્તવિક આકર્ષણ ઘટી જાય છે.
ખેર, આપણે એ ચર્ચામાં અત્યારે ન પડીએ, પણ એ હકીકત છે કે આધુનિક ટેકનિકને લીધે આ પ્રાચીન જાદુની કલામાં રસ ફરી જીવંત કર્યો છે.
આમ તો આવી જાદુગરી- જાદુગરની પંદરેક ફિલ્મ સદાબહાર છે,જેણે જગતભરના દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે.આમ છતાં , આજે આપણે વાત કરીએ એમાંથી ૩ ફિલ્મ વિશે
(૧) હ્યુડિની (૧૯૫૩):
સ્ટાર કાસ્ટ: ટોની કર્ટિસ-જાનેટ લેહ- એન્જેલા ક્લેર્ક, ઈત્યાદિ
ડિરેક્ટર: જ્યૂર માર્હોલ
OTT પ્લેટફોર્મ: પરમાઉન્ટ+IMDb રેટિંગ: ૬.૮/૧૦ )
એ જમાનાના વિખ્યાત જાદુગર હેરી હુડીની એમનાં સાહસિક જાદુના પ્રયોગો માટે જાણીતા હતા. ૫૨ વર્ષની વયે એ અવસાન પામ્યા ત્યારે એમના ચાહકોને જબરો આઘાત લાગ્યો હતો. લગભગ ૧૦૦ વર્ષ પછી પણ એમનું નામ હજુ પણ ગાજે છે . અશક્ય ગણાતી એવી અનેક પરિસ્થિતિમાંથી એમની ‘ભાગી’ છૂટવાની ટ્રીક્સનાં કેટલાંક રહસ્યો હજુય છતાં થયાં નથી. આ મૂવીમાં એમનાં જીવન અને મૃત્યુ વિશેની કેટલીક કાલ્પનિકા ઘટનાઓ ઉમેરવામાં આવી છે,જેથી ફિલ્મ વધુ રોચક અને મનોરંજક બની રહે..
(૨) એન ઓનેસ્ટ લાયર (૨૦૧૪ )
સ્ટાર કાસ્ટ: જામ્સ રેન્ડી- પેન જિલેટ-યુરી ગેલર, ઈત્યાદિ
ડિરેક્ટર: ટાઇલર મિસોમ – જસ્ટિન વેઇનસ્ટેઇન
OTT પ્લેટફોર્મ: પ્લેક્સ
IMDb રેટિંગ: ૭.૫/૧૦
આ ફિલ્મમાં જેમ્સ રેન્ડીના એક એવો જાદુગર છે,જે કોઈ પણ સ્થિતિ -પરિસ્થિતિમાંથી છટકી જવામાં જબરો માહેર છે. સમય વીતતા -પોતાના નિવૃત્તિ કાળમાં રેન્ડી વૈજ્ઞાનિક સંશોધક -તપાસકર્તા બને છે,જે અનેક ઢોંગી મનોચિકિત્સકોની આબાદ પોલ ખોલે છે
(૩) ધ ઇલ્યુશનિસ્ટ (૨૦૦૬)
સ્ટાર કાસ્ટ: એડવર્ડ નોર્ટન-પોલ ગિયામેટ્ટી-જેસિકા બીલ, ઈત્યાદિ
ડિરેક્ટર: નેઇલ બર્ગર
OTT પ્લેટફોર્મ: નેટફ્લિક્સ
IMDb રેટિંગ: ૭.૫/૧૦
નીલ બર્ગર દ્વારા લિખિત – દિગ્દર્શિત આ રોમેન્ટિક્ થ્રિલર એક ટૂંકી વાર્તા,
આઇઝેનહેમ ધ ઇલ્યુઝનિસ્ટ પર આધારિત છે. એમાં ઑસ્ટ્રિયાના ક્રાઉન પ્રિન્સની એની પ્રેમિકાની હત્યા-આત્મહત્યાની વાત હતી. ૧૮૮૯ના વિયેનામાં આકાર લેતી આ ફિલ્મ આઇઝેનહાઇમ (નોર્ટન) ની વાર્તા કહે છે, જે એક સુંદર સ્ત્રી (જેસિકા બીએલ) નો પ્રેમ પામવા ક્રાઉન પ્રિન્સ સાથે સ્પર્ધા કરે છે
આ જાદુગર આઇઝેનહાઇમ મૃતકોને ફરીથી જીવંત કરવાના જાહેર શો કરીને દર્શકોને આશ્ર્ચર્યચકિત કરે છે જો કે, આ બાજીગર માત્ર લોકોના મનોરંજન માટે આવા પ્રયોગ નથી કરતો . એની પાછળ એક ભેદી હેતુ પણ છુપાયેલો છે, જે ફિલ્મ પ્રેક્ષકોને છેક છેલ્લે સુધી અંધકારમય રહસ્યમાં રાખે છે. છે.આ ફિલ્મ આશ્ર્ચર્યજનક સેટ,સુંદર કોસ્ચ્યુમ,એક ઉત્કૃષ્ટ અભિનય અને ટ્વિસ્ટિંગ પ્લોટથી ભરપૂર છે.
આ ફિલ્મ બોક્સ-ઓફિસ પર સફળ રહી હતી, જેણે ૧૭ મિલિયનના બજેટમાં ૮૮ મિલિયનની કમાણી કરી હતી.
આવા જાદુગરોની હેરતભરી બાજીગરી દેખાડતી હજુ પણ કેટલીક યાદગાર ફિલ્મો છે. એના વિશે પણ આપણે વાત માંડીશુ આવતા અઠવાડિયે.