નવી મુંબઈ પોલીસે હેમંત કરકરેના વીડિયોને લઇ ત્રણ સામે ગુનો દાખલ કર્યો
થાણે: 26/11ના આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્કવોડના ચીફ હેમંત કરકરેના વીડિયો થકી અલગ અલગ જૂથો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવાના આરોપસર નવી મુંબઈ પોલીસે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
નવી મુંબઈના તુર્ભે વિસ્તારમાં રહેતા ફરિયાદી સુરેશ રામા ગાયકવાડે (49) પોલીસને જણાવ્યું હતું કે ‘સેલ્યુટ ટૂ હેમંત કરકરે (બેઝ્ડ ઑન ટ્રુ ઇવેન્ટ) નામનો વીડિયો બનાવ્યો હતો અને તેને યુટ્યૂબ પર પોસ્ટ કર્યો હતો, જે મેં 22 એપ્રિલે જોયો હતો.
તુર્ભે પોલીસ સ્ટેશનના અધિકારીએ ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે આરોપીઓએ વીડિયોને એવી રીતે રજૂ કર્યો હતો કે જાણે તે એક સાચી વાર્તા હોય, જ્યારે તે કથિત રીતે ખોટી માહિતી પર આધારિત હતી. બ્રાહ્મણો દ્વારા આતંકવાદી હુમલા કરાવવામાં આવે છે અને મુસ્લિમોને ખોટા કેસમાં ફસાવવામાં આવે છે, એવું તેમાં દર્શાવવામાં આવ્યું હતું.
સુરેશ ગાયકવાડની ફરિયાદને આધારે બુધવારે ત્રણ જણ અને તેમની નનામી ટીમના સભ્યો સામે એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો. તુર્ભે પોલીસે ભારતીય દંડસંહિતાની કલમ 153-એ (બે અલગ અલગ જૂથો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવી), 295-એ (ધાર્મિક માન્યતા અથવા ધર્મનું અપમાન કરીને કોઇ પણ વર્ગની ધાર્મિક લાગણી દુભવવાના હેતુથી ઇરાદાપૂર્વકનું-બદઇરાદાપૂર્વકનું કૃત્ય), 298 (ધાર્મિક લાગણી દુભાય એ રીતે શબ્દો ઉચ્ચારવા) અને 34 (ગુનાનો સમાન હેતુ) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં હેમંત કરકરે શહીદ થયા હતા. (પીટીઆઇ)