ગુજરાતની 25 બેઠકો પર 60.13 ટકા મતદાન! જાણો કોને ફળશે આ મતદાન?
ગાંધીનગર: ગુજરાતમાં 25 લોકસભા બેઠક પર 7 મેના રોજ મતદાન થયું હતું, જેમાં થયેલા કુલ મતદાનનો અંતિમ આંકડો ચૂંટણી પંચે જાહેર કર્યો. તેના મુજબ ગુજરાતમાં કુલ 60.13 ટકા મતદાન થયું હતું. આ મતદાન 2019ની લોકસભા ચૂંટણીમાં થયેલા મતદાનની સરખામણીએ 3.98 ટકા ઓછું રહ્યું છે.
2019નાં વર્ષે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 64.11 ટકા મતદાન થયું હતું, જયારે આ વર્ષે ગુજરાતની માત્ર 25 બેઠકો પર જ મતદાન થયું હતું કેમ કે તાજેતરમાં જ સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થતા સુરત બેઠક પર ચૂંટણી યોજાઈ નહોતી.
ચૂંટણી પંચે 8મી મેના રોજ મતદાનના અંતિમ આંકડા જાહેર કર્યા હતા, જેમાં તેમણે સમગ્ર ગુજરાતમાં સરેરાશ મતદાન 60.13 ટકા મતદાન થયું હતું. આ મતદાનમાં દક્ષીણ ગુજરાતની આદિવાસી આરક્ષિત વલસાડ બેઠક પર સૌથી વધુ 72.71 ટકા મતદાન થયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન સૌરાષ્ટ્રમાં અમરેલીમાં 50.29 મતદાન નોંધાયું હતું.
ગુજરાતમાં છેલ્લી પાંચ લોકસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારી
વર્ષ મતદાન | (ટકામાં) | કોંગ્રેસ | ભાજપ |
1999 | 47.03 | 06 | 20 |
2004 | 45.16 | 12 | 14 |
2009 | 47.89 | 11 | 15 |
2014 | 63.66 | 00 | 26 |
2019 | 64.51 | 00 | 26 |
કોંગ્રેસને આ બેઠકો પરથી આશા છે:
ગુજરાતમાં 7 મેના રોજ 43 ડિગ્રી તાપમાન વચ્ચે મતદાન થયું હતું. આવી સ્થિતિમાં મતદાન ઓછું થાય તેવી દહેશત હતી, પરંતુ મતદાન 60 ટકાથી ઉપર ગયું હોવાથી ભાજપમાં ખુશીનો માહોલ છે. રાજ્યની 26 લોકસભા બેઠકોમાંથી ભાજપે સુરતની બેઠક પહેલા જ જીતી લીધી છે. આવી સ્થિતિમાં 4 જૂને EVM ખૂલશે ત્યારે ગુજરાતનું રાજકીય ચિત્ર સ્પષ્ટ થશે.
છેલ્લી ચૂંટણીમાં ભલે મતદાનના આંકડા કોંગ્રેસની તરફેણમાં ન આવ્યા હોય, પરંતુ કોંગ્રેસ પાર્ટી ઘણી બેઠકો જીતવા માટે આશા સેવી રહી છે. પાર્ટીને બનાસકાંઠા, વલસાડ અને આણંદ તેમજ જામનગર જેવી સીટ પર તેમની પકડ મજબૂત દેખાઈ રહી છે. ગુજરાતની વલસાડ લોકસભા બેઠક પર સૌથી વધુ મતદાન થયું છે, જ્યારે બનાસકાંઠામાં 2019ની સરખામણીમાં વધુ મતદાન થયું છે. અમરેલીમાં સૌથી ઓછું મતદાન થયું હતું