શાહ-રાજનાથને ગ્રાઉન્ડ ફ્લોર, સિંધિયાને ફર્સ્ટ ફ્લોર…
નવા સંસદ ભવનમાં મંત્રીઓને રૂમ ફાળવવામાં આવ્યા
નવી દિલ્હીઃ સંસદના વિશેષ સત્રને હવે માત્ર બે દિવસ બાકી છે. 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલનાર આ વિશેષ સત્ર નવા સંસદ ભવનમાં યોજાશે. આ માટે સરકારે તૈયારીઓ કરી લીધી છે. દરમિયાન હવે સમાચાર આવી રહ્યા છે કે નવા સંસદ ભવનમાં મંત્રીઓને પણ રૂમ ફાળવવામાં આવ્યા છે. વિશેષ સત્ર દરમિયાન મંત્રીઓ નવા રૂમમાં શિફ્ટ થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રાઉન્ડ ફ્લોર પરના રૂમ મોદી સરકારના 11 વરિષ્ઠ મંત્રીઓને ફાળવવામાં આવ્યા છે.
ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ, વિદેશ પ્રધાન એસ જયશંકર, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન અને અશ્વિની વૈષ્ણવને ગ્રાઉન્ડ ફ્લોર પર રૂમ ફાળવવામાં આવ્યા છે.
વર્તમાન સંસદ બિલ્ડીંગમાં પણ વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓને ગ્રાઉન્ડ ફ્લોર પર રૂમ આપવામાં આવ્યા હતા. જ્યારે નારા યણ રાણે, સર્બાનંદ સોનોવાલ, વીરેન્દ્ર કુમાર, ગિરિરાજ સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, પશુપતિ કુમાર પારસ, ગજેન્દ્ર સિંહ શેખાવત, કિરેન રિજિજુ અને આરકે સિંહ સહિતના કેટલાક મંત્રીઓને પહેલા માળે રૂમ ફાળવવામાં આવ્યા છે.
સંસદના આ વિશેષ સત્રમાં સરકાર ચાર બિલ પાસ કરવા જઈ રહી છે. આ ચારમાંથી બે બિલ એવા છે કે જેને તાજેતરમાં પૂરા થયેલા ચોમાસું સત્ર દરમિયાન ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં પાસ થઇ ગયા છે. રાજ્યસભામાં પાસ થયા બાદ આ બિલ લોકસભામાં પેન્ડિંગ છે. આ ઉપરાંત એવા બે બિલ છે જે સરકાર દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ ચોમાસા સત્ર દરમિયાન પસાર થઈ શક્યા ન હતા.
સરકાર વતી, તમામ કેબિનેટ પ્રધાનો, રાજ્ય પ્રધાનો (સ્વતંત્ર હવાલો) અને રાજ્ય પ્રધાનોને વિશેષ સત્રના પાંચેય દિવસે ગૃહની સમગ્ર કાર્યવાહી દરમિયાન હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
આદેશ અનુસાર, લોકસભાના જે સાંસદો મંત્રી છે તેમને સમગ્ર કાર્યવાહી દરમિયાન રાજ્યસભામાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે, બંને ગૃહોમાં દરેક ગૃહની કાર્યવાહી દરમિયાન એક મંત્રી દ્વારા રોસ્ટર ડ્યુટી કરવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. તેનું ઉદ્ઘાટન 28 મે 2023 ના રોજ કરવામાં આવ્યું હતું. નવું સંસદ ભવન 29 મહિનામાં બનીને તૈયાર થયું છે.
નવું સંસદ ભવન ત્રિકોણાકાર આકારમાં તૈયાર કરવામાં આવ્યું છે, જેથી મહત્તમ જગ્યાનો ઉપયોગ કરી શકાય. તે 64,500 ચોરસ મીટરમાં બનેલું છે. તેને બનાવવામાં 862 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
જૂની સંસદની ઇમારતમાં લોકસભામાં 545 અને રાજ્યસભામાં 245 સાંસદો માટે બેઠક છે. જ્યારે નવી બિલ્ડીંગમાં લોકસભાની ચેમ્બરમાં 888 સાંસદો બેસી શકશે. સંયુક્ત સંસદ સત્રના કિસ્સામાં, 1,272 સાંસદો બેસી શકશે. જ્યારે રાજ્યસભાની ચેમ્બરમાં 384 સાંસદો સરળતાથી બેસી શકે છે. નવી સંસદમાં લોકસભા ચેમ્બરને રાષ્ટ્રીય પક્ષી મોરની થીમ પર અને રાજ્યસભા ચેમ્બરને રાષ્ટ્રીય ફૂલ કમળના થીમ પર ડિઝાઇન કરવામાં આવી છે.