નાયક નહીં, ખલનાયક હૂં મૈં
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હીરો લોકો હવે દેશભરમાં લોકપ્રિયતા મેળવી રહેલી સાઉથની ભાષામાં બનતી ફિલ્મોમાં કામ કરી વિલનના રોલમાં વાહ વાહ મેળવી રહ્યા છે
કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
સુભાષ ઘઈ લખ્યું છે, ઘાઈ ન કરવું ….
‘પુષ્પા: ધ રાઇઝ’થી દર્શકોના દિલની ધડકન બની ગયેલી રશ્મિકા મંધાના ‘ગુડબાય’, ‘મિશન મજનુ’ અને ‘એનિમલ’માં ચમકી. ત્યારબાદ ‘જવાન’માં નયનતારાએ કોશિશ કરી. અલબત્ત હિરોઈન તરીકે જ. બીજી તરફ હિન્દી ફિલ્મના હીરોલોકો સાઉથની ફિલ્મોમાં વિલન તરીકે કાઠું કાઢવાની કોશિશ કરી રહ્યા છે. ૩૦ વર્ષ પહેલા ‘ખલનાયક’માં નેગેટિવ રોલ કરવા છતાં શ્રેષ્ઠ અભિનેતાનું નોમિનેશન ફિલ્મફેર અવૉર્ડ મેળવનાર સંજય દત્ત અને જેકી શ્રોફ સહિત કેટલાક અભિનેતા સાઉથની ફિલ્મના વિલનમાં પ્રાણ પૂરી રહ્યા છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતાઓનો વિલનને અલગ અંદાજથી રજૂ કરવાના પ્રયાસને આવકાર મળી રહ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવા સમીકરણ આકાર લઈ રહ્યા છે જેથી ભાષા ભેદ ઘટી જવાની સંભવિત આવતીકાલ વિશે આજે અનેક લોકોને અચરજ થઈ રહ્યું છે.
‘કેજીએફ ચેપ્ટર ૨’માં (ક્ધનડ) રાજકીય પીઠબળ ધરાવતો હત્યારો, ત્યારબાદ ‘લિયો’ (તમિળ)માં ગેંગસ્ટર અને હવે ‘ડબલ આઈસ્માર્ટ’ (તેલુગુ) અને ‘કે ડી ધ ડેવિલ’ (ક્ધનડ)માં પણ નેગેટિવ રોલ કરી રહેલા સંજુ બાબા – સંજય દત્તની અભિનય કારકિર્દી એની જ ફિલ્મના ગીત ‘નાયક નહીં, ખલનાયક હૂં મૈં’ સ્વરૂપ ધારણ કરી રહી છે. અલબત્ત ૧૯૮૧માં ‘રોકી’ ફિલ્મથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હીરો બનેલા સંજય દત્ત માટે વિલનની છાંટ ધરાવતો રોલ કરવો એ કોઈ નવાઈ નથી. એની કારકિર્દીમાં એક્સિલરેટર સાબિત થયેલી ‘નામ’માં એનો રોલ નેગેટિવ જ હતો, પણ સંજોગો અપરાધી બનાવે એવા પાત્રને હિન્દી ફિલ્મમાં વિલન નથી કહેવામાં આવતો. બળાત્કાર, ગુંડાગીરી, ઈરાદાપૂર્વક ગોરખધંધા કરતા પાત્રો જ વિલન કહેવાય છે. એમ તો સુભાષ ઘઈની ‘ખલનાયક’માં તો એ વિલન જ છે, ‘નાયક નહીં ખલનાયક હૂં મૈં’ ગાય સુધ્ધાં છે, પણ ફિલ્મના અંતે હિરોઈનને સજાના સાણસાથી મુક્ત રાખવા કરેલી શરણાગતિ નામનો સાબુ જાણે કે બધો મેલ ઉતારી નાખે છે. આ ઉપરાંત ‘મુસાફિર’નો બિલ્લા (૨૦૦૪), ‘પ્લાન’નો મુસાભાઈ (૨૦૦૪), ‘પાનીપત’માં અહમદ શાહ અબ્દાલી (૨૦૧૯)માં એનું પાત્ર ખલનાયકનું જ છે, પણ આ ફિલ્મો બોક્સઓફિસ પર પીટાઈ ગઈ હોવાથી જૂજ લોકોના સ્મરણમાં જ એ નેગેટિવ ભૂમિકા રહી. દક્ષિણથી નવો પવન ફૂંકાવાની શરૂઆતથી થયો છે એ દોરની અસાધારણ સફળતા મેળવનારી ક્ધનડ ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર ૨’માં અધીરાના રોલથી સંજય દત્ત માટે નવો દરવાજો ખૂલ્યો છે. અધીરાને મળેલા આવકાર પછી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પણ એને નેગેટિવ રોલમાં સાઈન કરવાની ઉત્સુકતા દેખાડી છે. કહેવા માટે છેક ૧૯૯૮માં સંજય દત્ત નાગાર્જુન – રમ્યાની તેલુગુ ફિલ્મ ‘ચંદ્રલેખા’માં નજરે પડ્યો હતો, પણ એ મહેમાન કલાકારનો મામૂલી રોલ હતો જે ખુદ સંજય દત્ત પણ ભૂલી ગયો હશે. ક્ધનડ ફિલ્મ પછી ગયા વર્ષે આવેલી તમિળ ફિલ્મ ’લિયો’માં તમાકુ ફેક્ટરીના માલિક તરીકે પણ સંજુબાબા સાઉથના દર્શકોને પસંદ પડ્યા અને ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થતા સાઉથમાં સંજય દત્તનું વજન વધી ગયું. સાઉથના લોકપ્રિય કલાકાર યશ સાથે ‘કેજીએફ ચેપ્ટર ૨’માં કામ કર્યા પછી ‘નાચો નાચો’ ગીતથી દેશ આખાને ઘેલું લગાડનાર ફિલ્મ ‘આરઆરઆર’ના બે મુખ્ય કલાકાર પૈકી એક રામ ચરણ સાથે સંજય દત્ત તેલુગુ ફિલ્મ કરી રહ્યો છે. ફિલ્મનું ટાઈટલ નક્કી ન થયું હોય તો સાઉથમાં મુખ્ય કલાકારના પ્રથમાક્ષર સાથે નામની ઘોષણા કરવાની પદ્ધતિ અમુક જગ્યાએ જોવા મળે છે. એ અનુસાર રામચરણ – સંજય દત્તની ફિલ્મ અત્યારે ‘આરસી ૧૬’ (રામચરણની ૧૬મી ફિલ્મ) તરીકે ઓળખાય છે અને એમાં પણ આ ખલનાયકની ભૂમિકામાં છે. આ ફિલ્મનું મુહૂર્ત સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી (રામચરણના પિતાશ્રી)એ કર્યું હતું. આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મમાં પણ સંજુબાબા વિલન છે. અલબત્ત આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે પણ એ પહેલા આવતા મહિને સંજય દત્તની તેલુગુ ફિલ્મ ‘ડબલ આઈસ્માર્ટ’ રિલીઝ થવાની છે. સાયન્સ ફિક્શન ફિલ્મ પેન ઈન્ડિયા
મૂવી છે જે તેલુગુ ઉપરાંત સાઉથની ત્રણ ભાષા (તમિલ, કન્નડ અને મલયાલમ) તેમજ હિન્દીમાં રિલીઝ કરવામાં આવશે. આ સિવાય ગાયક, ગીતકાર, અભિનેતા અને દિગ્દર્શક એવી બહુમુખી પ્રતિભા ધરાવતા મિસ્ટર પ્રેમ (મૂળ નામ કિરણ કુમાર)ની ‘કેડી – ધ ડેવિલ’માં સંજય દત્ત ગેંગસ્ટરના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં પાત્રનું નામ વિશાલ અગ્નિહોત્રી હોવાથી હિન્દી ફિલ્મના દર્શકોને જાણીતો લાગશે.
સંજય દત્ત સિવાય સાઉથમાં વ્યસ્ત હિન્દી ફિલ્મના હીરો લોકોમાં એક નામ જેકી શ્રોફનું પણ છે. જોકે, જેકી દાદા ગુજરાતી હોવા છતાં ગુજરાતી સિવાય લગભગ દરેક જાણીતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ચિત્રપટમાં કામ કરી ચૂક્યા છે. સાઉથની ચાર ભાષા ઉપરાંત મરાઠી, બંગાળી, પંજાબી, ભોજપુરી અને કોંકણી ભાષાના ચિત્રપટોમાં મિસ્ટર શ્રોફ ચમકી ચૂક્યા છે. સાઉથની ફિલ્મો સાથે તેમનું જોડાણ સૌપ્રથમ ૨૦૦૬ની તેલુગુ ફિલ્મ ‘અસ્ત્રમ’થી થયું હતું જે આમિર ખાનની હિટ ફિલ્મ ‘સરફરોશ’ની રિમેક હતી. હિન્દી ફિલ્મમાં નસીરુદ્દીન શાહે જે રોલ કર્યો હતો એ ભૂમિકા તેલુગુ ફિલ્મમાં જેકી શ્રોફે કરી હતી. તાજેતરના વર્ષોની વાત કરીએ તો પાંચ વર્ષ પહેલા આવેલી અને તેલુગુ ઉપરાંત હિન્દીમાં સાથે શૂટ થયેલી ‘સાહો’માં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શ્રદ્ધા કપૂર સહિત ઘણા કલાકારની હાજરી હતી જેમાં એક નામ હતું જેકી શ્રોફનું. ફિલ્મમાં જેકી વિલન નહોતો, એક બિઝનેસમેન હતો અને આજનો બિઝનેસમેન હોય અને ચોખ્ખો ચણાક હોય એવું ભાગ્યે જ બને. રજનીકાંતની ‘જેલર’માં જેકીનો રોલ નાનો હતો, પણ એની અદાકારીથી દર્શકોના સ્મરણમાં જરૂર રહી ગયો. સુભાષ ઘઈની ‘હીરો’ (૧૯૮૩)થી હીરો બનેલો જેકી શ્રોફ હવે વિલન તરીકે કાઠું કાઢી રહ્યો છે. આ સિવાય સની લિયોની અને પ્રિયામણી સાથેની તમિલ ફિલ્મ ‘ક્વોટેશન ગેંગ’માં સુદ્ધાં તેણે કામ કર્યું છે. સાઉથના અન્ય મેકરો પણ જેકીને ખલનાયક તરીકે ચમકાવવા ઉત્સુક છે.
સંદીપ રેડ્ડી વાંગાની ‘એનિમલ’ની વિવેચકોએ ટીકા કરી, પણ દર્શકોએ હૈયાસરસી ચાંપી. રણબીર કપૂરની એક્ટિંગ તો અવ્વલ સાબિત થઈ જ, પણ અન્ય બે કલાકારની પણ ખાસ્સી ચર્ચા થઈ છે. એક છે તૃપ્તિ ડિમરી અને બીજો છે બોબી દેઓલ. હિંસક અબરાર હક દર્શકોને એટલી હદે પસંદ પડ્યો કે એનો રોલ હજુ વધુ લાંબો હોવો જોઈતો હતો એવી દલીલ અનેક લોકોએ કરી. અબરારની લોકપ્રિયતાને પગલે સાઉથના ફિલ્મ મેકરો બોબીને વિલન તરીકે સાઈન કરવા તલપાપડ થયા છે. આજે પરિસ્થિતિ એવી છે કે બોબીનો નેગેટિવ રોલ હોય એવી ત્રણ તેલુગુ ફિલ્મ ફ્લોર પર છે અને હિન્દી ફિલ્મ વાતચીતના દોરમાં છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી નવું કલેવર ધારણ કરી રહી છે જેની આવતી કાલ સાવ નવી હશે એવું ચિત્ર ઉપસી રહ્યું છે.