દાહોદમાં બુથ કેપ્ચરીંગની ઘટના બાદ ચૂંટણી પંચનો નિર્ણય: 11મીએ પુનઃ મતદાન
સંતરામપુર: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે થયેલા ત્રીજા તબક્કાનાં મતદાન દરમિયાન મહિસાગરના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતુ.વિજય ભાભોરે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કર્યુ હતુ. ત્યારબાદ કોંગ્રેસનાં ઉમેદવાર ડો. પ્રભાબેન તાવિયાડે આ અંગે ફરિયાદ નોંધાવી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ફરિયાદ બાદ તંત્રએ વિજય ભાભોર અને તેના અન્ય સાથીની ધરપકડ કરવામાં આવી છે, તો ચૂંટણી પંચે જવાબદાર અધિકારીઓને કારણદર્શક નોટીસ પણ પાઠવી હતી. જયારે આજે ચૂંટણી પંચે દાહોદ લોકસભા બેઠકનાં પ્રથમપુરનાં મતદાન બુથ પર આવતી 11મીએ પુનઃ મતદાન કરવાના આદેશ આપ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતા રમેશ ભાભોરના પુત્ર વિજયની કરતૂતના કારણે પુનઃ મતદાનના આદેશ અપાયા છે. 220 નંબરના બુથ પર હવે શનિવારે એટલે કે 11 મેના રોજ ફરીથી મતદાન થશે.
દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ થયાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રે બૂથ કેપ્ચરિંગ કર્યુ હતું. ઉપરથી તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર મંગળવારે દાહોદમાં 58.66 ટકા મતદાન નોંધાયું હતું.