Salute: બળાત્કારનો ભોગ બનેલી બે છોકરીઓની હિંમત છે કાબિલ-એ-દાદ
હૈદરાબાદઃ કોઈપણ મહિલા અને ખાસ કરીને સગીરા જ્યારે શારીરિક અત્યાચારનો ભોગ બને ત્યારે તેની માનસિક સ્થિતિ સમજવી ખૂબ જ અઘરી છે. તેની આસપાસના તમામ તેને હિંમત આપે તો પણ તેની અંદરનો ડર અને હતાશામાંથી બહાર નીકળવુ અઘરું છે, પણ તેલંગણાના હૈદરાબાદની બે છોકરીઓએ પોતાની જાત સાથે સંઘર્ષ કરી ફતેહ મેળવી છે. આ બન્ને છોકરીઓ અલગ અલગ પરિવારમાંથી આવે છે અને પોતાના જાણીતા, નજીકના લોકોની હવસનો શિકાર બની હતી.
બળાત્કારનો ભોગ બનેલી બે સગીરાએ દસમા ધોરણની પરીક્ષા ખૂબ સારા માર્કસ સાથે પાસ કરી છે.
જોકે આ આ બન્ને છોકરીઓમાંથી નાની છોકરીની અહીં સુધીની પહોંચવાની સફર ખૂબ જ કઠિન અને હૃદયદ્રાવક હતી. વર્ષ 2023માં આ છોકરીને પેટમાં દુખાવો ઉપડયો અને તેની દાદી તેને હૉસ્પિટલ લઈ ગઈ ત્યારે ખબર પડી કે તે ગભર્વતી છે. તેનો ગર્ભ પણ એડવાન્સ સ્ટેજમાં હોવાથી અબોર્શન પણ થઈ શકે તેમ ન હતું. સૌથી ભાયનક અને હતાશાજનક વાત તો એ છે કે આ છોકરી પોતાના પિતાની જ હવસનો શિકાર બની હતી. આ બન્ને બળાત્કારના કેસ સંભાળનારા પોલીસ અધિકારી M Mahender Reddyએ જણાવ્યું હતું કે આ છોકરીએ નવ મહિના બાદ એક બાળકને જન્મ આપ્યો જેને અનાથાશ્રમમા રાખવામાં આવ્યું અને તેણે પોતાનું ભણવાનું ચાલુ રાખ્યું. તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ખબર પડી કે તેણે દસમાની પરીક્ષા 5.6 (Grde point average) જીપીએ સાથે પાસ કરી.
આ કેસમાં પિતાને આજીવન કેદની સજા મળી હતી અને કોર્ટ બાળકીને રૂ. 15 લાખનું વળતર આપવાનો પણ આદેશ આપ્યો હતો.
બીજા કેસમાં કાકાએ સગીરાનો બળાત્કાર કર્યો હતો. આ છોકરીએ 9.3 જીપીએ સાથે પરીક્ષા પાસ કરી છે. હવે આ બન્ને છોકરીઓ પોલીસ ખાતામાં કરિયર બનાવવાનું સપનું સેવે છે. આનું કારણ મીરપ્રીત પોલીસ સ્ટેશનનના અધિકારી રેડ્ડી અને અહીં ફરજ પર હાજર મહિલા કોન્સ્ટેબલ છે, જેમણે આ કેસને ખૂબ જ સમજદારી અને માનવતા સાથે હેન્ડલ કર્યો. આ પોલીસ અધિકારીઓએ છોકરીઓને હંમેશાં હિંમત આપી અને તેમની સાથે થયેલા આત્યારચારમાંથી બહાર કાઢવમા તેમની મદદ કરી. આથી તેમના મનમાંથી પોલીસનો ડર નીકળી ગયો અને પોલીસ ખાતા તરફ માન વધ્યું.
કોઈપણ મહિલા સાથે આવી હિચકારી ઘટના ન થાય તેવી કોશિશો આપણી હોવા છતાં આવી વિકૃતિનો શિકાર છોકરીઓ બનતી આવી છે. ત્યારે આ તેલંગણાની આ બે દીકરીઓની હિંમત ખરેખર દાદ માગી લે તેવી છે.