મુંબઈમાં બોમ્બ ધડાકાનો આરોપી પ્રચાર રેલીમાં દેખાતા ખળભળાટ
હેમંત કરકરે પ્રકરણ બાદ મહાવિકાસ આઘાડી વધુ એક વિવાદમાં?
યશ રાવલ
મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં લોહિયાળ અક્ષરે લખાયેલી તારીખોમાંની એક તારીખ છે 12 માર્ચ, 1993ની છે અને આ જ તારીખને લોહિયાળ અક્ષરે લખવાના એક આરોપીનું નામ લોકસભાની ચૂંટણી દરમિયાન અચાનક ચર્ચાસ્પદ બન્યું છે અને તેનું કારણ છે આ આરોપીની એક રાજકીય પક્ષના ઉમેદવારના પ્રચારમાં હાજરી.
1993માં મુંબઈમાં આંતરરાષ્ટ્ર્રીય આતંકવાદી દાઉદ ઇબ્રાહિમના ઇશારે કરવામાં આવેલા બૉમ્બ બ્લાસ્ટમાં 257 મુંબઈગરાઓએ જીવ ગુમાવ્યા હતા અને 1,400થી વધુ લોકો જખમી થયા હતા અને તેમના જખમો આજે પણ તાજા જ છે. આવા ઘૃણાસ્પદ કૃત્યનો આરોપી ઇકબાલ મુસા ઉર્ફ બાબા ચૌહાણ મહાવિકાસ આઘાડીના ભાગ એવા ઉદ્ધવ ઠાકરેની શિવસેના જૂથના ઉત્તર પશ્ર્ચિમ બેઠકના ઉમેદવાર અમોલ કિર્તીકરની પ્રચાર રેલીમાં જોવા મળ્યો હતો. જેને પગલે ભાજપ અને સાથી પક્ષ વિપક્ષ પર દેશ વિરોધી પરિબળોની મદદ લઇ ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહી હોવાનો આરોપ મૂકી રહી છે.
હાલમાં જ વિજય વડેટ્ટીવારે મુંબઈ આતંકી હુમલામાં શહીદ થનારા એ સમયના એટીએસ(ઍન્ટિ ટેરેરિઝમ સ્ક્વૉડ)ના વડા હેમંત કરકરેની હત્યામાંથી આતંકીઓને ક્લીન ચીટ આપતું નિવેદન આપતા હોબાળો થયો હતો ત્યારે હવે આ નવો વિવાદ શરૂ થયો છે.
ટુકડે-ટુકડે ગૅન્ગ બાદ દેશના દુશ્મનોનો ટેકો: ભાજપ
ઉકબાલ મુસા અમોલ કિર્તિકરની રેલીમાં તેમની અત્યંત નજીક રહી પ્રચાર કરતો હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે.
ભાજપે આ મુદ્દે મોટો ઊહાપોહ મચાવ્યો છે અને આરોપ કર્યો છે કે મહાવિકાસ આઘાડી ટુકડે ટુકડે ગૅન્ગ(જેએનયુ-જવાહરલાલ નહેરુ માં દેશવિરોધી સૂત્રોના નારા લગાવનારા ક્ધહૈયા કુમાર સહિતના લોકો) બાદ હવે દેશના દુશ્મનોનો પણ ટેકો લઇ રહી છે. હવે આ લડાઇ ભારત અને પાકિસ્તાન પાકિસ્તાન વચ્ચેની, દેશપ્રેમીઓ અને દેશ-વિરોધીઓ વચ્ચેની છે, એમ ભાજપે કહ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેની મશાલ આતંકીઓના હાથમાં: બાવનકુળે
ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષે આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે 1993 બ્લાસ્ટનો આરોપી ઇકપાલ મુસા ઉદ્ધવ ઠાકરેની જૂથમાં પ્રવેશી ગયો છે એટલે કે ઉદ્ધવ ઠાકરેની મશાલ(ઉદ્ધવ જૂથની શિવસેનાનું ચૂંટણી ચિહ્ન) આતંકીઓના હાથમાં છે. શું હવે ફરીથી મુંબઈ અને દેશને પેટાવવાનો તેમનો હેતું છે? હિંદુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેએ 1993ના ધડાકા બાદ મુંબઈને સંરક્ષણ આપ્યું, પણ આજે એ ઘટનાના આરોપીઓનો સાથ લઇ રહ્યા છે. આજે બાળાસાહેબ હોત તો તેમની શું હાલત થાત? ઉદ્ધવ ઠાકરેને શરમ આવવી જોઇએ, એમ તેમણે કહ્યું હતું.
કૉંગ્રેસના નેતાએ કસાબને આપી હતી ક્લીનચીટ
આતંકવાદનો વધુ એક મુદ્દો આ વખતેની લોકસભાની ચૂંટણી દરમિયાન ઉછળ્યો હતો જ્યારે કૉંગ્રેસના વિજય વડેટ્ટીવારે 26/11ના મુંબઈ આતંકી હુમલા દરમિયાન શહીદ થનારા એટીએસ ચીફ હેમંત કરકરેને આતંકવાદી મોહમ્મદ અજમલ આમીર કસાબે નહીં, પરંતુ આરએસએસ સાથે સંકળાયેલા પોલીસકર્મીએ ગોળી મારી હોવાનો બફાટ કર્યો હતો. આ નિવેદનના કારણે પણ મોટો વિવાદ ઊભો થયો હતો. હવે 1993 બ્લાસ્ટના આરોપીનું મહાવિકાસ આઘાડીની પ્રચાર રેલીમાં દેખાવું તેમની માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે, તેવું રાજકીય વિશ્ર્લેષકોનું માનવું છે.