પિત્રોડા કૉંગ્રેસ માટે એસેટ નહીં લાયેબિલિટી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ઉંમર વધે તેમ માણસોમાં ઠાવકાઈ વધતી હોય છે એવું કહેવાય છે પણ સામ પિત્રોડાના કેસમાં ઉલટું બની રહ્યું હોય એવું લાગી રહ્યું છે. એક સમયે ભારતમાં ટેલીકોમ ક્રાંત સહિતની ક્રાંતિનો યશ જેમને અપાતો હતો એ સામ પિત્રોડા છેલ્લાં કેટલાંક વરસોથી હાસ્યાસ્પદ લવારા પર લવારા કર્યા કરે છે ને છેલ્લા લવારાના કારણે તેમણે ઈન્ડિયન ઓવરસીઝ કૉંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું ધરી દેવું પડ્યું છે.
સામ પિત્રોડાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દેવું પડ્યું તેના મૂળમાં એક વીડિયો છે. પિત્રોડા વીડિયોમાં ભારતના વિવિધ વિસ્તારો રહેતા લોકોની અપમાનજનક લાગે એ રીતે સરખામણી કરતા દેખાય છે. વીડિયોમાં સામ પિત્રોડાને એવું કહેતા સાંભળી શકાય છે કે ભારત અત્યંત વિવિધતા ભરેલો દેશ છે. ભારતમાં પૂર્વ વિસ્તારમાં રહેતા લોકો ચીનના લોકો જેવા, પશ્ર્ચિમમાં રહેનારા આરબો જેવા, ઉત્તર ભારતમાં રહેતા લોકો ગોરાઓ જેવા અને દક્ષિણ ભારતમાં રહેનારા આફ્રિકન લોકો જેવા દેખાય છે પણ તેનાથી ફરક પડતો નથી, આપણે બધાં ભાઈ-બહેન છીએ. આપણે તમામ ભાષાઓનું સન્માન કરીએ છીએ. આપણે વિવિધ ભાષા, ધર્મ અને રીતિ-રિવાજોનું સન્માન કરીએ છીએ. આ ભારત પર મારો વિશ્ર્વાસ છે, આ ભારતમાં દરેક વ્યક્તિ બીજી વ્યક્તિનું સન્માન છે અને દરેક વ્યક્તિ કોઈ ને કોઈ જગ્યાએ થોડુંક સમાધાન કરે છે.
પિત્રોડા સાહેબે આ જ્ઞાન કેમ પિરસ્યું તેની તેમને જ ખબર પણ ભાજપે આ મુદ્દાને ઉપાડી લીધો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પિત્રોડાના લવારાને ચૂંટણી પ્રચારનો મુદ્દો બનાવીને સવાલ કર્યો કે, મારા દેશમાં લોકોના રંગ પરથી તેમની યોગ્યતા નક્કી થશે? રંગભેદની રમત રમવાનો અધિકાર શેહઝાદાને કોણે આપ્યો છે? બંધારણને માથે લઈને નાચનારા લોકો મારા દેશનું અપમાન કરી રહ્યા છે.
મોદીએ સામ પિત્રોડાની ટીકા કરી એટલે ભાજપના બીજા નેતા પણ મચી પડ્યા ને હોહા થઈ ગઈ. પિત્રોડાએ વાટેલા ભાંગરાના કારણે સોશિયલ મીડિયા પર પસ્તાળ પડી એટલે કૉંગ્રેસે હાથ ખંખેરી નાંખ્યા. કૉંગ્રેસ વતી જયરામ રમેશે ચોખવટ કરી કે, સામ પિત્રોડાએ ભારતની વિવિધતા વિશે જે કહ્યું એ ખોટું છે અને કૉંગ્રેસને તેની સાથે લેવાદેવા નથી. રમેશની ચોખવટના કલાકોમાં તો પિત્રોડાના રાજીનામાની વાત આવી ગઈ.
પિત્રોડાએ જે વાત કરી એ આઘાતજનક જ નહીં પણ અપમાનજનક પણ છે. આ દેશનાં લોકો બીજા દેશનાં લોકો જેવાં દેખાય છે એવું કહીને પિત્રોડા શું સાબિત કરવા માગે છે તેની તેમને જ ખબર પણ કોઈ પણ પ્રાંતના વ્યક્તિને તેના દેખાવના આધારે મૂલવવા એ સભ્યતાની નિશાની તો નથી જ. પિત્રોડા જેવા માણસ આવી અસભ્યતા આચરે એ આઘાતજનક કહેવાય. આપણે રાજકારણીઓ પાસેથી સભ્ય વર્તનની અપેક્ષા નથી રાખતા પણ સામ પિત્રોડા રાજકારણી પછી બન્યા, એ પહેલાં એક ટેકનોક્રેટ ને બિઝનેસમેન હતા એ જોતાં તેમની પાસેથી આ પ્રકારની વાતોની અપેક્ષા નહોતી.
પિત્રોડાએ પોતાની મરજીથી રાજીનામું આપ્યું હોવાનું કહ્યું છે પણ કૉંગ્રેસે હાથ ખંખેર્યા ને કલાકોમાં તો પિત્રોડા સાહેબને ગડગડિયું પકડાવી દેવાયું તેના પરથી સ્પષ્ટ છે કે, કૉંગ્રેસે ડેમેજ કંટ્રોલ માટે રાજીનામું ધરી દીધું છે. પિત્રોડાને રાજીનામું આપવાની ફરજ એટલે પડાઈ કે, પિત્રોડાએ પંદર દિવસના ગાળામાં આ બીજો મોટો ભાંગરો વાટ્યો છે. આ પહેલાં સામ પિત્રોડાએ વારસાઈ ટૅક્સ અંગે નિવેદન કરીને ભાંગરો વાટી નાંખ્યો હતો. પિત્રોડાએ દાવો કરેલો કે, અમેરિકામાં વારસામાં મળતી મિલકતો પર ૫૦ ટકા ટેક્સ વારસાઈ ટૅક્સ લાગે છે અને આ ખૂબ જ રસપ્રદ કાયદો છે. ભારતમાં એવો કોઈ કાયદો નથી પણ મને લાગે છે કે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ.
લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો હતો જ ત્યારે પિત્રોડાએ કરેલા બફાટના કારણે ભાજપને મોકો મળી ગયો. ભાજપે આ વાતને ટ્વિસ્ટ કરીને કૉંગ્રેસ દેશમાં વારસાઈ ટેક્સ લાવવા માગે છે એવો મુદ્દો ઊભો કરી દીધો અને તમે સંતાનોને સંપત્તિ આપી જાઓ તેના પર પણ ટૅક્સ લગાવીને લૂંટ કરવા માગે છે એવો પ્રચાર શરૂ કરીને રાહુલ ગાંધીએ લોકોની સંપત્તિનો સર્વે કરવાની વાત કરી તેને ભાજપ એ રીતે રજૂ કરેલી કે, કૉંગ્રેસ સત્તામાં આવશે તો હિંદુઓ પાસેથી સંપત્તિ પડાવીને મુસ્લિમોને આપશે.
પિત્રોડાએ વારસાઈ ટેક્સની વાત કરીને ભાજપને કૉંગ્રેસ પર પ્રહારો કરવાની તક આપી દીધી. એ વખતે પણ કૉંગ્રેસે પિત્રોડાના લવારાના મુદ્દે હાથ ખંખેરીને ચોખવટો કરવી પડેલી. આ ચોખવટોમાંથી કૉંગ્રેસીઓ પરવાર્યા નથી ત્યાં પિત્રોડાઓ નવી મોંકાણ ઉભી કરી દીધી એટલે કૉંગ્રેસે રવાના કરવા સિવાય બીજો આરો જ ના રહ્યો.
પિત્રોડા નહેરુ-ગાંધી ખાનદાનના ખાસ છે કેમ કે રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા ત્યારે પિત્રોડા તેમના સલાહકાર હતા.
રાજીવ ગાંધીને યશ અપાવવામાં પિત્રોડાનું મોટું યોગદાન છે તેથી ૧૯૮૦ના દાયકાથી જ પિત્રોડા નહેરુ-ગાંધી ખાનદાનના ખાસ માણસ બનીને રહ્યા. આ સંજોગોમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલે છે ત્યાં સુધી પિત્રોડાને બાજુ પર મૂકાય ને પછી પાછા લઈ અવાય એવું બને. ભૂતકાળમં મણિશંકર ઐયર સહિતના લવરીબાજોના મુદ્દે કૉંગ્રેસે એવું કરેલું જ છે એ જોતાં કૉંગ્રેસ એ ઈતિહાસ દોહરાવે એવી શક્યતા નકારી ના શકાય.
જો કે પિત્રોડા છેલ્લાં કેટલાંક વરસોથી જે રીતે બફાટ પર બફાટ કર્યા કરે છે એ જોતાં કૉંગ્રેસે તેમને પાછા લાવવાનું જોખમ લેવા જેવું નથી. પિત્રોડાએ આ પહેલાં શીખ વિરોધી રમખાણોથી માંડીને રામમંદિર સુધીના મુદ્દે બકવાસ પર બકવાસ કરીને કૉંગ્રેસને બહુ નુકસાન કર્યું છે. પિત્રોડાએ રામમંદિર વિશે એવું કહેલું કે, ભારતમાં બેરોજગારી, મોંઘવારી અને શિક્ષણ જેવી સમસ્યાઓ વિશે કોઈ વાત કરતું નથી. દરેક વ્યક્તિ રામ, હનુમાન અને મંદિરની વાત કરે છે. મંદિર બનાવવવાથી કંઈ રોજગારી નથી મળવાની.
પિત્રોડાએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વખતે શીખ વિરોધી રમખાણો મુદ્દે બખેડો ખડો કરેલો. ભાજપે રાજીવ ગાંધીને ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા તેની સામે પિત્રોડાએ સવાલ કરેલો કે, અત્યારે ૧૯૮૪ની વાત શું કરવા કરવી જોઈએ ? ભાજપે પાંચ વર્ષમાં શું કર્યું છે તેની વાત કરો.
પુલવામામાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક ત્યારે પિત્રોડાએ કહ્યું હતું કે, કેટલાક આતંકીઓએ કર્યો હુમલો તેની સજા આખા પાકિસ્તાનને કેમ આપવામાં આવી રહી છે?
આ પિત્રોડા સાહેબે કરેલું ચિતરામણ છે ને આવાં ચિતરામણોએ જ કૉંગ્રેસની વાટ લગાડી છે.