IPL 2024સ્પોર્ટસ

મુંબઈ પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ જતાં હાર્દિકની કૅપ્ટન્સી ચર્ચાના ચકડોળે ચઢી

લખનઊ/મુંબઈ: સનરાઇઝર્સ હૈદરાબાદ સામે બુધવારે લખનઊ સુપર જાયન્ટ્સની ટીમ હારી ગઈ એમાં આઇપીએલ-2024માંથી મુંબઈ ઇન્ડિયન્સની બાદબાકી થઈ ગઈ.
પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈની ટીમ આ સીઝનમાં પ્લે-ઑફની રેસની બહાર થઈ જનારી પહેલી જ ટીમ છે. મુંબઈનો પર્ફોર્મન્સ એકંદરે ધાર્યા કરતાં નબળો તો હતો જ, હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સી પહેલેથી ચર્ચામાં રહી હતી અને હવે ટીમ બહાર થઈ જતાં વધુ ચર્ચાના કેન્દ્રમાં છે.
મુંબઈ ઇન્ડિયન્સ (12 મૅચ, 8 પૉઇન્ટ, -0.212 રનરેટ) હવે બાકીની બે મૅચ (કોલકાતા, લખનઊ સામે) રમશે, પરંતુ પ્લે-ઑફમાં નહીં પહોંચી શકે.

મુંબઈની ટીમની આ હાલત માટે (બુમરાહને બાદ કરતા) ટીમની નબળી બોલિંગને તેમ જ (સૂર્યકુમારને બાદ કરતા) નબળી બૅટિંગને કારણરૂપ ગણાવાઈ રહી છે ત્યારે હાર્દિકના સુકાનને પણ જવાબદાર ગણાવાઈ રહ્યું હોવાના અહેવાલ મળ્યા હતા.
મુંબઈની ટીમ 17 સીઝનમાં પાંચ ટાઇટલ જીતી છે, પરંતુ તમામ ટીમોમાં પ્લે-ઑફની દોડમાંથી મુંબઈની ટીમ સૌથી પહેલાં બહાર થઈ ગઈ હોય એવું અગાઉ એક જ વાર બન્યું હતું. 2022માં એવું બન્યું હતું અને બે જ વર્ષમાં એનું પુનરાવર્તન થયું છે. જોકે આ વખતનો આ પહેલો જ કિસ્સો નથી. બે વર્ષ પહેલાં રોહિત શર્માના સુકાનમાં પણ આવી આઘાતનજક એક્ઝિટ થઈ હતી એટલે આ વખતે માત્ર હાર્દિકને જવાબદાર ગણાવવામાં આવી રહ્યો છે એ ખોટું કહેવાય.

2022ની સાલ કે જ્યારે મુંબઈની ટીમ આઉટ થનારી પ્રથમ ટીમ બની હતી ત્યારે ગુજરાત ટાઇટન્સે હાર્દિકના સુકાનમાં ડેબ્યૂમાં જ ટાઇટલ જીતી લીધુ હતું. 2023માં મુંબઈની ટીમ રોહિતના સુકાનમાં ચોથા નંબર પર રહી હતી અને એ સીઝનમાં હાર્દિકની કૅપ્ટન્સીમાં ગુજરાતની ટીમ રનર-અપ બની હતી.
એવું માનવામાં આવી રહ્યું છે કે મુંબઈની કૅપ્ટન્સી બદલવાના નિર્ણયને લીધે આ ટીમની વહેલી એક્ઝિટ થઈ. એક જાણીતા અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ મુંબઈ ઇન્ડિયન્સના કેટલાક સિનિયર ખેલાડીઓની થોડા દિવસ પહેલાં કોચિંગ સ્ટાફ સાથે મીટિંગ થઈ હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સી અને તેની કાર્યશૈલી ટીમની આ હાલત માટે કારણરૂપ છે.

મુંબઈ ઇન્ડિયન્સના એક અધિકારીએ ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હોવાનું મનાય છે કે જે ટીમના ખેલાડીઓને 10 વર્ષથી રોહિતની કૅપ્ટન્સીની આદત પડી ગઈ હતી એટલે હમણાં નવા સુકાની સાથે તેઓ તાલમેલનથી મેળવી શક્તા. નેતૃત્વ બદલાય ત્યારે શરૂઆતમાં આવા વિઘ્નો આવતા હોય છે.

અન્ય એક અહેવાલમાં જણાવાયું હતું કોચિંગ સ્ટાફ સાથેની તાજેતરની મીટિંગમાં રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ હાજર હતા અને આ મીટિંગ બાદ ટીમ મૅનેજમેન્ટ સાથે પણ એક મીટિંગ થઈ હતી.
એક તરફ અહેવાલ હતો કે ટીમની એક્ઝિટ માટે માત્ર એક ખેલાડી (હાર્દિક)ને જવાબદાર ન ગણાવી શકાય ત્યાં બીજી બાજુ થોડા દિવસ પહેલાંના માઇકલ ક્લાર્કના વિધાનને હવે મુંબઈની એક્ઝિટને કારણે વધુ મહત્ત્વ મળી રહ્યું હોય એવું લાગે છે. ક્લાર્કે ગયા અઠવાડિયા કહ્યું હતું કે ‘ટીમના ડ્રેસિંગ-રૂમમાં બે જૂથ પડી ગયા છે અને તેમની વચ્ચે સમન્વય ન બનતો હોવાથી તેમ જ તાલમેલ ન હોવાને કારણે મુંબઈની ટીમ ઉપરાઉપરી મૅચો હારી ગઈ.’
એવું મનાય છે કે ફ્રૅન્ચાઇઝીના મોવડીઓ મુંબઈની ટીમના આ સીઝનમાંના પર્ફોર્મન્સની બારીકાઈથી સમીક્ષા કરીને કેટલાક મહત્ત્વના ફેંસલા લેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button